સાહિત્યસંસદ : મુંબઈમાં કનૈયાલાલ મુનશીએ માર્ચ 1922માં સ્થાપેલી સાહિત્યસંસ્થા. વિજયરાય વૈદ્ય તેના આરંભનાં બે વર્ષોમાં સ્થાપક સેક્રેટરી હતા. 1922થી 1942 દરમિયાનનાં વીસ વર્ષના ગાળામાં આ સંસ્થા ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રમાં ઘણી સક્રિય હતી. મુનશીદંપતીએ ગુજરાતની સાંસ્કારિક અસ્મિતાને ઉજાગર કરવાના હેતુથી આ સંસ્થા દ્વારા વિવિધ સાહિત્યિક અને સાંસ્કારિક પ્રવૃત્તિઓ ચલાવી હતી. એપ્રિલ, 1922માં સ્થપાયેલ ‘ગુજરાત’ માસિક તેનું મુખપત્ર હતું. આરંભનાં બે વર્ષ સારી રીતે ચાલ્યા પછી ત્રણ કે ચાર વાર બંધ પડીને પાછું ચાલુ થયેલું. થોડો વખત ત્રૈમાસિક થયું અને છેવટે 1937ના ઉત્તરાર્ધમાં મુનશી મુંબઈ ઇલાકાના પ્રધાન બન્યા તે પછી બંધ પડ્યું.
સાહિત્યસંસદના સંચાલનમાં મુનશીદંપતી ઉપરાંત રણજિતરામ વાવાભાઈ, બટુભાઈ ઉમરવાડિયા, ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે, મુનિકુમાર ભટ્ટ, યશવંત પંડ્યા અને રમણ વકીલ સક્રિય હતા. તેમનાં લખાણો ‘ગુજરાત’માં પ્રગટ થતાં. મુનશીની તંત્રીનોંધો ઉપરાંત ‘રાજાધિરાજ’, ‘સ્વપ્નદ્રષ્ટા’ અને ‘ભગવાન કૌટિલ્ય’ જેવી નવલકથાઓ ધારાવાહી સ્વરૂપે છપાયેલી. નરસિંહરાવ દીવેટિયાની ‘સ્મરણમુકુર’ તેમાં હપ્તે હપ્તે પ્રસિદ્ધ થયેલી. લીલાવતી મુનશીનાં રેખાચિત્રો ઉપરાંત ન્હાનાલાલ, કાન્ત, ઠાકોર, લલિત, ધૂમકેતુ, સ્નેહરશ્મિ વગેરેની કૃતિઓ પણ તેમાં પ્રસિદ્ધ થઈ હતી. રવિશંકર રાવળનાં ચિત્રો પણ ‘ગુજરાત’નું એક આકર્ષણ હતું.
સાહિત્યસંસદની બીજી મહત્ત્વની પ્રવૃત્તિ અગત્યનાં સાહિત્યિક પુસ્તકોનું પ્રકાશન હતી. રણજિતરામના નિબંધો, નરસિંહરાવનું ‘સ્મરણમુકુર’, મુનશીદંપતીનાં પુસ્તકો અને ‘મધ્યકાળનો સાહિત્યપ્રવાહ’ જેવી સંશોધનાત્મક કૃતિ પણ સંસદ દ્વારા પ્રસિદ્ધ થયાં હતાં.
સંસદને ઉપક્રમે વિવિધ સાહિત્યિક સમારંભો અને વ્યાખ્યાનો યોજવામાં આવતાં. તે દ્વારા મુનશીની આર્યસંસ્કૃતિ અને ગુજરાતની અસ્મિતા વિશેની ભાવના સવિશેષ આકર્ષણ જમાવી રહી હતી. તો બીજી તરફ તેમના નરસિંહના સમય વિશે, મધ્યકાલીન સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ, કલાને ખાતર કલા વગેરેને લગતાં પ્રગલ્ભ વિધાનો વિશે ઉગ્ર ચર્ચા એ જમાનામાં ચાલેલી. સંસદનાં વીસ વર્ષના ઉત્સવ પ્રસંગે મુનશીએ આપેલું પ્રમુખીય વ્યાખ્યાન – તેમની આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં મેકિયાવેલીના ભૌતિકશાસ્ત્રનો પુરસ્કાર કરતી દૃષ્ટિ અને નીતિ ધ્યાન ખેંચતાં હતાં. ‘ગુજરાત’માં પ્રગટ થયેલ એમના આ વ્યાખ્યાનના છેલ્લા શબ્દો ‘મનુષ્યત્વ, આ કર્યું ને પેલું કર્યું એમ સંતોષ લેવામાં નથી; માનવી થવામાં છે. કરવું એના કરતાં થવું એમાં જ એનો મોક્ષ છે.’ એ શબ્દો મુનશીની આધુનિકતાના અગસ્ત્ય તરીકેની વિશિષ્ટતા પ્રગટ કરે છે.
પછી મુનશીનું ધ્યાન રાજકારણ અને ગુજરાતી સાહિત્ય પરિષદ પર કેન્દ્રિત થતાં સાહિત્યસંસદની પ્રવૃત્તિ મંદ પડીને અટકી ગઈ.
ધીરુભાઈ ઠાકર