સાહુ, દોમન સમીર (. 30 જૂન 1924, પંડાહા, જિ. ગોડ્ડા, બિહાર) : સંથાલી અને હિંદી લેખક. તેમણે ભાગલપુર યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; બી.એલ. અને વિશારદની પદવી મેળવી. તેઓ 1955થી એસ.પી. હિંદી સાહિત્ય સંમેલન, દેવધરના સેક્રેટરી; 1989થી ભારતીય સંથાલી સાહિત્ય પરિષદ અને ઉદિત અંગિકા સાહિત્ય પરિષદ, દેવધરના પ્રમુખ; બિહાર ટ્રાઇબલ રિસર્ચ ઍન્ડ વેલફેર સોસાયટી, રાંચીના સંયુક્ત સેક્રેટરી રહ્યા.

તેમની માતૃભાષા હિંદી હોવા છતાં સંથાલી અને અંગિકામાં તેમણે સ્કૂલ રીડર્સ સહિત 28 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એક દીપ મેરા ભી’ (1997) તેમનો કાવ્યસંગ્રહ છે. ‘સંથાલી પ્રવેશિકા’, 2 ગ્રંથ (1951, 1964)માં છે. ‘સંથાલી ભાષા ઔર સાહિત્ય : ઉદભવ ઔર વિકાસ’ (1990) તેમનો જાણીતો વિવેચનગ્રંથ છે. ‘મહાત્મા ગાંધી’ ચરિત્રગ્રંથ છે. ‘સંથાલી કથની અર ગથની’ (1977); ‘અસાર બિંટી’ (1977); ‘કીર્તન કાલી’ તેમના અન્ય ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. તેમણે ‘હિંદી-સંથાલી શબ્દકોશ’ (1993) અને ‘અંગિકા-હિંદી શબ્દકોશ’ (1997) આપ્યા છે. સંથાલી ભાષાને દેવનાગરી લિપિમાં રજૂ કરનાર તેઓ પ્રથમ લેખક છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1997માં દિલ્હી સાહિત્ય અકાદમી ભાષા સન્માન તથા ‘વિદ્યાસાગર’, ‘કાવ્યશાસ્ત્રી’ અને ‘ગુરુ ગોમ્કે’ના ખિતાબ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા