સિંઘ, કે. એન. (. 1 સપ્ટેમ્બર 1908, દહેરાદૂન; . 31 જાન્યુઆરી 2000, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના સર્વપ્રથમ લાક્ષણિક અભિનયશૈલી ધરાવનારા પીઢ ખલનાયક. આખું નામ કૃષ્ણ નિરંજન સિંઘ. પિતા ચંડીપ્રસાદ જાણીતા વકીલ. કૉલેજનું શિક્ષણ ભારતમાં – પૂરું કર્યા બાદ ઇંગ્લૅન્ડ જઈને બૅરિસ્ટર બન્યા અને સ્વદેશ પાછા આવીને પરિવારના વકીલાતના વ્યવસાયમાં દાખલ થયા, જેમાં વિશેષ સફળતા મળી નહિ. ત્યારબાદ જંગલી પશુઓને પકડીને તે સરકસ તથા – પ્રાણીસંગ્રહાલયોને પૂરાં પાડવાનું કામ, લખનૌ ખાતે લૉન્ડ્રી ચલાવવાનું કામ તથા રૂડકી ખાતે શાળા શરૂ કરવાનાં નાનાંમોટાં સાહસોમાં પણ સફળતા ન મળતાં વૈકલ્પિક વ્યવસાયની શોધમાં હતા ત્યારે તેમના મિત્રો કે. એલ. સહગલ તથા પહાડી સંન્યાલને મળવા કોલકાતા ગયા.

કે. એન. સિંઘ

તે દરમિયાન આકસ્મિક રીતે ન્યૂ થિયેટર્સના લેખક-દિગ્દર્શક દેવકી બોઝને મળવાનું થયું. તેમનો ઘેરો અવાજ અને કદાવર શરીરયષ્ટિથી પ્રભાવિત થયેલા દેવકી બોઝે તેમને ચલચિત્રોમાં અભિનય કરવાની દરખાસ્ત મૂકી, જે કે. એન. સિંઘે સ્વીકારી લીધી. પરિણામે હિંદી ચલચિત્ર ‘સુનહરા સંસાર’(1936)માં આપેલ અભિનયથી રૂપેરી પડદા પરની તેમની કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ એ. આર. કારદારના ચલચિત્ર ‘બાગબાન’ના અભિનયથી તેમણે લોકપ્રિયતા સંપાદન કરી. જોકે કોલકાતા ખાતે પૃથ્વીરાજ કપૂર સાથે થયેલ મુલાકાત પછી જ રૂપેરી પડદાના નિયમિત કલાકાર તરીકે તેઓ પ્રસ્થાપિત થયા. સાથોસાથ દેવકી બોઝના સહાયક તરીકે રોજના પોણા ત્રણ રૂપિયાના વેતન પર તેમને કામ કરવું પડ્યું હતું. ‘હવાઈ ડાકુ’ ચલચિત્રમાં તેમણે નાયક તરીકેની ભૂમિકા ભજવી હતી તે બાદ કરતાં બાકીની તેમની બધી જ ભૂમિકાઓ ખલનાયક તરીકેની છે. હેમચંદર દિગ્દર્શિત ‘અનાથ આશ્રમ’માં પહેલી વાર તેમણે ખલનાયકની ભૂમિકા ભજવી હતી. શશીકપૂરનું ‘અજુબા’ – એ તેમનું છેલ્લું ચલચિત્ર હતું. વીસમી સદીના પાંચમા દાયકાથી નવમા દાયકા સુધી તેમણે રૂપેરી પડદા પર ખલનાયકીના વિવિધ રંગો કુશળતાપૂર્વક પ્રસ્તુત કર્યા હતા. તેમની કુટિલ નજર, આંખોનાં ભવાં ઊંચાંનીચાં કરીને અને દાંત ભીંસીને સંવાદ રજૂ કરવાની તેમની અદા જાણીતી હતી. તેમણે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન 200થી વધુ ચલચિત્રોમાં અભિનય કર્યો હતો; જેમાં ચાર પંજાબી અને એક અંગ્રેજી ચલચિત્રનો પણ સમાવેશ થાય છે. ‘એક જિંદગી બદનામ સી’ શીર્ષક હેઠળ તેમની આત્મકથા ‘માધુરી’ હિંદી સામયિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. ખલનાયકની ભૂમિકાને પણ પ્રતિષ્ઠા અપાવનાર કલાકારોમાં તેમનું નામ મોખરે મૂકી શકાય તેવું છે. કારકિર્દીનાં છેલ્લાં ચાળીસ વર્ષ એક જ આંખથી તેમને કામ લેવું પડ્યું હતું; છતાં તેમના અભિનયમાં જરા પણ ખામી દૃષ્ટિગોચર થઈ ન હતી.

1996માં સિને આર્ટિસ્ટ્સ ઍસોસિયેશન દ્વારા કેટલાક વરિષ્ઠ કલાકારોને જાહેરમાં સન્માનિત કરવામાં આવ્યા હતા; જેમાં કે. એન. સિંઘનો પણ સમાવેશ થયો હતો.

હરસુખ થાનકી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે