સાહિત્યિક ઇતિહાસ : સાહિત્યની ગતિવિધિનો વિકાસ દર્શાવતો કાલક્રમાનુસારી અધિકૃત આલેખ. સાહિત્યના ઇતિહાસ વિશે કર્તા અને કૃતિની કાલક્રમાનુસારી ગોઠવણી અને તેમનો વિવેચનાત્મક પરિચય એવો સ્થૂળ ખ્યાલ ઘણુંખરું પ્રવર્તતો હોય છે. સાહિત્યનો ઇતિહાસ લખનાર કાં તો સાહિત્યને નિમિત્તે તેમાં ઊતરેલી સમકાલીન સમાજની તાસીર પર ભાર મૂકે છે અથવા તો તેનું લખાણ ઇતિહાસ બનવાને બદલે મુખ્ય મુખ્ય કૃતિઓનાં વિવેચનોનું સંકલન બની રહે છે. આ બે અંતિમોની વચ્ચે સાહિત્યનો ઇતિહાસ લખનારે કામ કરવાનું રહે છે. સાહિત્યકલાનો વિકાસ દર્શાવે એ રીતે ઇતિહાસ લખવાનું તેનું લક્ષ્ય હોવું જોઈએ. વિવેચનની પ્રક્રિયા વિશ્લેષણાત્મક હોય છે; સર્જનની પ્રક્રિયા સંશ્લેષણાત્મક સાહિત્યના ઇતિહાસનું નિરૂપણ વિવેચન પરત્વે વિશ્લેષણાત્મક અને રૂપઘટન પરત્વે સંશ્લેષણાત્મક વલણ દાખવતું હોય છે.

ઇતિહાસ સંશોધન માટે વિજ્ઞાનની પદ્ધતિ અખત્યાર કરે છે, પરંતુ તેના નિરૂપણનો ઝોક વિજ્ઞાન કરતાં કળા તરફ વિશેષ હોય છે. માનવસંવેદનથી રસાયેલી હકીકત ઇતિહાસને ઘડે છે. ઇતિહાસ કથા રૂપે આકૃત થાય છે ઘટનાથી. સુપેરે કહેલી કથાનું સ્વરૂપ અખંડ ને સંશ્ર્લિષ્ટ હોય છે. આ અખંડ સ્વરૂપ ઇતિહાસકારે તેને બક્ષ્યું હોય છે. તેથી ઇતિહાસ રસથી વંચાય છે.

સાહિત્યના ઇતિહાસને ઉપરની વાત સવિશેષ લાગુ પડે છે. તેની તો શૈલી ઉપરાંત સામગ્રી પણ સાહિત્યિક હોય છે. એટલે બીજા ઇતિહાસોને મુકાબલે સાહિત્યિક ઇતિહાસમાંથી સાહિત્યની ફોરમ વિશેષ રૂપે ફૂટતી રહે એવી અપેક્ષા રહે છે.

સાહિત્યિક કૃતિ તરીકે સ્વીકાર પામેલી રચના પોતે જ સાહિત્યિક ઘટના ગણાય. આ ઘટના ઇતિહાસની સામગ્રીનો એકમ છે. ઇતિહાસકાર આવી ઘટનાઓને ભૂતકાળમાંથી શોધીને દેશ, કાળ અને કર્તાના સંદર્ભમાં ગોઠવે છે. પછી તેનાં ઉદભાવક અને પ્રભાવક તત્વો સમજવાનો પ્રયત્ન કરે છે. સાહિત્યિક કૃતિનો ઉદભવ સાહિત્યિક કક્ષાની સામગ્રીમાંથી જ થતો નથી. તેનું મૂળ સર્જકના અનુભવમાં હોય છે ને સર્જકનાં મૂળિયાં પોતે જે સમાજમાં રહેલો હોય તેની સંસ્કૃતિમાં પડેલાં હોય છે. બીજી તરફ સાહિત્યની અસર વાચક પ્રજા અને તેની સંસ્કૃતિ પર પણ પડતી હોય છે. ઇતિહાસનો લેખક વિવિધ કાળખંડ અનુસાર સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોની પાર્શ્વભૂમિમાં પ્રવર્તેલ સાહિત્યનો સ્વરૂપ, શૈલી, કર્તા અને કૃતિને અનુલક્ષીને વિકાસક્રમ આલેખવાનું તાકે છે.

અમુક સ્થળ અને કાળમાં પ્રજાએ પોતાની ભાષામાં સાહિત્ય રૂપે સાધેલી અભિવ્યક્તિનું નિરૂપણ અને અર્થઘટન સાહિત્યિક ઇતિહાસમાં થાય છે. તેનો લેખક કૃતિની પાઠ-શુદ્ધિ ચકાસે, ભાષાની તાસીર તપાસે, તેમાં રહેલું સાહિત્ય-તત્વ પારખે અને તેનું વિવેચન કરે; પરંતુ આમાંથી એકે તેનું મુખ્ય કાર્ય નથી. ઇતિહાસકાર તરીકે તેનું કાર્ય તો કૃતિ ક્યારે, ક્યાં, શા માટે અને કેવી રીતે અસ્તિત્વમાં આવી અને તેનો શો પ્રભાવ પડ્યો તે પ્રશ્નોના જવાબ આપવાનું છે. અન્ય કૃતિઓ સાથેનો અને સમાજના અંગ તેમજ વ્યક્તિરૂપ મનુષ્ય સાથેનો કૃતિનો સંબંધ સ્પષ્ટ કરી આપવાનું કામ તેનું છે.

ઇતિહાસકાર ઘણુંખરું કાર્ય-કારણ-શૃંખલાને સમયના પરિમાણમાં ગોઠવતો જાય છે. આધુનિક લેખક સાપેક્ષતાના સિદ્ધાન્તને આચરીને, પારંપરિક સમયક્રમને બદલે ચેતનાના પ્રવાહને સતત ઝીલતું મનોવૈજ્ઞાનિક સમયનું તત્વ ગોઠવીને ભૂત, ભાવિ ને વર્તમાનને એકરૂપ બતાવે છે. મનોવૈજ્ઞાનિક સમયના બિંદુએ ઐતિહાસિક સત્ય અટકી જાય છે અને એક પ્રકારનું આત્મલક્ષી સત્ય પ્રગટ થાય છે. સાપેક્ષવાદી દુનિયા માટે આ દૃષ્ટિકોણ ગમે તેટલો તથ્યવાળો હોય ને વિવેચન માટે તે સિદ્ધાન્ત ગમે તેટલો મહત્વનો હોય, પણ ઇતિહાસકારને માટે તો તે સાહિત્યિક ઘટનાઓ લટકાવવા માટેના સૂત્રની ગરજ સારે એટલા પૂરતી જ તેની નિસબત રહે. જે બિંદુએ સતતવાહી સમયને સ્થાને સ્થિર અને સંઘટિત સમયનો ખ્યાલ ઊપસે છે ત્યાંથી વિવેચનનું ક્ષેત્ર શરૂ થાય છે. સાહિત્યિક ઘટનાને ઓળખવાના સાધનથી વિશેષ મહત્વ તેને ઇતિહાસમાં મળી શકે નહિ.

કૃતિ રચાઈને ઇતિહાસના પ્રવાહમાં પ્રવેશે એટલે પરિવર્તન શરૂ થાય છે. વાચકો, વિવેચકો, અન્ય સર્જકો અને સર્જનોના સંસ્કાર તેના પર પડવા લાગે છે. આવી રચનાઓના સમૂહ રૂપે સાહિત્ય બંધાય છે. તેમાં નવી રચનાઓ ઉમેરાય તેમ તેમના પારસ્પરિક સંબંધો બદલાતા જાય : એમ એક અખંડ પદાર્થ રૂપે સાહિત્ય વિકસતું રહે છે. અમુક સમયપટ્ટાની સાહિત્યિક સ્થિતિ તેની અગાઉના દસકા કે સૈકા પહેલાંની સ્થિતિ કરતાં બદલાઈ છે એટલી હકીકત ઐતિહાસિક ઉત્ક્રાન્તિની પ્રક્રિયાની સ્થાપના માટે પૂરતી ન ગણાય. વિકાસ પરિવર્તનથી કંઈક વિશેષ છે. કેટલાક જીવવિજ્ઞાનીઓએ પ્રકૃતિમાં જોવા મળતી વિવિધ જાતો(genres)ને ધોરણે સાહિત્યમાં સ્વરૂપોના વિકાસ અને અસ્તનો વિચાર કરવાનું સૂચવ્યું છે. વળી ઈંડામાંથી પક્ષીની રીતે કે માછલીના મગજથી મનુષ્યના મગજ સુધીની ઉત્ક્રાન્તિ ઐતિહાસિક ઉત્ક્રાન્તિની નજીક છે એમ કેટલાક વિદ્વાનોનું માનવું છે. મગજની ઉત્ક્રાન્તિની માફક ઇતિહાસ અમુક લક્ષ્ય ભણી ઉત્ક્રાન્તિની ગતિ દર્શાવે છે એ ખરું; પરંતુ ઇતિહાસની ઘટના છુટ્ટી હોય છે, હારમાળા રૂપે પ્રવર્તતી નથી. ઐતિહાસિક પ્રક્રિયા એક અલાયદી ઘટનાને અક્ષત રહેવા દે છે. જીવવિજ્ઞાનમાં એવું બનતું નથી. વળી ઇતિહાસની કોઈ પ્રક્રિયામાં આગાહી કરી શકાય તેવાં પૂર્વનિર્ધારિત પરિવર્તનો થયાં હોવાનું જણાયું નથી.

તેનો અર્થ એ નહિ કે ઇતિહાસ પરિવર્તનની અર્થહીન પરંપરા છે. ઇતિહાસ ઘટનાને મૂલ્ય સાથે જોડીને તેને વિશિષ્ટ અર્થવત્તા અર્પે છે. કાળબળે પાડેલા સંસ્કારને અક્ષરબદ્ધ કરવાનો ઇતિહાસકારનો પુરુષાર્થ એ રીતે ચરિતાર્થ થાય છે. ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો કાવ્યરચનામાં નર્મદે કરેલ નવીન પ્રયોગ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં વિશિષ્ટ ઘટના બને છે. વખત જતાં આ પ્રયોગ પરંપરા રૂપે વિકસીને નવું મૂલ્ય ઊભું કરે છે. ગઝલ, ખંડકાવ્ય, અગેય પદ્યરચના, અસ્તિત્વવાદ, ઍબ્સર્ડ નાટક વગેરે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં વિવિધ તબક્કે ઊભાં થયેલાં નવાં મૂલ્યો છે. સાહિત્યિક ઇતિહાસમાં નિરૂપાતો વિકાસક્રમ આ રીતે ઇતિહાસની પ્રક્રિયામાંથી ઊપસે છે ને તેને ધોરણે વિકાસનું માપ નીકળતું જાય છે. આ પ્રકારે ઊભી થયેલી પરિવર્તનશીલ મૂલ્યની યોજના અનુસાર સાહિત્યનો ઇતિહાસ લખાય છે. એ મૂલ્યયોજના ઇતિહાસમાંથી જ આકાર લે છે તે એની ખૂબી છે.

સાહિત્યના ઇતિહાસમાં કૃતિઓનાં મૂળ અને પ્રભાવ દર્શાવતી વિગતો ઉપરાંત લેખકો વચ્ચેના સાહિત્યિક સંબંધો સ્પષ્ટ થાય છે. તેને માટે વિવેચનાત્મક વિશ્લેષણની જરૂર રહે છે, જેના માટે કૃતિઓમાંથી સમાન્તરો શોધીને ગોઠવવામાં આવે છે. બે કે અધિક કૃતિઓ વચ્ચેના સંબંધની ચર્ચા સમગ્ર સાહિત્યિક વિકાસના પરિપ્રેક્ષ્યમાં જે તે કૃતિના સ્થાનને તપાસવાથી થઈ શકે; દા.ત., ગુજરાતી સાહિત્યમાં નર્મદ-દલપતની કવિતા, મુનશી-રમણલાલની નવલકથા, ધૂમકેતુ-દ્વિરેફની ટૂંકી વાર્તાઓ, મુનશી-ચન્દ્રવદનનાં નાટકો, સુન્દરમ્-ઉમાશંકરની કવિતા – એમ યુગ્મો દર્શાવીને ઇતિહાસકાર બે લેખકોની સમાન્તર ચાલતી સર્જનપ્રવૃત્તિમાં પ્રક્રિયા પરત્વે દેખાતાં સામ્યભેદ તથા સમાન પ્રભાવક તત્વોનો સાપેક્ષ તેમજ નિરપેક્ષ ધોરણે નિર્દેશ કરે છે.

બે કે વધુ કૃતિઓના સંબંધનો વિચાર કરતી વખતે એક જ લેખકની સંખ્યાબંધ કૃતિઓ તપાસવાની આવે ત્યાં લેખકની સૌથી વધુ પક્વ કે નીવડેલી કૃતિ યા કૃતિઓને ધોરણે બીજી કૃતિઓનું સાપેક્ષ ધોરણે મૂલ્યાંકન થઈ શકે. એક બીજી રીતે પણ આ પ્રકારનું વિકાસલક્ષી અવલોકન થઈ શકે. એક જ લેખકની કૃતિઓમાંથી એક ચોક્કસ લક્ષણ જુદું તારવીને તેની ગતિનું નિરીક્ષણ થઈ શકે; દા.ત., ન્હાનાલાલની કવિતામાં ઊર્મિતત્વનું પ્રવર્તન; કે ઉમાશંકરનાં સંવાદકાવ્યોમાં નાટ્યતત્વનું વિકસન. અમુક સમયગાળા પૂરતો સમગ્ર સાહિત્યનો પણ આવો અભ્યાસ થઈ શકે; દા.ત., સ્વાતંત્ર્યોત્તર કાલ દરમિયાન વિકસેલી કાવ્યવિભાવના. સમુચિત લક્ષ્ય નક્કી કર્યા વગર ઇતિહાસલક્ષી આલેખ થઈ શકે નહિ. ગુજરાતી સાહિત્યમાંથી આવાં સંખ્યાબંધ નાનાંમોટાં લક્ષ્યો મળી શકે; દા.ત., કાવ્યવિભાવનાનો વિકાસ; નાટકના ગદ્યનો વિકાસ; ગઝલે સાધેલી કાયાપલટ; લલિત નિબંધના પ્રયોગો વગેરે.

