સિંજ રિચાર્ડ લૉરેન્સ મિલિંગ્ટન

January, 2008

સિંજ, રિચાર્ડ લૉરેન્સ મિલિંગ્ટન (. 28 ઑક્ટોબર 1914, લિવરપૂલ, ઇંગ્લૅન્ડ; . 18 ઑગસ્ટ 1994, નૉર્વિક, નૉર્ફોક) : બ્રિટિશ જૈવરસાયણવિદ અને 1952ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના માર્ટિનના સહવિજેતા. સિંજ 1928માં વિન્ચેસ્ટર કૉલેજ, કેમ્બ્રિજમાં જોડાયા અને ત્રણ વર્ષ સુધી પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ કર્યા બાદ પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1933માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાં દાખલ થયા અને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર તથા દેહધર્મવિદ્યા(શરીરક્રિયાવિજ્ઞાન, Physiology)નો અભ્યાસ કર્યો. 1941માં તેમણે ત્યાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. સિંજે પોતાની સમગ્ર વ્યાવસાયિક કારકિર્દી સંશોધનકાર્યમાં જ વિતાવી છે. સૌપ્રથમ 1941-43 દરમિયાન માર્ટિન સાથે વૂલ ઇન્ડસ્ટ્રિઝ રિસર્ચ ઍસોસિયેશન, લીડ્ઝ ખાતે રહીને તેમણે વિભાજન વર્ણલેખિકી-(partition chromatography)ની તકનીક વિકસાવી.

રિચાર્ડ લૉરેન્સ મિલિંગ્ટન સિંજ

 તે પછી સિંજે 1943-48ના ગાળામાં લિસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્રિવેન્ટિવ મેડિસિન, લંડનમાં અને 1948-67 દરમિયાન સ્કૉટલૅન્ડમાં એબર્ડિન પાસે આવેલા રૉવેટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોટીન રસાયણ-વિભાગના વડા તરીકે રહી સંશોધનકાર્ય સંભાળ્યું હતું. 1967-76ના ગાળામાં તેમણે ફૂડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નૉર્વિક ખાતે જૈવરસાયણવિદ તરીકે કાર્ય કર્યું. 1968-84 દરમિયાન તેમણે યુનિવર્સિટી ઑવ્ ઈસ્ટ ઍંગ્લિયામાં જૈવિક વિજ્ઞાનોના માનાર્હ પ્રાધ્યાપક તરીકે પણ સેવા આપેલી.

1951માં સિંજે અન્ય ચાર વૈજ્ઞાનિકો સાથે મળી શાંતિ માટે વિજ્ઞાન સમિતિ બનાવી હતી, માર્ટિન સાથેના સહસંશોધન દ્વારા તેમણે વિભાજન વર્ણલેખિકીની ખાસ તો પત્ર-વર્ણલેખિકી(paper chromatography)ની શોધ કરી. તેમના આ સંશોધનના વહેવારુ ઉપયોગો તેમણે નોબેલ પારિતોષિક લેતાં આપેલા પ્રવચન-(applications of partition chromatography)માં દર્શાવ્યા છે. તેમની આ વિભાજન-વર્ણલેખનપદ્ધતિએ પ્રોટીનનાં પૂરેપૂરાં જલાપઘટનો(hydrolysates)નું નિ:શેષ વિશ્ર્લેષણ કરવાની રીત આપી છે. આ રીત દ્વારા જીવંત પ્રાણીઓમાં મળતાં ઍમિનોઍસિડો તથા સંબંધિત પદાર્થો અંગે ઘણી જાણકારી મળી શકી છે. સાદાં પેપ્ટાઇડો તથા ઍમિનોઍસિડની શુદ્ધતા જાણવા માટે પણ તે ખૂબ ઉપયોગી છે. વિભાજન-વર્ણલેખનનો ઉપયોગ પૉલિસેકેરાઇડોની અંતિમ જળવિભાજન-નીપજોનું ગુણાત્મક તથા ભારાત્મક વિશ્ર્લેષણ કરવા માટે થાય છે. ઔષધગુણવિજ્ઞાનના અભ્યાસમાં પણ તે વપરાય છે. આ રીત અન્ય રીતોની સરખામણીએ ખૂબ ઝડપી તથા સસ્તી છે.

સિંજે પત્ર-વર્ણલેખિકીનો ઉપયોગ સાદા પ્રોટીન-અણુ ગ્રામિસિડિન S-(gramicidin S)નું ચોક્કસ બંધારણ નક્કી કરવામાં કરેલો. આને લીધે અંગ્રેજ જૈવરસાયણવિદ ફ્રેડરિક સૅન્ગરને ઇન્સ્યુલિનના અણુની સંરચના સમજાવવામાં સફળતા મળેલી.

1950માં સિંજ રૉયલ સોસાયટીના ફેલો તથા 1952માં રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્રીના ફેલો નિમાયા હતા. અમેરિકન સોસાયટી ફૉર બાયૉલૉજિકલ કેમિસ્ટ્સના તેઓ માનાર્હ સભ્ય હતા.

જ. પો. ત્રિવેદી