સાદત અન્વર અલ

January, 2008

સાદત, અન્વર અલ (જ. 25 ડિસેમ્બર 1918, મિત અબુલ કોમ, ઇજિપ્ત; અ. 6 ઑક્ટોબર 1981, કૅરો) : પ્રજાસત્તાક ઇજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ તથા અરબ રાષ્ટ્રો અને ઇઝરાયલ વચ્ચે સુમેળ સાધવાની દિશામાં હકારાત્મક અને સાહસિક પગલાં લેવાં માટે 1978ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ઔપચારિક શિક્ષણ લીધા બાદ 1936-1939 દરમિયાન ઇજિપ્તના અબ્બાસિયા લશ્કરી અકાદમીમાં તાલીમ લીધી, જે દરમિયાન ગમાલ અબ્દેલ નાસર (1918-70) જેવા પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા રાષ્ટ્રવાદી અધિકારીઓના ગાઢ સંપર્કમાં આવ્યા; જેને કારણે તેમની વચ્ચે રાજકીય મિત્રતાનો વિકાસ થયો. આ અધિકારીઓના સહિયારા પ્રયાસથી ઇજિપ્તમાં ‘ફ્રી ઑફિસર્સ કમિટી’ની સ્થાપના થઈ. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન 1942માં તેમને નાઝી જર્મનીના ગુપ્ત જાસૂસ સમજીને બ્રિટિશ લશ્કરી અધિકારીઓએ તેમની ધરપકડ કરી કારાવાસમાં ધકેલી દીધા (1942-44), જ્યાંથી 1944માં સાદત નાસી છૂટ્યા. 1946માં બ્રિટિશ લશ્કરી અધિકારીઓએ તેમની બીજી વાર ધરપકડ કરી અને આ વખતે તેમના પર આતંકવાદી હોવાનો આરોપ  મૂકવામાં આવ્યો (1946-49). ઇજિપ્તની રાજાશાહી શાસનવ્યવસ્થા વિરુદ્ધ 1952માં તે દેશમાં જે રક્તહીન ક્રાંતિ થઈ અને જેના દ્વારા રાજા ફારૂખને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા તે અહિંસક ક્રાંતિમાં સાદત અન્વર પણ સક્રિય રીતે સામેલ હતા.

અન્વર સાદત

1952-68 દરમિયાન ઇજિપ્તમાં કેટલાક મહત્ત્વના હોદ્દાઓ પર તેમણે કામ કર્યું હતું, જેમાં દેશના લશ્કરના જનસંપર્ક વિભાગના નિયામક, ઇજિપ્તના એકમાત્ર રાજકીય પક્ષ ‘નૅશનલ યુનિયન’ના 1957થી મહામંત્રી, દેશની રાષ્ટ્રીય ઍસેમ્બલીના અધ્યક્ષ વગેરે હોદ્દાઓનો સમાવેશ થાય છે. 1969માં સાદતને દેશના ઉપરાષ્ટ્રપતિ નીમવામાં આવ્યા (1969-70). ત્યારબાદ બીજા જ વર્ષે 1970માં રાષ્ટ્રપતિ નાસરનું અવસાન થતાં સાદત દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા. 1973માં તેમને દેશનું પ્રધાનમંત્રીપદ આપવામાં આવ્યું અને તે જ વર્ષે ઇઝરાયલ સાથેના યુદ્ધમાં તેમણે દેશનું નેતૃત્વ પૂરું પાડ્યું. 1967માં ઇઝરાયલે કબજે કરેલ સિનાઈ પ્રાંતનો પ્રદેશ ઇજિપ્તના સૈનિકોએ 1973માં પોતાના કબજામાં લેવામાં સફળતા મેળવી, જેનો જશ સાદતના કુશળ નેતૃત્વને આપવામાં આવે છે. 1974માં ઇજિપ્ત-ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામને સાદતે ટેકો આપ્યો અને તે દ્વારા પરોક્ષ રીતે ઇઝરાયલના અસ્તિત્વને ઇજિપ્તે સ્વીકૃતિ આપી. આરબ દેશોમાં આવું હિંમતભર્યું પગલું લેનાર સાદત સર્વપ્રથમ રાજદ્વારી નેતા પુરવાર થયા. તે પૂર્વે ઇજિપ્તના એકમાત્ર રાજકીય પક્ષના મુખપત્ર ‘અલ ગોમહ્યુરિયા’(Al Gomhuria)ના તંત્રી, દેશ પર શાસન કરનાર લશ્કરી કમાનના સભ્ય, રાજ્યકક્ષાના મંત્રી (1954-56), રાષ્ટ્રીય ઍસેમ્બ્લીના પ્રમુખ (1960-68), રાજ્યકક્ષાના મંત્રી (1954-56), રાષ્ટ્રપતિ નાસરના હાથ નીચે કામ કરતા ચાર ઉપરાષ્ટ્રપતિઓમાંથી એક ઉપરાષ્ટ્રપતિ (1964-67) તથા 1969-70ના વર્ષ દરમિયાન દેશના એકમાત્ર ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમણે કામગીરી બજાવી હતી.

અન્વર સાદત સ્વતંત્ર નિર્ણયશક્તિ ધરાવતા સ્વમતાગ્રહી નેતા હતા. તેમણે જુલાઈ, 1972માં ઇજિપ્તમાં ફરજ બજાવી રહેલા આશરે 20,000 જેટલા સોવિયેત લશ્કરી સલાહકારોને ઇજિપ્ત છોડી જવાનો આદેશ આપવાનું સાહસ કર્યું હતું. 1973માં તેમણે ઇઝરાયલ હસ્તકના સિનાઈ પ્રદેશ પર આક્રમણ કરવાનો આદેશ પોતાના લશ્કરને આપેલો, જેમાંથી ચોથી વાર અરબ-ઇઝરાયલ સંઘર્ષ ફાટી નીકળેલો. 1975માં અમેરિકન મુત્સદ્દી હેન્રી કિસિંજરની મધ્યસ્થીથી સાદતે ઇઝરાયલ સાથે યુદ્ધ ન કરવાનો તથા સુએઝ નહેરને પુન: ખુલ્લી મૂકવાનો કરાર કરેલો. તે પૂર્વે 1971માં સોવિયેત સંઘ સાથે કરેલો મૈત્રીકરાર સાદતે 1976માં ફગાવી દીધો હતો અને અમેરિકાની લશ્કરી અને આર્થિક મદદ મેળવવા માટેની વ્યૂહરચના ઘડી કાઢી હતી અને તે દ્વારા ઇજિપ્તમાં વિદેશી મૂડીરોકાણનો માર્ગ મોકળો કર્યો હતો. 1977માં સાદતે ઇઝરાયલની મુલાકાત લેવાનું સાહસિક પગલું ભર્યું હતું. સપ્ટેમ્બર, 1978માં ઇઝરાયલ-ઇજિપ્ત વચ્ચે શાંતિ કરાર થાય તે દિશામાં સાદતે મંત્રણાનો દોર શરૂ કર્યો હતો જેના પરિણામે માર્ચ 1979માં બંને દેશો વચ્ચે શાંતિ કરાર પર સહી-સિક્કા થયા હતા.

ઇઝરાયલ પ્રત્યેની સાદતની 1970થી ઘડી કાઢવામાં આવેલી આ નવી વ્યૂહરચનાને કારણે જ 1978માં સાદતને ઇઝરાયલના પંતપ્રધાન મિનાચેમ બેગિન સાથે શાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. અલબત્ત, સાદતની આ વ્યૂહરચના તેમના દેશના કટ્ટરપંથીઓને ગમી ન હતી, જેના પરિણામે 1981માં કૅરો ખાતેની એક લશ્કરી કવાયત (parade) દરમિયાન ધાર્મિક ઉગ્રવાદીઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

આરબ-ઇઝરાયલ સંઘર્ષના સંદર્ભમાં ઇજિપ્તના એક  બાહોશ નેતા તરીકે સાદતે મધ્ય-પૂર્વના રાજકારણ પર પોતાની કાયમી છાપ ઊભી કરી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

જયકુમાર ર. શુક્લ