સાહિત્યનો ઇતિહાસ જાતિ (genre) કે સ્વરૂપના વિકાસ રૂપે પણ લખાય છે. રોમૅન્ટિક આંદોલન આવે છે ત્યારે સ્વરૂપ સામે વિદ્રોહ થતો દેખાય છે, પરંતુ સ્વરૂપનું મહત્વ દરેક યુગમાં રહે છે; કેમ કે, આ સ્વરૂપ(genre)ને સર્જકની આંતરિક શક્તિ સાથે સંબંધ હોય છે. ઘણી વાર સાહિત્યસ્વરૂપનો વિકાસ દર્શાવતી વખતે ગ્રંથોના પરિચય અને લેખકના જીવનને લગતી વ્યક્તિગત વિગતોમાં ઊતરી પડાય છે, જે તદ્દન અપ્રસ્તુત ગણાય. ઇતિહાસકારનું લક્ષ્ય સાહિત્યસ્વરૂપના વિકસનની રેખા દોરવાનું હોવું જોઈએ. તેને માટે તેણે તે સ્વરૂપનું પ્રાણભૂત તત્વ ગ્રહીને, વિવિધ કૃતિઓમાં તેને ચરિતાર્થ થતું દર્શાવીને સ્વરૂપના મૂળ સુધી જવું જોઈએ. ઇતિહાસમાં તેના પ્રથમ આવિષ્કારથી ઉત્તરોત્તર થતા જતા ફેરફારો નોંધાતાં એક ભાત કે પરંપરા બંધાય છે. આ પરંપરામાં સાહિત્યકૃતિ સ્વ-રૂપ પામે છે. ગુજરાતી નવલકથાનો ઇતિહાસ સ્વરૂપની દૃષ્ટિએ અવલોકીશું તો સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ તેની ગતિ થતી જણાશે. ‘સરસ્વતીચંદ્ર’માં નવલકથાની સંકુલ રચના પ્રતીત થાય છે; મુનશીમાં તે સુડોળ આકૃતિ પામે છે; રમણલાલ દેસાઈમાં તે સરળ સ્વરૂપે વિહરતી જોવા મળે છે; પછીથી પન્નાલાલમાં તે સ્ફૂર્તિલું રૂપ પામે છે અને આધુનિકોમાં નાજુક નમણું કલેવર ધારણ કરે છે. કથનની રીતિ પરત્વે તેનું વિકસન જોઈશું તો તે બહિર્મુખ મટીને અંતર્મુખ બનતી દેખાશે; પરંતુ તે અંતિમ બિંદુ કે લક્ષ્ય છે એમ કહી શકાશે નહિ.

અમુક સ્વરૂપો નવલકથા જેવાં લવચીક (elastic) બાંધાનાં હોતાં નથી. સૉનેટ, કરુણપ્રશસ્તિ કે ખંડકાવ્ય જેવાં સ્વરૂપોનાં બાહ્ય લક્ષણો એવાં સુનિશ્ચિત હોય છે કે તેમને આપેલું શાબ્દિક લેબલ સ્વરૂપના ઇતિહાસને દૃઢ પકડી રાખે છે. નાટક પણ એવું જ રચનાની શિસ્તના ચુસ્ત પાલનની અપેક્ષા રાખતું છતાં નિત્યનૂતન વિકાસ ભણી દોડતું સાહિત્યસ્વરૂપ છે. ગુજરાતી નાટકનો ઇતિહાસ બહુ ગૌરવ લેવા જેવો નથી; પણ ચલચિત્ર અને દૂરદર્શનની સામે પરંપરાગત સ્વરૂપ તજીને નવું કલેવર ધારણ કરવાના તેણે કરેલા અખતરા અવશ્ય નોંધપાત્ર છે. શબ્દ, દૃશ્ય અને ચરિત્રની સંકલ્પનામાં નાટકની જરૂરિયાત મુજબ આધુનિક લેખકે કરેલા ફેરફાર તેના વિકાસની સ્પષ્ટ રેખા દોરી આપે છે. એ રીતે દરેક સ્વરૂપનો ઇતિહાસ સાહિત્યની સર્જનાત્મક સંપત્તિનો ક્યાસ કાઢી શકે.

ઇતિહાસકાર સમયના ખંડોને ઓળખવા માટે ‘યુગ’ શબ્દ વાપરે છે. ખરું જોતાં કોઈ મહાન ક્રાન્તિકારી ઘટના કે પ્રચંડ વ્યક્તિત્વવાળા સર્જકનો પ્રભાવ જેમાં વ્યાપી ગયો હોય તેવા અતિમહત્વના કાળખંડને ‘યુગ’ નામ આપવું જોઈએ પણ સગવડને ખાતર ઇતિહાસકારો પ્રમાણમાં નાની ગણાય તેવી ઘટનાઓ ધરાવતા કાળખંડને માટે પણ ‘યુગ’ શબ્દ વાપરે છે. આવા યુગોને ઓળખવા માટે અંગ્રેજી સાહિત્યના ઇતિહાસકારોએ વિવિધ ક્ષેત્રોમાંથી શબ્દો લીધેલા છે. Reformation ધાર્મિક ઇતિહાસમાંથી, Restoration અમુક રાજકીય ઘટનાઓ પરથી અને Humanism માનવવિદ્યાના ઇતિહાસમાંથી પસંદ કરેલ છે. અમેરિકન સાહિત્યના ઇતિહાસમાં Colonial Period એ પ્રયોગ રાજકીય પરિભાષાનો છે; Romanticism અને Realism સાહિત્યિક પરિભાષાના છે. ગુજરાતી સાહિત્યમાં તેને માટે કોઈ એક ધોરણ પ્રવર્તતું નથી. ક્વચિત્ મહત્વના લેખક પરથી, ક્વચિત્ અમુક સાહિત્યસ્વરૂપના પ્રભાવ પરથી, તો ક્વચિત્ સામાજિક કે સાંસ્કૃતિક પરિબળને આધારે યુગને જે તે શીર્ષક અપાય છે. પ્રાગ્-નરસિંહ યુગ, નરસિંહ યુગ, ભક્તિયુગ, પ્રેમાનંદયુગ (આખ્યાનયુગ), નર્મદયુગ (સુધારકયુગ), ગોવર્ધનયુગ (પંડિતયુગ), ગાંધીયુગ, અનુગાંધીયુગ (સ્વાતંત્ર્યયુગ), આધુનિક યુગ, અનુઆધુનિક યુગ – એમ ઘણુંખરું ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં યુગવિભાજન કરવામાં આવ્યું છે. સાહિત્યિક યુગની સ્થાપના શુદ્ધ સાહિત્યિક ધોરણે થાય તે ઇષ્ટ છે. એ દૃષ્ટિએ ‘યુગ’નો અર્થ સાહિત્યિક ધોરણો, માપદંડો ને પ્રણાલિકાઓના તંત્રથી પ્રભાવિત સમયખંડ એવો થાય છે. સાહિત્યના ઇતિહાસમાં આ બધાંનાં પ્રવેશ, પ્રસાર, સંઘટન, વિઘટન અને અસ્તનું નિરૂપણ થાય છે.

આનો અર્થ એ નહિ કે આ ધોરણોનું તંત્ર ઇતિહાસકારને બંધનકર્તા છે. આપણે જોયું કે તેણે તેને ખુદ ઇતિહાસમાંથી ઉપસાવવાનું હોય છે. આંતરરાષ્ટ્રીય સાહિત્યમાં પ્રયોજાતો Romanticism શબ્દ કેટલો બધો અર્થવાહક છે ! કેવળ સાહિત્યિક ઇતિહાસની પ્રક્રિયામાંથી પ્રાપ્ત થાય તેવા વિશિષ્ટ મિજાજ, મનોભાવ કે વિચારશ્રેણીનો તે દ્યોતક છે. આ યુગ તે કોઈ આદર્શ, ભાત કે પરંપરા નથી; પરંતુ કોઈ પણ કૃતિ જેને સંપૂર્ણપણે સિદ્ધ નથી કરી શકવાની એવાં ધોરણોના તંત્રથી પ્રભાવિત સમયખંડ છે. ટૂંકમાં, એ સમયખંડના સાહિત્યનું લક્ષ્ય તે સૂચવે છે.

યુગનો ઇતિહાસ એટલે સાહિત્યિક ધોરણોના એક તંત્રમાંથી બીજા તંત્રમાં થતા પરિવર્તનનું નિરૂપણ. યુગપરિવર્તનની પાછળ પરંપરા ઘસાઈ જવાથી જાગેલી પરિવર્તન માટેની ઇચ્છા હોય, પરંપરાની સામે થતા પ્રયોગ હોય, બાહ્ય કારણો પણ હોય ને સામાજિક, સાંસ્કૃતિક અને બૌદ્ધિક ફેરફારો પણ હોય. ઇતિહાસમાં લીલા-સૂકા કાળખંડો આવે છે. વિવેચક આવા કાળખંડોનું મૂલ્યાંકન લેખકો અને તેમની કૃતિઓના સાહિત્યિક સત્વની પરીક્ષા કરીને કરે છે. સાહિત્યનો ઇતિહાસ લખનાર કૃતિઓના પરસ્પર સંબંધ અને લેખકોના સમકાલીન પરિસ્થિતિ સાથેના તેમ આગળપાછળની ઘટનાઓ સાથેના સંબંધો સમજાવે છે અને સમગ્ર કાળખંડની સિદ્ધિ-મર્યાદાનો તટસ્થ પણ રસપૂર્ણ ક્યાસ કાઢતો આગળ વધે છે.

