સાહિત્યસર્જનની પ્રક્રિયા

January, 2008

સાહિત્યસર્જનની પ્રક્રિયા : સાદ્યંત લોકોત્તર આનંદ આપે એવી વાગરચનાનું નિર્માણ કરવાની પ્રતિભાશાળી કવિ કે સાહિત્યસર્જકની સાધના; તેનું આનંદમૂલક ને આનંદપ્રવર્તક વાગ્યોગકર્મ. સાહિત્યસર્જનની પ્રક્રિયા સંકુલ અને નિગૂઢ છે. આ પ્રક્રિયા વિશે બોલવાનું બધા સાહિત્યસર્જકોને પસંદ ન પણ હોય અને જે સાહિત્યસર્જકો સાહિત્યસર્જનની પ્રક્રિયા વિશે કહે તે સર્જકો બધા જ સાહિત્યસર્જનની પ્રક્રિયા વિશે સ્પષ્ટ ને ચોક્કસ છે એમ પણ ન કહી શકાય. પ્રત્યેક સાહિત્યસર્જકને પોતાની સર્જનપ્રક્રિયા વિશે કશુંક એવું કહેવાનું હોય છે જે માત્ર તે પોતે જ કહેવાની સ્થિતિમાં હોય છે ! સાહિત્યસર્જનની પ્રક્રિયાને સાહિત્યસર્જકના માનસ સાથે સીધો સંબંધ છે. તેના માનસના અવચેતન – અચેતન અંશો સાથે તેની સર્જનપ્રક્રિયાનો સંબંધ એવો પ્રગાઢ હોય છે કે જ્યાં સુધી એના સર્જકમાનસનો પૂરો તાગ મેળવી શકાય નહિ ત્યાં સુધી સર્જનપ્રક્રિયા વિશે નિ:શેષપણે કહેવું અશક્ય છે. વળી સર્જનપ્રક્રિયામાં સાહિત્યસર્જકનું અંગતપણું એટલું બધું સંડોવાયેલું હોય છે કે એ પ્રક્રિયામાંથી એ અંગતપણું બાદ કરીને વાત કરવી જોખમી બની જાય છે. આમ છતાં સાહિત્યસર્જન વિશે વિવિધ સાહિત્યસર્જકોએ જે વાતો કરી હોય તેને આધારે કેટલાંક સામાન્ય વલણો તારવીને તેની સમર્યાદ સમજૂતી આપી શકાય છે.

મનુષ્યમાત્રમાં કશુંક સર્જવાની વૃત્તિ અને શક્તિ રહેલાં છે. આ સર્જનવૃત્તિ-સર્જનશક્તિનો આવિષ્કાર અનેક રીતે, અનેક રૂપે થતો હોય છે. જે કંઈ પોતાની પ્રત્યક્ષ (પ્રતિ+અક્ષ) છે, જે પોતાની ભીતર અને બહાર છે તેનું અનુકરણ કરવાની, તેને સંયોજી-વિયોજી, સુધારી-વધારી વિશુદ્ધ અભિનવ રૂપમાં રજૂ કરવાની, તેનું રૂપાન્તર કરવાની – એવી એવી શક્તિઓ મનુષ્યમાં સાહજિક રીતે છે. તે પોતાની ઇન્દ્રિયો દ્વારા જે કંઈ ગ્રહણ કરે છે તેના આધારે તે જ ઇન્દ્રિયોની સહાયથી કશુંક એવું રૂપ પણ સર્જી શકે છે જે ઇન્દ્રિયગ્રાહ્ય હોય – જેનો કોઈક રીતે અ-પૂર્વ આસ્વાદ શક્ય હોય. મનુષ્યની જોવા-સાંભળવા-સ્પર્શવા-સૂંઘવા-ચાખવાની, બોલવાની, હાથ-પગને વિવિધ રીતે હલાવવા-ચલાવવાની, સ્મૃતિ-વિચાર-કલ્પના-લાગણી વગેરે બાબતમાં અંત:કરણ દ્વારા કંઈક કરવા-અનુભવવાની શક્તિઓ છે જ. આ બધી શક્તિઓ જાગતિક પદાર્થોના સંદર્ભમાં વિવિધ રીતે ક્રિયાન્વિત હોય છે અને તેમની આ ક્રિયાન્વિત પરિસ્થિતિ સર્જન-વિસર્જન-રૂપાંતર આદિમાં પરિણમતી જોવા મળે છે. ન-કશામાંથી કશુંયે પેદા થઈ શકતું નથી. કેવળ શૂન્યમાંથી કશુંયે સર્જવાની શક્તિ કમમાં કમ મનુષ્યની તો નથી જ; ‘ઈશ્વર’ની મનાતી હોય તો ભલે ! કશુંક હોય છે જ, सत् છે જ, જેના આધારે મનુષ્ય દ્વારા કોઈ ને કોઈ રીતનું, કોઈ ને કોઈ રૂપનું સર્જન શક્ય બને છે. મનુષ્યનું સર્જન ‘ડિસ્કવરી’ (Discovery) છે કે ‘ઇન્વેન્શન’ (Invention) તેનો ઉત્તર સર્જનપ્રક્રિયાને કઈ ભૂમિકાએથી તપાસવામાં આવે છે તે પર નિર્ભર છે. મનુષ્યે જે એક નવી – અપૂર્વ વસ્તુ ब સર્જી તે કશાકને – अ-ને આધારે સર્જી. આ ૐ-માં અમુક સંજોગોમાં ब થવાની ક્ષમતા હતી જ. अ ન હોત તો ब ન હોત. તેથી ૐ ને – સાવ જુદાં નથી. अ નું ब જ રૂપાંતર (આ ‘રૂપાંતર’ કેટલે અંશે એ પ્રશ્ન વળી રહે.) તે ब હોય. ब-ના સર્જનને જોવાનો આ એક અભિગમ છે. કોઈ વળી એમ પણ કહે કે अ-ને આધારે ब હોય તોપણ ब તે अ નથી જ. ब-માં કશુંક એવું છે જે ब-નું સર્જન થયું તે પૂર્વે ક્યારેય જોવા મળ્યું નહોતું અને એ છે ब-નું ‘ब’-પણું. આ ‘ब’-પણું તે ‘ઇન્વેન્શન’ છે, ‘ડિસ્કવરી’ નહિ. આ બીજો અભિગમ છે. વળી સર્જક स-ના સંદર્ભે अ અને ब-ના સર્જનમાં જે કંઈ ભાગ ભજવ્યો હોય અથવા अ અને ब-ના સર્જને ઠ્ઠ-ના જીવન-રૂપમાં જે કંઈ ભાગ ભજવ્યો હોય તેનો પણ વિચાર કરવાનો રહે. એ જ રીતે આ સર્જનપ્રક્રિયા દરમિયાન દેશકાલાદિએ જે અસરો કરી હોય તે પણ નોંધવાની રહે. આ બધાંનો સાથેલાગો વિચાર કરવા જતાં જ સર્જનપ્રક્રિયાનું સ્વરૂપ કેવું સંકુલ છે તેની પ્રતીતિ થાય છે.

ભારતના પ્રાચીન કાવ્યસાહિત્ય-મીમાંસકોને સર્જનપ્રક્રિયાની આ સંકુલતા – નિગૂઢતાનો અંદાજ છે; અને કદાચ તેથી જ સાહિત્યસર્જનની – કાવ્યસર્જનની પ્રક્રિયાના પ્રશ્નને કાવ્ય-પદાર્થના અન્વયે જ વિચારીને વિરમવાનું ઇષ્ટ માન્યું છે. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી – એ ચતુર્વિધ વાક્સ્વરૂપોની વિભાવના, ઋતંભરા પ્રજ્ઞાનો (ऋतम्भरा तत्र प्रज्ञा । – 1, 48યોગસૂત્ર) વિચાર, મહાવાક્ય ને મહારસની કલ્પના, કાવ્યને – કાવ્યના વાક્સ્વરૂપને આત્મકલા રૂપે (अमृताम् आत्मन: कलाम् । – भवभूति) જોવાનો દૃષ્ટિકોણ; મીમાંસા, ન્યાય, સાંખ્ય, પ્રત્યભિજ્ઞા આદિ વિવિધ દર્શનોની ભૂમિકાઓથી કાવ્યના આત્માને પામવાના ભટ્ટ લોલ્લટ, ભટ્ટ શંકુક, ભટ્ટ નાયક, અભિનવગુપ્ત આદિ કાવ્યાચાર્યોના તાત્ત્વિક ઉપક્રમો; કાવ્ય દ્વારા સત્-ચિત્-આનંદના સાક્ષાત્કારનો પક્ષ – આ બધાંનો વિચાર કરતાં સંસ્કૃત સાહિત્યના કાવ્યમીમાંસકોએ કાવ્યસર્જનની પ્રક્રિયાનો ઊંડો તાગ મેળવ્યો છે એમ કહેવું રહ્યું. સાહિત્યસર્જકના અર્થમાં પ્રયોજાતો ‘કવિ’ શબ્દ ‘ઈશ્વર’ને લાગુ પડાય એટલો ઉદાત્ત અને વિશાળ અર્થ ધરાવતો માલૂમ પડે છે. (દા.ત., कविर्मनीषी परिभू: स्वयंभू:…. – 8, ઈશાવાસ્ય ઉપનિષદ) કવિકર્મની લોકોત્તરતા યા અલૌકિકતાનો સાર્વત્રિક સ્વીકાર જોવા મળે છે. જેને કારણે આ કાવ્યસર્જનની પ્રક્રિયા ફલવતી થઈ શકે છે તે પ્રતિભાનું સ્વરૂપ આ પ્રકારનું મનાયું છે :

