સાહુ, મોહપાત્ર નીલમણિ (જ. 1926, નિઆલી, જિ. કટક, ઓરિસા; અ. 25 જૂન 2016, ભુવનેશ્વર ) : અદ્યતન ઊડિયા લેખક. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘અભિસપ્ત ગંધર્વ’ (1981) બદલ 1984ના વર્ષનો પ્રતિષ્ઠિત સરલા ઍવૉર્ડ તેમજ કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.
તેમણે અત્યાર સુધીમાં 19 વાર્તાસંગ્રહો, 2 નવલકથાઓ અને 10 નિબંધસંગ્રહો આપ્યા છે. તેમાં ‘રેણુ આપા થારુ પુસ્સી પર્યંત’ (1966); ‘અન્ય રૂપ રૂપાંતર’ (1977); ‘પિંગલા સે અન્ય જાને’ (1977) અને ‘સેકલા પખાલા’ (1978), ‘આકાશ ઓ પાતાલ’ (1976), ‘અંધા રાતિર સૂર્ય’ (1971), ‘અન્ય રૂપ રૂપાંતર’ (1973), ‘અભિસપ્ત ગાંધર્વ’ (1981), ‘પાપ ઓ મુક્તિ’ એ તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહો છે. ‘ધારા અને ધારા’ (1961) અને ‘તામસી રાધા’ (1964) તેમની નવલકથાઓ છે. ‘કિછી સૂત્ર કિંચિત વ્યાખ્યા’ (1976); ‘ધ્વનિ ધ્વનિ પ્રતિધ્વનિ’ (1977) અને ‘દેવદાસરા દૃષ્ટિપાત’ તેમના જાણીતા નિબંધસંગ્રહો છે.; ‘દેવદાસાર દૃષ્ટિપલ’ (નિબંધસંગ્રહ); તથા ‘પ્રેમ ઓ મૃતુએર મહાકાવ્ય’ એ શ્રી અરવિંદના ‘સાવિત્રી’નો અનુવાદ જેવી કૃતિઓ ઉલ્લેખનીય છે.
તેમણે ‘ઝંકાર’, ‘ઉત્કલ પ્રસંગ’, ‘ઓરિસા રિવ્યૂ’ અને ‘વિવેકાનંદ કા વાણી ઓ રચના’ જેવાં સંખ્યાબંધ સાહિત્યિક સામયિકોનું સંપાદન સંભાળ્યું હતું. તેઓ સંખ્યાબંધ સાહિત્યિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંસ્થાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા રહ્યા. તેમણે ન્યૂ લાઇફ એજ્યુકેશન ટ્રસ્ટ, ઓરિસાનું ઉપપ્રમુખપદ સંભાળ્યું. તેઓ ઓરિસાની સરકારી કૉલેજમાંથી ઊડિયા સાહિત્યના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેમનું સમગ્ર લખાણ વિરલ વિનોદવૃત્તિ અને કરુણરસસભર છે. તેમની ટૂંકી વાર્તાઓ તેમના ભાવનાશીલ આકર્ષણ અને તેમની જીવનની સુનિશ્ચિત દૃષ્ટિ બંને માટે અજોડ ગણાઈ છે. : ભુવનેશ્વર ખાતેની બી. જે. બી. સરકારી કૉલેજમાં વાઇસ પ્રિન્સિપાલ (1984-86); ઓરિસા સાહિત્ય અકાદમીના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા.
તેમની પુરસ્કૃત કૃતિ ‘અભિસપ્ત ગંધર્વ’, તેમાંની વિરહની અનુભૂતિ અને બાળપણના ઉત્સાહી વિશ્વનું આહવાન કરતી વિનોદભરી આત્મકથાત્મક વાર્તાઓની બારીક ગૂંથણી માટે તત્કાલીન ઊડિયા સાહિત્યમાં અનન્ય કૃતિ લેખાય છે. ઓરિસા સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1981), કાન્તા કવિ ઍવોર્ડ (2001), સાહિત્ય ભારતી ઍવોર્ડ (2006) અને ઉત્કલ રત્ન ઍવોર્ડ (2013) પ્રાપ્ત થયા છે.
મહેશ ચોકસી
બળદેવભાઈ કનીજિયા