સિંધુદુર્ગ : મહારાષ્ટ્ર રાજ્યના દક્ષિણ છેડે કોંકણ-વિભાગમાં દરિયાકાંઠે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 17° 35´થી 18° 30´ ઉ. અ. અને 73° 20´થી 74° 10´ પૂ. રે. વચ્ચેનો 5,222 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રત્નાગિરિ જિલ્લો, પૂર્વમાં કોલ્હાપુર જિલ્લો, અગ્નિકોણમાં બેલગામ (કર્ણાટક) જિલ્લો, દક્ષિણે ગોવા રાજ્ય તથા પશ્ચિમે અરબી સમુદ્ર આવેલાં છે. જિલ્લામથક કુડાલ-ઓરોસ જિલ્લાની મધ્યમાં દક્ષિણ તરફ આવેલું છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ એકંદરે અસમતળ છે. પૂર્વભાગમાં અન્યોન્ય સમાંતર ટેકરીઓથી બનેલી સહ્યાદ્રિ હારમાળા પસાર થાય છે. પશ્ચિમ ભાગ નદીખીણોથી છેદાયેલો મેદાની છે. એકબીજીને સમાંતર નાની નાની નદીઓ પૂર્વથી પશ્ચિમ વહે છે અને અરબી સમુદ્રને મળે છે. આ નદીઓ છીછરી અને વેગવાળી હોવાથી માછીમારી કે નૌકાની હેરફેર માટે ઉપયોગી નથી. અહીંની જમીનો પડખાઉ (lateritic) છે તથા કાંઠાના વિભાગ પૂરતી દરિયાઈ મોજાંની અથડામણને કારણે ક્ષારવાળી બની રહેલી છે. આ ભાગ ‘ખાર’ નામથી ઓળખાય છે.

ખેતી-પશુપાલન : આ જિલ્લાની ઘણીખરી વસ્તી ખેતીમાં રોકાયેલી હોવા છતાં બાકીના લોકોની મુખ્ય પ્રવૃત્તિ માછીમારીની છે. ડાંગર, જુવાર, બાજરી, ઘઉં, તુવેર, મગ, ચણા તેમજ બીજાં કઠોળ અહીંના મુખ્ય કૃષિપાકો છે. આ ઉપરાંત કેરી, મરી અને કાજુ પણ થાય છે. વળી દરિયાકાંઠાની પટ્ટીમાં નાળિયેરી, સોપારી, જેકફ્રૂટ, કોકમ પણ સારા પ્રમાણમાં થાય છે. ગાય, ભેંસ અને બકરાં અહીંનું મુખ્ય પશુધન છે, દરિયામાંથી માછલીઓ પકડવામાં આવે છે અને તેની નિકાસ મુંબઈ, કોલ્હાપુર અને પુણે ખાતે થાય છે.

સિંધુદુર્ગ

ઉદ્યોગ-વેપાર : આ જિલ્લામાંથી લોહઅયસ્ક, મૅંગેનીઝ, સિલિકા-રેતી, ઇલ્મેનાઇટ રેતી તથા બૉક્સાઇટ જેવાં ખનિજો મળે છે. આ ઉપરાંત ગૌણ પ્રમાણમાં ફેલ્સ્પાર, કાચ-રેતી, યુરેનિયમ ઑક્સાઇડ, તાંબાનાં ખનિજો, ઍસ્બેસ્ટૉસ, અબરખ, ચૂનાખડક, બાંધકામ-ખડકો, ખનિજવર્ણકો અને માટી પણ મળી રહે છે. માછીમારી અહીંનો મુખ્ય વ્યવસાય છે. સૂર્યતાપમાં શેકેલી માછલીઓનું ચૂર્ણ બનાવાય છે. અહીં લાકડાનાં રમકડાં, હાથસાળનું કાપડ તથા સુશોભનની ચીજવસ્તુઓ બનાવાય છે. કુડાલ, કંકાવલી અને મઝગાંવ ખાતે ઔદ્યોગિક વસાહતો આવેલી છે. તેમાં નાના પાયા પરના ઉદ્યોગોને મહત્વ અપાય છે. કાજુ-પ્રક્રમણ, સિલિકા-પ્રક્રમણ, ફળોની જાળવણી, સિમેન્ટ-પેદાશો, સોડિયમ-સિલિકેટ, મુદ્રણકામ, બુકબાઇન્ડિંગ, બીડીઓ વગેરેને લગતા ઉદ્યોગો ચાલે છે. કેરી, કાજુ તેમજ તાજી અને પ્રક્રમિત માછલીની નિકાસ થાય છે. અહીંની હાફૂસ અને રાઇવલ નામની કેરી ખૂબ જાણીતી છે. અનાજ, કરિયાણું, કાપડ, ખાદ્યતેલ, દવાઓ અને ખાંડની આયાત થાય છે.

પરિવહન-પ્રવાસન : જિલ્લાનાં નગરો અને ગામો રસ્તાઓથી જોડાયેલાં છે. કોલ્હાપુર આ જિલ્લા માટેનું નજીકનું રેલમથક છે, જ્યારે બેલગામ નજીકનું હવાઈ મથક છે. રત્નાગિરિ હવાઈ પટ્ટીની જાળવણીમાં કર્ણાટક રાજ્ય પણ સંકળાયેલું છે.

જિલ્લામાં કિલ્લા, જૂનાં મંદિરો અને અન્ય કેટલાંક પ્રવાસન-મથકો આવેલાં છે. જિલ્લાનો પૂર્વ ભાગ પહાડી હોવાથી ત્યાં રમણીય તથા ઐતિહાસિક સ્થળો આવેલાં છે.