સાહિત્યિક ઇતિહાસનું માળખું પ્રત્યેક યુગમાં પ્રવર્તતાં સાહિત્યિક આંદોલનોના ઉદભવ, વિકાસ અને વિલયની રૂપરેખાથી બંધાતું જાય છે. કોઈ યુગ અમુક ચોક્કસ તારીખથી શરૂ થતો નથી. ઘણી વાર બે કે વધુ પ્રવાહો સમાન્તર વહેતા હોય છે. કોઈ વાર બે એકબીજામાં ગૂંથાઈને પણ ચાલે. પૂર્વકાલીન પંડિતયુગની કવિતાની સેર ગાંધીયુગની કવિતાની સાથે, છાંદસનો પ્રયોગ અછાંદસની સમાન્તર, આધુનિકની સાથે મધ્યકાલીન પરંપરા વગેરે અનેક દૃષ્ટાંતો ગુજરાતી સાહિત્યમાંથી આપી શકાય. સાહિત્યિક ઇતિહાસમાં પ્રત્યેક આંદોલનના ઉદય, વિકાસ અને અસ્તનાં કારણો તપાસાય છે અને જે તે આંદોલનના ઊગમથી અંત સુધીનું નિરૂપણ થાય એટલે સાહિત્યિક ઇતિહાસનો એક તબક્કો પૂરો થયો ગણાય.

સાહિત્યિક પ્રવાહને ઘડનારાં પરિબળોને સાહિત્યનો ઇતિહાસ લખનારે પિછાની લેવાં જોઈએ. ભાષા, સ્વરૂપ, સમકાલીન વાતાવરણ, વૈચારિક આંદોલનો અને સાંસ્કૃતિક સાધનો મુખ્ય પરિબળો ગણાય. પ્રજાની સંસ્કૃતિની કક્ષા ભાષામાં દેખાય. એક રીતે જોઈએ તો સાહિત્યની રચના ભાષાના પ્રતીકાત્મક સ્વરૂપનો વિકાસ દર્શાવે છે. તેની ચર્ચા વિવેચકો કરે; પણ એ બે ઉપર સમયની થયેલી અસર ઇતિહાસકાર તપાસે છે. જે તે સ્વરૂપના વિશેષ વિકાસ કે પ્રસાર પ્રમાણે તે યુગ ઘણી વાર ઓળખાય છે. ગુજરાતી સાહિત્યમાં ઓગણીસમી સદીનો ઉત્તરાર્ધ નિબંધના વર્ચસનો, વીસમી સદીના પ્રથમ ત્રણ દાયકાનો ગાળો કવિતાના વર્ચસનો, સ્વાતંત્ર્યોત્તર કાળ પદ્ય કરતાં ગદ્યના વર્ચસ્નો ગણાયો છે. અનુઆધુનિક યુગની કવિતાનો પ્રવાહ ગીત અને ગઝલથી પ્રભાવિત છે.

અન્ય ઇતિહાસોની માફક સાહિત્યના ઇતિહાસમાં પણ વિવિધ તબક્કે પ્રજાના મિજાજમાં આવતા ફેરફારની નોંધ લેવાય છે. શિષ્ટ-રંગીન, અંતર્મુખ-બહિર્મુખ, સક્રિય-નિષ્ક્રિય, ગુલામ-આઝાદ – એવાં વિશેષણો વિવિધ સમયે પ્રજાના માનસને અપાતાં હોય છે. અમુક તબક્કે પ્રજાનો મિજાજ રાષ્ટ્રીય અસ્મિતાની તીવ્ર સંવેદના દર્શાવે છે. વિવિધ વાદો પણ જોર પકડતા દેખાય છે. આ બધાં તત્વોનો સમુચ્ચય પ્રજાની પ્રકૃતિનો પિંડ બાંધી આપે છે. ઇતિહાસકાર તેને ‘રોમૅન્ટિક’, ‘ક્લાસિકલ’, ‘નિયૉક્લાસિકલ’, ‘રાષ્ટ્રીય’ કે ‘સ્વાતંત્ર્યોત્તર’ એવી સંજ્ઞાઓથી ઓળખાવવાનો પ્રયત્ન કરે છે, જે પ્રજાના મિજાજના લોલકની દિશા સૂચવે છે.