रसानुगुणशब्दार्थचिन्तास्तिमितचेतस:

क्षणं स्वरू5पस्पर्शोत्था प्रज्ञैव प्रतिभा कवे:।

सा हि चक्षुर्भगवतस्तृतीयमिति गीयते

येन साक्षात्करोत्येष भावंस्रैलोक्यवर्तिन:।

અર્થાત્, રસને અનુરૂપ શબ્દાર્થને લીન (જાણે કે સ્તંભિત) થયેલા ચિત્તવાળા કવિની સ્વ-રૂપના તત્કાળ સ્પર્શથી જાગ્રત થયેલી प्रज्ञा તે જ प्रतिभा છે; તે ત્રણેય લોકમાં રહેલા ભાવોનો સાક્ષાત્કાર કરે છે. આ પ્રતિભાને ભગવાન શંકરના તૃતીય લોચનરૂપ કહી છે. (સંસ્કૃતિ, 1963, પૃ. 288)

આ પ્રતિભાના સહજા, આહાર્યા તથા ઔપદેશિકી એમ ત્રણ પ્રકાર મનાયા છે; જોકે આ ત્રણમાં પ્રથમ સ્થાન તો સહજા પ્રતિભાનું – જન્મજાત પ્રતિભાનું, દંડીના શબ્દોમાં ‘पूर्ववासना-गुणानुबन्धि प्रतिभानम्’ – નૈસર્ગિકી પ્રતિભાનું છે. એ પ્રતિભાથી ‘સારસ્વત’ કવિ મળે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓને Poets are born-ની માન્યતા અનુકૂળ રહી જણાય છે. કાવ્યસર્જનની પ્રક્રિયા આધ્યાત્મિક દૃષ્ટિએ નિગૂઢ – વિલક્ષણ હોઈને એના સર્જકને ‘ઋષિ’તુલ્ય – ‘પ્રજાપતિ’-તુલ્ય – ‘દ્રષ્ટા’ (આ પણ ખૂબ મહત્ત્વનો શબ્દ છે.) માનવામાં આવ્યો છે. બ્રહ્માની સૃષ્ટિને આધારે કાવ્યની સૃષ્ટિ સર્જનાર કવિને સાહિત્યસર્જકને બિરદાવવામાં આવ્યો છે. કવિનું સર્જન ભટ્ટ તૌત-કથિત ‘દર્શન’ અને ‘વર્ણન’ની ભૂમિકાને સમાવિષ્ટ કરે છે. કુંતકે આ દર્શન-વર્ણનને આવરી લેતું, કાવ્યસર્જનની પ્રક્રિયાનો શક્ય તેટલો તાગ મેળવવા મથતું સુંદર વિધાન કર્યું છે. તે કહે છે : ‘कविविवक्षितविशेषाभिधानक्षमत्वमेव वाचकत्वलक्ष्णं, यस्मात् प्रतिभायां तत्कालोल्लिलिखतेन केनचित् परिस्पन्देन परिस्फुरन्त: पदार्था:प्रकृतप्रस्तावसमुचितेन केनचिन्दुत्कर्षेण वा समाच्छादितस्वभावा: सन्तो विवक्षाविधेयत्वेनाभिधयतापदवीम् अवतरन्त: तथाविधनविशेषप्रति-पादनसमर्थेन अभिधानेन अभिधीयमानाश्चेतनचमत्कारिताम् आपद्यन्ते ।’ અર્થાત્, નગીનદાસ પારેખના અનુવાદ અનુસાર, ‘કવિને વિવક્ષિત વિશેષ અર્થનું કથન કરવાનું સામર્થ્ય તે જ વાચકત્વનું એટલે શબ્દનું લક્ષણ છે, જેથી તે (કાવ્યરચનાને) સમયે (કવિની) પ્રતિભામાં વિશેષ રૂપે પ્રગટ થતા કોઈ એક પરિસ્પંદને લીધે (વાસ્તવિક જગતના) પદાર્થો ભાવોજ્જ્વલ બની જાય છે, અથવા પ્રકૃતિ પ્રસંગને યોગ્ય કોઈ ગૌરવથી તેમના મૂળ સ્વભાવ ઢંકાઈ જાય છે, અને તેઓ કવિની વિવક્ષાને અનુરૂપ વાચ્ય બની જાય છે, તથા તેવા વિશેષ અર્થનું પ્રતિપાદન કરવાને સમર્થ શબ્દો દ્વારા કહેવાઈને સહૃદયોના ચિત્તને ચમત્કારક થઈ પડે છે.’ (અભિનવનો રસવિચાર અને બીજા લેખો, પૃ. 214)

સાહિત્યસર્જનની પ્રક્રિયામાં કશુંક ‘અલૌકિક’ યા ‘દિવ્ય’ હોવાની વાત ભારતમાં તેમ પશ્ચિમમાં સ્વીકારાઈ છે. આ ‘અલૌકિકતા’ યા ‘દિવ્યતા’ સર્જકચિત્તની અસાધારણતાને સૂચવે છે. કેટલાકે કવિઓને ‘મ્યૂઝ’ (Muse) દ્વારા ‘ઇન્સ્પાયર્ડ’ ને ‘પઝેસ્ડ’ (possessed) થતા વર્ણવ્યા. કેટલાકે તેમને ‘ઘેલા’ કહ્યા ને તેમની જુદી હરોળ રચી દીધી ! વસ્તુત: તો ‘અલૌકિક’ કે ‘દિવ્ય’ કહીને અટકવું પડે એવી સાહિત્યસર્જનની પ્રક્રિયા સંકુલ છે એ જ સૂચવવાનું રહે છે. આ સાહિત્યસર્જનની પ્રક્રિયા કંઈક વિશિષ્ટ – વિશેષ ભાવવાળી છે. સામાન્ય રીતે કાર્યકારણસંબંધથી તેનો પૂરો ખુલાસો ન મળી શકે એવી એ અટપટી પ્રક્રિયા છે. અનેક પરિબળો આ પ્રક્રિયા સાથે જોડાયેલાં છે અને એ રીતે તે સર્જકમાનસસાપેક્ષ અથવા રવીન્દ્રનાથનો શબ્દ લઈને કહીએ તો ‘વિશ્વમન’-સાપેક્ષ પ્રક્રિયા છે. ઉષાનું દૃશ્ય જોતાં સામાન્ય મનુષ્ય કદાચ ‘અદભુત’ કહીને અટકી જાય, પણ કાવ્યસર્જક હોય તો કદાચ એ અદભુત અનુભવને કાવ્યમાં ને ચિત્રકાર હોય તો કદાચ ચિત્રમાં ઉતારવા પ્રેરાય. આમ શા માટે બને છે ? ઉષાના દૃશ્યનો અનુભવ કરવાની અને તે પછી તેને પ્રગટ કરવાની વૃત્તિ-શક્તિ મનુષ્યે મનુષ્યે સંસ્કારાદિ પરિબળોને કારણે ભિન્ન હોય છે.

મનુષ્યના પોતાના સંદર્ભમાં વૈશ્ર્વિક સત્તાનો સંદર્ભ પણ ભળેલો હોય છે. મનુષ્યની સર્જનાત્મક, વિસર્જનાત્મક વગેરે સર્વ ક્રિયાઓ, શ્રી અરવિંદ કહે છે તેમ, અન્ત:સત્તા દ્વારા સૂત્ર-સંચારિત થતી હોય છે. (જુઓ श्री अरविन्द अपने विषय में, पृ. 249-279.) તેથી મનુષ્ય જેટલા પ્રમાણમાં પેલી અન્ત:સત્તાનું અભિજ્ઞાન પામી ચેતોવિસ્તાર સાધે તેટલા પ્રમાણમાં એની સર્જકતાને વિકાસ માટેનો વધુ અવકાશ મળવાનો. ક્ષેમેન્દ્રે ‘કવિકંઠાભરણ’માં કવિત્વપ્રાપ્તિ, શિક્ષા, ચમત્કૃતિ, ગુણદોષ-વિષયક વિવેકશક્તિ, અને પરિચયપ્રાપ્તિ – એ પાંચ સંધિઓની વાત કરતાં કવિત્વપ્રાપ્તિના દૈવી અને માનુષી – એવા દ્વિવિધ પ્રયત્નોનો નિર્દેશ કર્યો છે. આ પાંચ સંધિઓની – તબક્કાઓની સાધના કવિની સર્જકચેતનાનો વિકાસ સાધે છે એ સ્પષ્ટ છે.

સાહિત્યસર્જકનું સર્જન એની ચેતનાના વિકાસ સાથે સંબંધ ધરાવે છે. તેની સર્જકચેતના કુંઠિત ન થાય, બલકે ઉત્તરોત્તર વિકાસ સાધે એ પ્રકારની કવિની જીવનગતિ અપેક્ષિત રહે છે. રાજશેખરે ‘કાવ્યમીમાંસા’ના દસમા અધ્યાયમાં ‘शुचि शीलनं हि सरस्वत्या: संवननम् आमनन्ति ।’ એમ કહી સાહિત્યસર્જકની – કવિની જીવનચર્યાના મહત્ત્વ તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. કવિ વધુ ને વધુ ઉત્કૃષ્ટ કાવ્યસર્જનો માટે અભીપ્સા કરે અને એવા કાવ્યસર્જન માટેનાં ઉત્સાહ ને શક્તિ કેમ વધે તે માટે સતત સચિંત અને સાવધાન રહે એ જરૂરી છે. રાજશેખરે કવિત્વની આઠ માતાઓમાં સ્વાસ્થ્ય, પ્રતિભા, અભ્યાસ, ભક્તિ, વિદ્વત્કથા, બહુશ્રુતતા, સ્મૃતિદાર્ઢ્ય અને અનિર્વેદને ગણાવ્યાં છે તે પણ આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે. ક્ષેમેન્દ્રે ‘કવિકંઠાભરણ’માં કવિને જે સો સલાહ આપી છે તે પણ ઝીણવટથી ચકાસવા જેવી છે. એ સલાહમાં કાવ્યસર્જનની પ્રક્રિયામાં કવિપક્ષે કેવી સજ્જતા જરૂરી છે તે પણ સૂચવાયું છે. આ કવિચર્યા એ સૂચવે છે કે કવિના જીવનમાં સૌન્દર્યાનુભવની – કાવ્યાનુભવની ભલે ક્ષણો આવતી હોય; પરંતુ એવી ક્ષણો માટે એણે પોતાની સમસ્ત જીવનશક્તિથી પુરુષાર્થ કરતા રહેવાનું છે. વિલિયમ ફૉકનરની જેમ ‘Words are my talent’ (જુઓ Writers at Work, P. 28) એમ કહેવા જેટલી શબ્દ સાથેની તદાત્મતા કવિએ સાધવાની રહે છે. ઉમાશંકરે એક કલાકાર તરીકે શબ્દ સાથેના પોતાના પ્રગાઢ – સજીવ સંબંધની જે વાત કરી છે તે અત્રે ઉલ્લેખનીય છે. તેઓ કહે છે : ‘મને પૂરો ખ્યાલ પણ આવે તે પહેલાં શબ્દ મને માનવજીવનમાં જે કંઈ અભિવ્યક્તિ માટે તલસી રહ્યું છે તે પ્રતિ દોરી ગયો. વસ્તુજગત અને પ્રાણીજગત સાથે એણે આત્મીયતાનો એક સેતુ રચી દીધો. શબ્દ એક એવી કૂંચી હતી જેને લીધે વસ્તુઓ પોતાનું અંતર મારી સમક્ષ ખોલતી અને અંતે, શબ્દના જ રૂડા પ્રતાપે ભૂતકાળમાં જે કંઈ અર્થસંપન્ન હતું તે એક જીવંત વર્તમાન રૂપે પ્રત્યક્ષ થયું અને અણદીઠ ભવિષ્યના મહાર્ણવ ઉપર શબ્દે પથરેખાઓ આંકી ને એ રીતે મારે માટે સુસમૃદ્ધ એવી ભીતરતા રચી દીધી.’ (કવિની શ્રદ્ધા, પૃ. 238-9) તેઓ આગળ ચાલીને ‘શબ્દ પોતે જ કર્મ બની રહે’ એ જે શક્યતા છે તેનો પણ कविक्रतु શબ્દનું અર્થવિવરણ કરતાં અંગુલિનિર્દેશ કરે છે. (કવિની શ્રદ્ધા, પૃ. 239)

શબ્દ સાથેની ઉપર દર્શાવેલી તદાત્મતા સિદ્ધ કરવાના પ્રયત્ન રૂપે સાહિત્યસર્જકે પોતાના અંત:કરણ અને બહિષ્કરણની કાર્યગતિને કેમ એકાગ્ર અને લક્ષ્યગામી બનાવવી એ પ્રશ્ન રહેવાનો. આંતરજગત અને બહિર્જગતનું દર્શન કેમ ઊંડું ને વ્યાપક થાય; સત્, ચિત્ અને આનંદરૂપ સૃષ્ટિનો કેમ વધુ કાર્યસાધક પરિચય થાય; કેવી રીતે વિશ્વ સમસ્તની ઋતલીલાનો સાક્ષાત્કાર થાય એ દિશામાં કાવ્યસિસૃક્ષુનો પુરુષાર્થ સજાગપણે – સાતત્યપૂર્વક – એકાગ્રતાથી ચાલવાનો. શબ્દસાધના આત્મસાધનાના પ્રતીકરૂપ – આગળ વધીને કહેવું હોય તો પર્યાયરૂપ બની કાવ્યસર્જકને પોતાને ઋતલીલાના સાક્ષાત્કારનું પ્રબળતમ માધ્યમ બનાવીને રહે એ કાવ્યસર્જનપ્રક્રિયાનું ઉત્કર્ષબિંદુ હશે. એ બિન્દુએ પહોંચવા ઇચ્છનાર કાવ્યસર્જકે રાજશેખર, ક્ષેમેન્દ્ર, હેમચંદ્ર, વિનયચંદ્રસૂરિ વગેરેએ કવિચર્યા અંગે જે કંઈ કહ્યું છે તેનો સૂર ગ્રહણ કરવાનો રહે છે.