અંબોલી : આ સ્થળ સાવંતવાડીથી ઈશાનમાં 21 કિમી.ને અંતરે આવેલું છે. તે કાંઠાનાં મેદાનોથી 725 મીટરની ઊંચાઈએ રહેલું છે. અહીં ઉનાળાની આબોહવા ઠંડી અને આહલાદક રહેતી હોવાથી સાવંતવાડી અને બેલગામ-વિસ્તાર માટે સેનેટોરિયમ બનાવેલું છે. મહાદેવગઢ, નારાયણગઢ, નટ-પૉઇન્ટ, ખેમરાજ-પૉઇન્ટ અને સાવંતવાડી અહીંનાં જોવાલાયક સ્થળો છે.

કંકેશ્વર : અરબી સમુદ્રને કિનારે આવેલ કંકેશ્વર મંદિરને કારણે જાણીતું બનેલું ગામ. આ મંદિરનો પાયો ગ્રૅનાઇટથી અને ઉપરનું તથા તેના ઘૂમટનું બાંધકામ લેટરાઇટથી થયેલું છે. આ મંદિર ઈ. સ. 1100માં મુસલમાન વેપારીએ બાંધેલું. આજે પણ આ મંદિર સારી સ્થિતિમાં છે.

સાવંતવાડીમાંનાં સતમ મહારાજ મંદિર, દત્તમંદિર, ભારતી મહારાજ મઠ, ભાલચંદ્ર મહારાજ મઠ, સોનરલી, આંગણવાડી અને હિરણ્યકેશીનાં ધાર્મિક સ્થળો પણ જોવાલાયક છે.

કિલ્લા : જિલ્લાના દરિયાકાંઠે ત્રણ ટાપુથી બનેલું મલવાન બંદર આવેલું છે. બે ટાપુઓ કિનારાથી 250 મીટર દૂર છે, ત્રીજો ટાપુ નાની ખાડીથી અલગ પડી જાય છે. બે મોટા ટાપુ પર સિંધુદુર્ગનો કિલ્લો આવેલો છે. એક ટાપુ પર પદ્મગઢનો કિલ્લો ખંડિયેર હાલતમાં છે. દરિયાઈ કિલ્લો શિવાજીના કિલ્લા તરીકે જાણીતો છે. મુખ્ય ભૂમિ પર મલવાન નગરની સરહદની અંદર તરફ રાજકોટનો કિલ્લો છે, તેની ત્રણ તરફ સમુદ્ર છે; બીજો એક સર્જકોટ કિલ્લો પણ મુખ્ય ભૂમિ પર આવેલો છે. અહીં નજીકમાં નાના ફડનવીસના ભાઈ ગંગાધર ભાઉએ બંધાવેલું રામેશ્વરનું એક જૂનું મંદિર આવેલું છે. આ ઉપરાંત અહીં રંગના, મનોહરગઢ, નારાયણગઢ, શિવગઢ, રામગઢ, સોનગઢ, આવરા, સંતોષગઢ અને ખારીપાટણના કિલ્લા પણ છે.

સાવંતવાડી : મહારાષ્ટ્રમાં આવેલું આ એક હુન્નર-ઉદ્યોગનું સ્થળ છે. તે લાકડાંમાંથી બનાવાતાં રમકડાં માટે જાણીતું છે.

જિલ્લામાં વારતહેવારે મેળા ભરાય છે અને જુદા જુદા ઉત્સવો ઊજવાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 8,61,672 જેટલી છે. તે પૈકી 47 % પુરુષો અને 53 % સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું સંખ્યાપ્રમાણ 92.5 % અને 7.5 % જેટલું છે. આ જિલ્લામાં હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તી-બૌદ્ધોની વસ્તી વિશેષ છે, જ્યારે જૈનો અને શીખોની ઓછી છે. જિલ્લામાં બોલાતી મુખ્ય સત્તાવાર ભાષા મરાઠી છે, જ્યારે સ્થાનિક ભાષા મલવાની છે. સાક્ષરતાનું પ્રમાણ 70 % જેટલું છે. જિલ્લાનાં 95 % ગામડાંમાં એક કે બીજા પ્રકારની શિક્ષણની સગવડ છે. જિલ્લાભરમાં 9 જેટલી ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ આવેલી છે. 45 % ગામડાંઓમાં તબીબી સેવાઓની એક કે બીજા પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. એ રીતે 5 હૉસ્પિટલો, 12 ચિકિત્સાલયો અને 5 કુટુંબનિયોજન-કેન્દ્રો છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને 7 તાલુકા, 7 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 4 નગરો અને 736 ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : આ જિલ્લાનું નામ શિવાજી મહારાજે દરિયાકાંઠાના મલવાન નજીક બાંધેલા સિંધુદુર્ગના દરિયાઈ કિલ્લા પરથી અપાયેલું છે. મૂળ રત્નાગિરિ જિલ્લાને વિભાજિત કરીને 1981માં તેની રચના કરવામાં આવી છે. રત્નાગિરિ જિલ્લાના છ તાલુકાઓને અલગ કરીને આ જિલ્લો બનાવાયો છે. આ ઉપરાંત બવડા તાલુકાનાં 53 ગામોને તથા કોલ્હાપુર તાલુકાનાં બે ગામડાંને પણ તેમાં ઉમેર્યાં છે. આ જિલ્લાનો ઇતિહાસ મૂળ રત્નાગિરિ જિલ્લાના ઇતિહાસ સાથે સંકળાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા