સિંજ, જૉન મિલિંગ્ટન (જ. 16 એપ્રિલ 1871, ડબ્લિન પાસે, આયર્લૅન્ડ; અ. 24 માર્ચ 1909, ડબ્લિન) : આઇરિશ નાટ્યકાર અને કવિ. ઍરન ટાપુઓ અને આયર્લૅન્ડના પશ્ચિમના દરિયાકિનારે વસતા માછીમારો અને ખેડૂતોના રોજબરોજના જીવનનું તાદૃશ ચિત્રણ આપનારા પ્રથમ પંક્તિના નાટ્યકાર. પિતા વકીલ હતા. શિક્ષણ ટ્રિનિટી કૉલેજ, ડબ્લિનમાં. એમનો ઇરાદો સંગીતકાર બનવાનો હતો. 1893-97 દરમિયાન તેઓ જર્મની, ઇટાલી અને પૅરિસમાં સંગીત શીખતા હતા. 1899માં તેમની મુલાકાત આઇરિશ કવિ અને નાટ્યકાર ડબ્લ્યૂ. બી. યેટ્સ સાથે થઈ. એ સમયમાં તેઓ સામાજિક રૂઢિઓમાં ન માનનાર સ્વૈરવૃત્તિ ને વર્તનવાળા ભમતારામ હતા. પુસ્તકોમાંથી જીવન સમજવાને બદલે આયર્લૅન્ડના જીવનને પ્રત્યક્ષ જોવા-જાણવા માટે યેટ્સે તેમને પ્રેરણા આપી. આ વર્ષો દરમિયાન કમનસીબે સિંજ લસિકા-કૅન્સરના વ્યાધિ સામે ઝૂઝતા હતા. જોકે આ રોગ તેમને માટે છેવટે જીવલેણ સાબિત થયો. 1899-1902ના ગાળામાં સિંજ દરિયાઈ ટાપુઓમાં અવારનવાર રહ્યા. એમણે લોકોને નજીકથી અને કોઈ વખત છાનામાના નિહાળ્યા. એમની ગ્રામીણ બોલી પણ તેઓ શીખ્યા. ‘ધી ઍરન આઇલડ્ઝ’(1907)માં આ ટાપુઓની જીવનશૈલીની પોતાના પર પડેલી અસરોનું બયાન છે. આ અનુભવને આધારે તેમણે બે નાટકો રચ્યાં : (1) ‘ધ શૅડો ઑવ્ ધ ગ્લેન’ (1903); (2) ‘રાઇડર્સ ટુ ધ સી’ (1904). આમાં પ્રથમ નાટક એકાંકી પ્રહસન છે. તેમાં એક આધેડ વયનો પતિ પોતાની પત્નીના ચારિત્ર્યની પરીક્ષા લેવા માટે પોતે મૃત્યુ પામ્યો હોવાનો ડોળ કરે છે. ‘રાઇડર્સ ટૂ ધ સી’ (1904) કારુણ્યસભર એકાંકી છે. મોર્ય નામની એક માતાનો છઠ્ઠો માછીમાર દીકરો પણ દરિયાદેવના કોપનો ભોગ બને છે. એના તમામ પરિવારનો ભોગ લીધા પછી હવે દરિયો તેનું વધુ અહિત શું કરી શકવાનો છે એવા આર્તનાદ સાથે – મનુષ્ય અને પ્રકૃતિના તુમુલ યુદ્ધ સાથે આ નાટક પૂરું થાય છે. ‘ધ વેલ ઑવ્ ધ સેન્ટ્સ’ (1905) તેમનું પ્રથમ ત્રિઅંકી નાટક છે. આયર્લૅન્ડના દરિયાકિનારે વસતાં બે ગામડાંઓની કથા લઈને તેમણે રચેલી સર્વોત્તમ કૃતિ તો ત્રિઅંકી સુખાન્ત નાટક ‘ધ પ્લેબૉય ઑવ્ ધ વેસ્ટર્ન વર્લ્ડ’ (1907) છે. ક્રિસ્ટી મૅહોન નામનો એક યુવાન ભાગેડુ અજાણ્યા ગામમાં આવીને પોતે ઘાતકી પિતાનું ખૂન કર્યું છે તેવી શેખી કરે છે. એટલે ત્યાંની વસ્તી અને સવિશેષ તો યુવાન કન્યાઓનો લાડકો વીરનાયક તે બની જાય છે. ટટ્ટુસવારીની હરીફાઈમાં વિજેતા જાહેર થતાં કુ. પેગીન માઈક તેની સાથે લગ્નગ્રંથિથી જોડાય તેવી પેરવી થાય છે; પરંતુ એ ઘડીએ તેનો પિતા પાટાપિંડી સાથે પણ, જીવતોજાગતો ત્યાં આવી પહોંચે છે. હવે ગામના માણસો પોતાનો મત બદલી પેલા યુવાન નાયકને સાચા અર્થમાં ઓળખી પાડે છે. નાટકને અંતે મેહોન તેના પિતા સાથે ચાલ્યો જાય છે, પણ કોઈ રીતે કહ્યાગરો બનીને તો નહિ જ. પશ્ચિમની દુનિયાનો એક વહાલસોયો નબીરો પોતે ખોઈ બેઠી છે તેમ પેગીન અનુભવે છે. આમાં આઇરિશ યૌવનનું અપમાન થયું છે, તેવી સમજણથી ઍબી થિયેટરમાંથી તેની પ્રથમ ભજવણી વખતે તોડફોડ કરીને પ્રેક્ષકોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ મુજબ આ નાટક ન્યૂયૉર્કમાં પ્રથમ વખત ભજવાયું (1911). તે દિવસે આઇરિશ-અમેરિકનોએ હુલ્લડ મચાવ્યું હતું. બૉસ્ટન અને ફિલાડેલ્ફિયામાં પણ આ નાટકને લીધે હિંસા ભડકી ઊઠી હતી. આઇરિશ પ્રજા સિદ્ધાંતમાં મહાન પણ ખરેખરું કર્મ કરવાનું પ્રાપ્ત થાય ત્યારે ઢીલીઘેંસ થઈ જાય છે તેવો સૂર નાટ્યકારે કાઢ્યો છે એમ લાગે છે. ‘દેરેદ્રે ઑવ્ ધ સૉરોઝ’ તેમનું અધૂરું નાટક છે, તોપણ તેની ખૂટતી કડીઓની મેળવણી કરીને તે 1910માં રંગમંચ ઉપર રજૂ થયેલું. ડી. એચ. ગ્રીન અને ઈ. સ્ટીફન્સે સિંજનું પ્રમાણભૂત જીવનચરિત્ર (1959) લખ્યું છે.
વિ. પ્ર. ત્રિવેદી