સાહિત્યસર્જનની પ્રક્રિયાને અવારનવાર માનવજન્મની પ્રક્રિયા સાથે – જાતીય જીવનની અનુભવક્રિયા સાથે સરખાવવામાં આવી છે. (જુઓ રિલ્કેના નવકવિ પરના દસ પત્રો.) આમાં ફ્રૉઇડનો પ્રભાવ પણ કારણભૂત ખરો. આ સર્જનપ્રક્રિયામાં પરિવર્તન, વિકાસ, ઉત્ક્રાન્તિ આદિ અવસ્થાઓ પણ મનાઈ છે (‘The creative process is the process of change, of development, of evolution, in the organization of subjective life.’ – The Creative Process, P. 12) વળી સમગ્રતયા જોતાં આ પ્રક્રિયા કાવ્યસાહિત્યનો સજીવ વિકાસ (organic development) કરનારી પ્રક્રિયા છે. કવિચેતના – વ્યક્તિચેતના – શબ્દચેતના – સમષ્ટિચેતનાના સહયોગે ‘सहित’ત્વે કરીને સંશ્લેષણની ક્રિયા દ્વારા કાવ્યરૂપ અખંડ પદાર્થને જન્મ આપે છે. આ સર્જનપ્રક્રિયાના ઉત્કર્ષબિંદુએ વ્યષ્ટિ-શબ્દ-સમષ્ટિના ભેદ વિગલિત થઈ જાય છે – કેવળ રવીન્દ્રનાથનિર્દિષ્ટ એક અનિર્વચનીય સ્થિતિનું નિર્માણ થાય છે. પ્રમાતા-પ્રમેય-પ્રમિતિ આ સર્વ આ સ્થિતિમાં (શ્યામદેવનિર્દિષ્ટ ‘ઠ્ઠજ્દક્ષ્’માં) એકાકાર બની રહે છે. આ સ્થિતિમાં કાવ્યસર્જક પોતે જ કાવ્યસર્જનની પ્રક્રિયા રૂપે વિશિષ્ટ અર્થમાં પ્રતીત થાય છે.

યુંગે, જુદી રીતે પણ મનોવૈજ્ઞાનિક ભૂમિકાએ મનુષ્યનો સર્જક તરીકે પરિચય કરાવતાં લખ્યું છે :

‘Every creative person is a duality or a synthesis of a contradictory aptitudes. On the one side he is a human being with a personal life, while on the other side he is an impersonal creative process.’

તેમણે આગળ ચાલતાં artist-ને ‘collective man’ તરીકે વર્ણવ્યો છે. એના collective unconscious-નો નિર્દેશ પણ તેમણે કર્યો છે. કલાસર્જક પોતે જ પોતાની અંદરના વ્યષ્ટિ અને સમષ્ટિગત અંશો વચ્ચે સમન્વય સિદ્ધ કરવાની પ્રક્રિયા પોતાને અનુકૂળ એવા શબ્દ યા અન્ય માધ્યમો દ્વારા કરતો હોય છે. સર્જનપ્રક્રિયાના કર્તા રૂપે જ નહિ, સર્જનપ્રક્રિયાના વિષય રૂપે પણ તે પોતાનો નવા જ પરિમાણથી પરિચય પામે છે – કહો કે, તે પોતાનો આત્મસાક્ષાત્કાર કરે છે. આ સંદર્ભમાં ‘it is not Goethe who creates Faust, but Faust which creates Goethe.’ – એ ઉક્તિનો મર્મ પામી શકાય છે. સાહિત્યસર્જક જેવો પટુકરણ સર્જક કશાકનું સર્જન કરતાં છેક તટસ્થ યા અલિપ્ત તો ન જ રહી શકે. કાકાસાહેબ સૂચવે છે તેવું તાદાત્મ્યપૂર્ણ તાટસ્થ્ય તેણે બતાવવાનું રહે છે. તે કશાકનું સર્જન કરતો હોય તે દરમિયાન પોતાનામાં પણ અનેક વિકારવિવર્તો – ચેતનાનાં વિવિધ આંદોલનો – ગતિ-અવસ્થાઓ અનુભવવાનો. આથી સાહિત્યકૃતિના – કાવ્યકૃતિના સર્જન સાથે અમુક અંશે સાહિત્યસર્જકનું – ‘કવિ’નું પણ નવસર્જન થતું રહે છે. કાવ્યાવતાર સાથે કવિનો નૂતનાવતાર પણ થતો હોય છે.

સાહિત્યસર્જનની પ્રક્રિયાનો આરંભ પ્રેરણાત્મક આવેગથી, કોઈ આઘાત યા સ્ફુરણ(intuition)થી મહદંશે થાય છે. એ પ્રક્રિયાનો આરંભ ઘણું કરીને આવેગાત્મક પ્રેરણાત્મક – પ્રેરણાવિષ્ટ હોય છે. અનેક આંતરબાહ્ય પરિબળોના સામૂહિક એકાગ્ર ધક્કાથી સર્જકચેતના શબ્દાદિ ઉપાદાન વિશે સક્રિય થાય છે. એ આવેગાત્મક બળ – ધક્કો જેટલો જોરદાર એટલી એ સર્જકચેતનાની સક્રિયતા – ગતિશીલતા ઉત્કટ. એ ઉત્કટ અવસ્થામાં કવિ પોતાને કુંઠિત કરતા કોચલામાંથી છૂટતો અને ભૂમા સાથે પોતાને એકરૂપ થતો – ચેતોવિસ્તાર સાધતો અનુભવે છે. આમ સર્જનપ્રક્રિયાની આ ઊર્ધ્વ ગતિની અવસ્થામાં સર્જક એક બાજુથી આત્મમુક્તિ તો બીજી બાજુથી એ જ કારણે વૈશ્ર્વિક સાયુજ્યનો, અર્થાત્, અખિલાઈની મુક્તિ તથા ભુક્તિનો વિસ્મયાનંદપૂર્ણ સ્વાદ – ચમત્કારનિષ્ઠ અનુભવ – કદાચ ‘કિમપિ દ્રવ્ય’નો અનિર્વચનીય અનુભવ પામતો હોય છે. આ અવસ્થા સર્જનપ્રક્રિયાની પ્રેરણા લાગે છે અને આ જ અવસ્થા તેનું ફળ પણ લાગે છે ! ઠ્ઠઞ્ અને ઠ્ઠઞ્ગ્ને સાંકળતું અને ઉભયને એક રૂપે દર્શાવતું અખંડચેતના-વર્તુળ પૂરું થતું હોવાની પ્રતીતિ આ સર્જનપ્રક્રિયા દ્વારા થાય છે. આ પ્રકારના લક્ષ્યની શબ્દલીલા દ્વારા ઉપલબ્ધિ – આ રીતનો શબ્દસૌંદર્ય દ્વારા પ્રતીતિબોધ એમાં જ કવિકર્મની – કવિત્વની – સર્જકત્વની સાર્થકતા છે.

આ સર્જકત્વની સાર્થકતા સિદ્ધ કરવાની અભીપ્સા સેવતા સર્જકે – કવિએ શબ્દનો પોતાની સમસ્ત ચેતના દ્વારા શક્ય તેટલો ઊંડો ને સર્વગ્રાહી પરિચય કેળવવો રહ્યો. કવિને માટે શબ્દ કેવળ સ્વર-વ્યંજનયુક્ત ધ્વનિસંકેતો – ભૌતિક પદાર્થ નથી; એને માટે એ આધ્યાત્મિક વસ્તુ છે. એને મન શબ્દ આત્માભિવ્યક્તિનું માધ્યમ છે. એ શબ્દ આત્મતત્ત્વ ને બ્રહ્મતત્ત્વને પ્રકાશિત કરનાર જ્યોતિ છે. દંડીએ તેથી જ શબ્દનું વર્ણન કરતાં કહ્યું છે કે

इदमन्धं तम:कृत्स्नं जायेत भुवनत्रयम् ।

यदि शब्दाह्वयं ज्योतिरासंसारं न दीप्यते ।।

(4, પ્રથમ પરિચ્છેદ, કાવ્યાદર્શ)

અર્થાત્, જો શબ્દ નામક જ્યોતિ સંસારને વ્યાપીને પ્રકાશતી ન હોત તો આ સમસ્ત ત્રિભુવન ગાઢ અંધકારમય બની ગયું હોત. સર્જકને માટે – કવિને માટે શબ્દ શબ્દ્બ્રહ્મ છે; કેમ કે, તેનો શબ્દ કેવળ ભાષાનો જ શબ્દ નથી, તેનો પોતાનો પણ છે ! આમ જનતાનો શબ્દ કવિચેતનાનો – સર્જકચેતનાનો ચમત્કારપૂર્ણ અનુભૂતિસંદર્ભ પામીને ‘લોકોત્તર’ બન્યો હોય છે. સાહિત્યસર્જકની શબ્દસાધના પણ આત્મસાધનાના પર્યાયરૂપ બની રહેતી હોય છે.

સાહિત્યસર્જનની પ્રક્રિયા વૈશ્ર્વિક સર્જનની ગતિલીલા સાથે તાલમેળ જાળવતી – તેની સાથેનો સંવાદ જારી રાખતી કે તેના જ અનુસંધાન અથવા આવિષ્કાર રૂપે દેખા દેતી કવિની સર્જકચેતનાની શબ્દાશ્રયે થતી ગતિક્રિયા છે. કાવ્યસર્જક કાવ્યસર્જનની પ્રક્રિયા દ્વારા જે કાવ્ય સર્જે છે એ નવું – છંદના નૂતન અવતારરૂપ હોય છે (नूतनच् – ભવભૂતિ) પણ એનો સંદર્ભ શાશ્વત યા સનાતન હોય છે ! એ કાવ્ય દ્વારા જે પોતાનામાં છે, જે પોતા-મય છે તેને જ આહ્લાદક રીતે ઉપલબ્ધ કરવાનું છે – કદાચ કાવ્ય રૂપે પોતાને ઉપલબ્ધ કરવાનો છે. આ કવિસાધનામાં આનંદ શબ્દાર્થલયગત નૂતન રીતિનો છે તો સત્ એ રીતિ દ્વારા સંકેતિત થતા આત્મગત વસ્તુસંદર્ભનું છે. આ સત્-આનંદ અનુભવ-બોધે ચિત્-આનંદ છે અને કાવ્યસર્જનની – સાહિત્યસર્જનની ઊર્ધ્વતમ ભૂમિકાએ સત્-ચિત્-આનંદરૂપ પુદગલવાળી એક એવી સત્ત્વોદ્રેકની અવસ્થા છે જે અખંડ છે, જે કેવળ અનુભૂતિનો જ વિષય છે ને તેથી અનિર્વચનીય છે. આ સર્જનપ્રક્રિયાને પરિણામે ઉપલબ્ધ કાવ્ય કે સાહિત્યપદાર્થમાં એવું તત્ત્વ હોય છે જે ભાવકની ભાવયિત્રી પ્રતિભાને સંચારિત કરે છે અને તેથી જ ઉમાશંકરે થોડી વાર માટે પણ કાવ્યસાહિત્યની મદદથી માણસ જાણે કે સચ્ચિદાનંદ બની રહે છે એમ કહ્યું છે; (કવિની સાધના, પૃ. 41) અને તત્ક્ષણ તો ભાવકસર્જક વચ્ચે એકાકારતા હોવાનું લાગે છે.

સાહિત્યકળાથી આમ સ્વરૂપાનુસંધાનનો અનુભવ ભાવક પામે છે. સાહિત્યસર્જકનો પણ એવો અનુભવ હોય છે. એટલે સાહિત્યકૃતિનાં સર્જન યા ભાવકન દરમિયાન થતો આનંદ-સમાધિનો અનુભવ એવો હોય છે કે સર્જક ને સર્જન, આસ્વાદક ને આસ્વાદ્ય વિષય વચ્ચેનો ભેદ અખંડ ચૈતન્યરસના ઉલ્લાસમાં વિલુપ્ત થઈ જાય છે. શબ્દ શબ્દાતીતમાં સર્જક યા ભાવકને ફંગોળીને વિરમે છે. શબ્દની આ વિરતિમાં શબ્દની ઉત્તમ શક્તિ પ્રગટ થાય છે. આ અવસ્થાનો શબ્દ કવિનો – સાહિત્યસર્જકનો શબ્દ બની રહે છે. કવિની – સાહિત્યસર્જકની સર્જકતા શબ્દને શબ્દાતીતના સીમાડા સુધી લઈ જવામાં પ્રગટ થાય છે. બીજી રીતે એમ કહેવાય કે મંત્રકવિતાનો શબ્દ કવિતાને શબ્દાતીતના સીમાડે પહોંચાડીને સર્જનશીલ ચેતનાની ઉલ્લાસલીલાનો ચરમોત્કર્ષ સિદ્ધ કરી રહે છે. શબ્દની આવી સિદ્ધિમાં કવિતાનાં – સાહિત્યનાં સર્જકત્વ ને ભાવકત્વ – ઉભયની સં-સિદ્ધિ છે.

ચંદ્રકાન્ત શેઠ