સાહિત્યના વિકાસમાં સાંસ્કૃતિક સાધનોનો ફાળો પણ ઉલ્લેખપાત્ર હોય છે. સામયિકો, સાહિત્ય-સંસ્થાઓ, પ્રકાશકો, પુસ્તકાલયો, થિયેટરો, શાળા-કૉલેજો, રેડિયો-ટેલિવિઝન અને સિનેમા તથા કૉપીરાઇટ કાયદો વગેરે સાહિત્ય ને સાહિત્યકારના પ્રવૃત્તિપ્રવાહમાં કેટલીક વાર પરોક્ષ છતાં નોંધપાત્ર ભૂમિકા ભજવી જાય છે. ‘વીસમી સદી’ માસિકે ગુજરાતના કેટલા લેખકોને પ્રકાશમાં લાવીને ઉત્તેજન આપ્યું હતું, તેની ગણતરી કરવા જેવી છે. રામનારાયણ પાઠકના સાહિત્યિક વ્યક્તિત્વના ઘડતરમાં ‘પ્રસ્થાને’ અને વિજયરાયના ઘડતરમાં ‘કૌમુદી’એ કેટલો મહત્વનો ફાળો આપેલો તે સુવિદિત છે. કૉપીરાઇટના કાયદા ઉપર મુસ્તાક રહીને ન્હાનાલાલ જેવા મોટા કવિએ કેટલું ગુમાવ્યું અને તે કારણે પ્રજાને તેમના સાહિત્યથી વંચિત રહેવાનું કેટલા પ્રમાણમાં બન્યું તેની તપાસ કરવા જેવી છે. ગુજરાતની જૂની રંગભૂમિએ નાટ્યલેખન પર કેવી વિપરીત અસર પાડી હતી તે ઇતિહાસની દૃષ્ટિએ નોંધપાત્ર છે. ગુજરાતી વિવેચનના વિકાસમાં અધ્યાપકીય વ્યવસાયે શો પ્રભાવ પાડ્યો તે પણ અભ્યાસનો એક રસપ્રદ વિષય બને તેમ છે. અમેરિકન લેખક રૉબર્ટ ઈ. સ્પીલર આ પરિબળોના અભ્યાસને ‘સાહિત્યની સમાજવિદ્યા’નો અભ્યાસ કહે છે. આ પ્રકારની નાનીમોટી અંગત-બિનઅંગત વિગતોને સાહિત્યનો ઇતિહાસ લખનાર સુવર્ણરજ જેવી કીમતી ગણીને શોધતો રહે છે.

મુખ્યગૌણવિવેક વાપરીને ઇતિહાસની સામગ્રી શોધવી, ચકાસવી અને પછી તેને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવીને અર્થઘટન કરવું તે ઇતિહાસલેખનની સામાન્ય પદ્ધતિ હોય છે. વિજ્ઞાનીની માફક ઇતિહાસકાર પણ એક પ્રશ્ન લઈને તેના ઉકેલની પરિકલ્પના રજૂ કરી બાહ્ય તેમજ આંતરિક પુરાવાઓ દ્વારા તેનું સમર્થન કરે છે. ગુજરાતી કવિતાના પ્રવાહમાં નર્મદ પછી બીજો વિકાસનો તબક્કો નરસિંહરાવથી શરૂ થાય છે, તેવું પ્રતિપાદન રમણભાઈ જેવા વિવેચકે અને કૃષ્ણલાલ મો. ઝવેરી જેવા ઇતિહાસકારે કરેલું. સુન્દરમે ‘અર્વાચીન કવિતા’માં નરસિંહરાવનું સ્થાન બાળાશંકરને આપવાનો પ્રયત્ન કર્યો છે. તે પ્રયત્ન યોગ્ય છે કે નહિ તેની ચર્ચા અહીં અપ્રસ્તુત છે; પરંતુ સુન્દરમનું પ્રતિપાદન ઇતિહાસકારની પદ્ધતિનું સુંદર દૃષ્ટાંત બને છે.

