સા દ મિરાન્દા, ફ્રાન્સિસ્કો દ (જ. 28 ઑગસ્ટ 1481 ?, કોઇમ્બ્રા, પોર્ટુગલ; અ. 1558, ટપાદા) : પોર્ટુગીઝ રેનૅસાંસના પ્રથમ કવિ. ગૉન્ઝાલો અને દોના ઇનિસના ગેરકાયદેસર સંતાન એવા મિરાન્દાને 1490માં કાયદેસરના પુત્ર તરીકે સ્વીકારાયા હતા. અભ્યાસ લિસ્બન યુનિવર્સિટીમાં. લગભગ 40 વર્ષની ઉંમર સુધી લિસ્બનમાં જ હતા. યુનિવર્સિટીમાં અધ્યાપન પણ કર્યું હોવાનું માનવામાં આવે છે. 1521થી 1526 દરમિયાન મિલાન, વેનિસ, ફ્લૉરેન્સ, રોમ, નેપલ્સ અને સિસિલી વગેરે સ્થળોમાં રઝળપાટ કરેલી. તેમના સમકાલીનો જિયોવાની રુસેલ્લાઈ, તોલેમી અને જેકૉપો સાન્નાઝારો સાથે તેમને અંગત ઓળખાણ હતી. વિટ્ટોરિયા કોલોન્નાને ઘેર કાર્ડિનલ પિત્રો બેમ્બૉ અને એરિયોસ્તોને મળેલા. કદાચ મૅકિયાવેલી અને ફ્રાન્સિસ્કો ગિસ્સિયાર્દિનીને પણ મળ્યા હોવાનું મનાય છે. ઇટાલીમાં છંદ-શાસ્ત્ર અને કાવ્યસ્વરૂપોનો તેમણે અભ્યાસ કર્યો હતો. પૅટ્રાર્કના સૉનેટસ્વરૂપ અને કૅન્ઝોન, દાન્તેના તર્સેત, એરિયોસ્તોના ઓટાવા રિમા, સાન્નાઝારોના ઇક્લૉગનું તેમને તલસ્પર્શી જ્ઞાન હતું. જોકે ઇટાલીના છંદો પરત્વે તેમને ભારે લગાવ હતો. કાર્તાઝ અથવા એપિસ્ટલમાં ટૂંકા છંદો તેમણે સરસ રીતે પ્રયોજ્યા છે.
‘ધ ફૉરેનર્સ’ અથવા ‘ધ સ્ટ્રેન્જર્સ’ (1527) પોર્ટુગીઝ ભાષામાં ગદ્યમાં લખાયેલું પ્રથમ સુખાંત હાસ્યનાટક છે. ‘ઑસ વિટ્હાલપાન્દોઝ’ (1538, 1560) પણ હાસ્યનાટક છે. ‘ક્લેઓપેત્રા’ (1550) પોર્ટુગીઝ ભાષામાં રચાયેલી પ્રથમ શિષ્ટ કરુણાંતિકા છે. મિરાન્દાએ રેનૅસાંસ સમયનાં નવાં કાવ્યસ્વરૂપોનો ઉપયોગ સ્પૅનિશ ભાષામાં કર્યો. આ કાવ્યો ‘ફેબલ ઑવ્ ધ મૉન્દેગો’ નામે પ્રસિદ્ધ થયેલાં. જોકે તેમાંની માત્ર દસ-બાર પંક્તિઓ જ ઉપલબ્ધ છે. ‘ઇક્લૉગ એલેક્સો’ કાવ્યસંગ્રહ 1530ની આસપાસ પ્રસિદ્ધ થયો હોય તેમ લાગે છે. આ જ અરસામાં મિરાન્દાએ પોતાનાં લગ્ન બાદ લિસ્બન છોડ્યું. તે પોર્ટુગલની પોતાની વસાહતમાં રહેવા ગયા. અહીં તેમના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ ‘ઇક્લૉગ બાસ્તો’નું સર્જન થયું. તેમનાં કટાક્ષકાવ્યોમાં તેમના તત્કાલીન સમાજનું દર્શન થાય છે. આ સમયનાં તેમનાં સૉનેટકાવ્યો ઊર્મિની નજાકત અને વિચારની સંસ્કારિતાને અત્યંત સરળ બાનીમાં અભિવ્યક્ત કરે છે.
મિરાન્દા પોર્ટુગીઝ સાહિત્યમાં પ્રગટ થતી ક્રાન્તિના છડીદાર છે. વિશેષે કવિતામાં ઉચ્ચ સોપાન સર કરતા આ કવિનું નામ પોર્ટુગીઝ સાહિત્યમાં હંમેશ માટે મોખરાનું રહ્યું છે. ભૌતિકવાદ વિરુદ્ધમાં તેમની કવિતાનો સૂર હંમેશાં કઠોર રહ્યો છે. સી. માઇકેલિસ દ વાસ્કૉન્સેલૉસે ‘પોએસિયાસ દ એફ. દ સા દે મિરાન્દા’(1885)નું સંપાદન કર્યું છે. એમ. રૉડરિગ્ઝ લાપાએ ‘ઑબ્રાસ કમ્પ્લિતાસ દ એફ. દ સા મિરાન્દા’(1937)નું સંપાદન બે ગ્રંથોમાં કર્યું છે.
વિ. પ્ર. ત્રિવેદી