એક વાર સામગ્રી એકત્ર થઈ અને સાહિત્યિક ઘટનાની આસપાસ ગોઠવાઈ તે પછી ઇતિહાસ-વિવેચકનું કામ શરૂ થાય છે. સાહિત્ય-વિવેચન ઇતિહાસ-વિવેચન નથી. સાહિત્યનો ઇતિહાસ લખનાર કૃતિ કે કૃતિસમૂહની સાહિત્યિક મૂલ્યવત્તાને માટે વિવેચક પર આધાર રાખે, પોતે સાહિત્યવિવેચન કરતો હોય તો કરે, પણ ઇતિહાસકાર તો કૃતિ ક્યાં, ક્યારે, કેવી રીતે ને શા માટે વિભાવન પામી લખાઈ ને પ્રસિદ્ધ થઈ તે દર્શાવે છે. કૃતિનો બીજી કૃતિઓ સાથેનો તેમજ સમગ્ર પ્રવાહ સાથેનો સંબંધ તે સ્પષ્ટ કરી આપે છે. તેને માટે પોતે મનમાં કેટલાક પ્રશ્નો ઊભા કરીને તેના ઉત્તરરૂપ પરિકલ્પના ગોઠવે છે અને તેને વિવિધ પુરાવાઓ દ્વારા સાબિત કરતો આગળ ચાલે છે; દા.ત., દલપતરામની કવિતામાં દેખાતા વસ્તુલક્ષી દૃષ્ટિકોણનું સાહિત્યિક મૂલ્ય કેટલું ? ગાંધીજીના પ્રભાવ નીચે મેઘાણી, મહાદેવ દેસાઈ, સુન્દરમ્ અને ઉમાશંકર ન આવ્યા હોત તો તેમની સર્જકતાએ કેવો વળાંક લીધો હોત ? ગુજરાતી કવિતાના વિકાસમાં જોવા મળે છે તેટલાં વળાંકબિંદુઓ નવલકથાના વિકાસમાં કેમ જોવા મળતાં નથી ? આવા અનેક પ્રશ્નો સાહિત્યની કેડીએ ચાલતાં ઇતિહાસકારના મનમાં ઊભરાય અને તેમનો ઉકેલ પોતાની રીતે તે જરૂરી પુરાવાઓ આપીને રજૂ કરી શકે. સાહિત્યિક ઇતિહાસની સાર્થકતા ઐતિહાસિક સંશોધનનાં તારણો ઇતિહાસકારની મર્મદૃષ્ટિ અને કળાસંચયનો લાભ પામીને સુવ્યવસ્થિત ઘાટમાં ગોઠવાય તેમાં રહેલી છે.

સાહિત્યનો ઇતિહાસ કદી સંપૂર્ણ હોતો નથી. જીવનની માફક સાહિત્યનો પ્રવાહ પણ સતત વહેતો રહે છે એટલે ઇતિહાસ સમયના અમુક બિંદુ સુધી આવીને અટકી જાય છે. સમયના પટ પર સત્ય અને સુંદરનાં થોડાંક જ મિલનબિંદુઓ પડેલાં હોય છે. સાહિત્યિક ઇતિહાસનો લેખક આ બિંદુઓને શોધી સંયોજીને ઉપસાવી આપે, અને એ રીતે કળાની સાથે માનવતાના અભિજ્ઞાન દ્વારા મનુષ્ય-સંસ્કૃતિના શિખર ભણીની ગતિ દોરી આપે તે એના કાર્યની ફલશ્રુતિ ગણાય.

જીવનની જેમ સાહિત્યના પ્રવાહનો મોટો પરીક્ષક પણ કાળ છે. કાળભગવાન કોઈની શેહ રાખતો નથી. તેની ગળણીમાં ગળાઈને પછી અમુક જ બિના કે ઘટના સમયના પટ પર તરતી રહે છે. ઇતિહાસકારનું કામ આ ઘટનાઓને ઓળખી-ચકાસીને કાર્યકારણની શૃંખલામાં પરસ્પર ગૂંથીને રજૂ કરવાનું હોય છે. સાહિત્યનો ઇતિહાસ લખનાર પણ એક રીતે કાળભગવાનના પ્રતિનિધિનું કામ કરે છે. અન્ય ક્ષેત્રોની અપેક્ષાએ તેનું આ કાર્ય આનંદપર્યવસાયી, સંસ્કારપોષક અને પ્રોત્સાહક હોય છે. સમર્થ ઇતિહાસકારે કરેલી ચિકિત્સા ક્વચિત્ સર્જન અને વિવેચનને સમ્યક દિશાસૂચન કરી શકે છે. એટલે પીઢ અને અનુભવી બહુશ્રુત લેખકોએ સાહિત્યનાં વિવિધ અંગોને અનુલક્ષીને સાંસ્કૃતિક પાર્શ્વભૂમિ અને કલાધોરણોને નજરમાં રાખીને લખેલા ઇતિહાસ સાહિત્યના પ્રવાહને નિર્મળ અને સમૃદ્ધ કરવામાં પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ યોગદાન કરે છે. ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો અલ્પક્ષુણ્ણ રહેલા આ ક્ષેત્રે અધિકારી લેખકો દ્વારા વધુ ગંભીરતાથી સુયોજિત પ્રયોગો થવાની જરૂર છે.

ધીરુભાઈ ઠાકર