સાવોનારોલા, જિરોલામો (Savonarola Girolamo) (જ. 1452, ફેરારા, ઇટાલી; અ. 1498, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસ-વિરોધી વિચારધારા ધરાવવા માટે જાણીતા રેનેસાંસ-યુગના પ્રખર રૂઢિચુસ્ત ડૉમિનિકન ખ્રિસ્તી સાધુ અને પાદરી.
પંદરમી સદીના ફ્લૉરેન્સના રાજકારણમાં એમણે મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
જિરોલામો સાવોનારોલા ફ્લૉરેન્સના એક પ્રામાણિક અને નિષ્ઠાવાન પાદરી હોવા સાથે લિયૉનાર્દો દ વિન્ચી અને માઇકેલૅન્જેલોના સમકાલીન હતા. ફ્લૉરેન્સમાં ત્રાસ વર્તાવનારા મેડિચી કુટુંબના રાજવીઓ અને ફ્લૉરેન્સ તથા રોમના ભ્રષ્ટ ખ્રિસ્તી પાદરીઓ સામે બળવો પોકારવા માટે એ જાણીતા બન્યા. 1494માં મેડિચી કુટુંબને ફ્લૉરેન્સની રાજગાદી પરથી તગેડી મૂક્યા પછી એ ચાર વરસ માટે ફ્લૉરેન્સના રાજવી બનેલા.
એક ડૉક્ટરના તેઓ પુત્ર હતા. તેઓ પોતે પણ મેડિકલ સ્ટુડન્ટ હતા. એવામાં જ પોતાની પ્રેયસી પોતાને છોડીને ચાલી જતાં વૈરાગ્ય જાગ્યો અને 1475માં પિતૃગૃહ તેમજ મેડિકલ અભ્યાસ બંનેનો ત્યાગ કરીને બોલોન્યા નગરના ડૉમિનિકન સંપ્રદાયમાં જોડાઈને સાધુ બન્યા. એ રેનેસાંસ તેમજ રેનેસાંસે સિદ્ધ કરેલી સર્વે સિદ્ધિઓને ધિક્કારતા હતા. સાધુ બન્યા પછી એમણે ફ્લૉરેન્સ આવી ધાર્મિક ઉપદેશ આપવા શરૂ કર્યા. એમની સંમોહક વાણી સાંભળીને મંત્રમુગ્ધ થઈ મોટી સંખ્યામાં લોકો એમના અનુયાયી બન્યા. એમનાં વ્યાખ્યાનોમાં ચૌદ-ચૌદ હજાર માણસોની મેદની જામતી. એમાં અભણ-નિરક્ષર લોકોથી માંડીને પિકો દેલ્લ મિરાન્દોલા જેવા પ્રખર વિદ્વાનો પણ સાંભળવા માટે તલપાપડ રહેતા. એમની આકર્ષક પણ કડવી-તીખી જબાનથી મિરાન્દોલાનાં ગાત્રો પણ ધ્રૂજી જતાં એમ ખુદ મિરાન્દોલાએ જ કબૂલેલું. વીજળીના કડાકા જેવી એમની પયગંબરી વાણીથી જ્યારે કેથીડ્રલોના ગુંબજો ગાજતા ત્યારે ભલભલાના હાંજા ગગડી જતા અને ગભરાઈને ઘેર પાછા જતા. એમણે પોપ અને બીજા પાદરીઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને સ્ત્રીઓ સાથેનાં લફરાં ઉઘાડાં પાડ્યાં તેમજ મેડિચી રાજવીઓની પણ પ્રખર અને કડક ટીકા કરી. આમ કરવા જતાં તેમણે સ્વાભાવિક જ ધર્મસત્તા-પોપ અને રાજસત્તા મેડિચી પરિવાર સાથે ઘર્ષણમાં ઊતરવું પડ્યું. ફિલસૂફ મિરાન્દોલા પોતાના આશ્રયદાતા મેડિચી પરિવારને સાવોનારોલાને હંમેશાં ચુપચાપ શાંતિથી સાંખી લેવાની સલાહ આપતા રહેલા.
જિરોલામો સાવોનારોલા
ફ્લૉરેન્સ નગરવાસીઓ તેમના પક્ષકાર અને વિરોધીઓ – એમ બે જૂથોમાં વહેંચાઈ ગયા હતા. 1494માં સાવોનારોલા મેડિચી કુટુંબને ફ્લૉરેન્સમાંથી તગેડી મૂકવામાં સફળ બન્યા અને તેઓ ફ્લૉરેન્સના રાજવી બન્યા. ફ્લૉરેન્સને ખ્રિસ્તી પ્રજાસત્તાક બનાવવાની તેમની તમન્ના હતી. પ્રામાણિક અને સ્વચ્છ રાજતંત્ર માટે તેઓ પ્રયત્ન કરવા લાગ્યા. તેમણે ફ્લૉરેન્સમાં લોકશાહીની સ્થાપના કરી અને તેમની સામે ‘અરાબિયાત્તી’ નામે વિરોધપક્ષ પણ સ્થપાયો. આ વિરોધપક્ષે ભ્રષ્ટ પોપ ઍલેક્ઝાન્ડર છઠ્ઠાની સાથે ભેગા મળીને સાવોનારોલાને ઉથલાવવા માટે પ્રપંચ કર્યા.
સાવોનારોલાને અચાનક ભવ્ય સફળતા મળી અને એ ફ્લૉરેન્સના સત્તાધીશ બની ગયા; તેથી પોપ ઍલેક્ઝાન્ડર છઠ્ઠો ચોંકી ગયો અને એને પોતાની મહત્ત્વાકાંક્ષા આડે એ આડખીલીરૂપ જણાયો. આ પોપે ફ્રાંસના રાજા સામે લડવા માટે સાવોનારોલાનો સાથ માગ્યો. (મિલાનના રાજાએ તો આ પોપને આ માટે સાથ આપેલો જ.) પણ સાવોનારોલાએ સાથ આપ્યો નહિ તેથી તેને પકડવા આ પોપે છટકું ગોઠવ્યું. 1495ના જુલાઈની એકવીસમીએ આ પોપે સાવોનારોલાને પત્ર લખીને રોમમાં ઉપદેશ-વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ આપ્યું. આ પત્રમાં પોપે સાવોનારોલાનાં અઢળક વખાણ કર્યાં હતાં; પણ માંદગીનું બહાનું કાઢીને સાવોનારોલા છટકી ગયો. પોતાને સંતોષ થયો છે એવો દેખાવ કરીને એ પોપે સાવોનારોલાને બીજો પત્ર લખ્યો. આ બીજા પત્રમાં પોપે ગલીચ ભાષામાં સાવોનારોલાની સખત ઝાટકણી કાઢી હતી. વળી, ચર્ચની વિધિઓથી સાવોનારોલાની હકાલપટ્ટી કરીને બોલોન્યા ચાલ્યા જવાનો હુકમ પણ તેમાં હતો. મક્કમ રહીને સાવોનારોલાએ આ પત્રનો જવાબ આ પોપને લખ્યો, જેમાં પોપના પત્રમાંથી અઢાર ગંભીર ભૂલો પણ તેમણે ચીંધી બતાવી હતી. પછીથી પોપે સાવોનારોલાને ત્રીજો પત્ર લખ્યો, જેમાં ફ્લૉરેન્સમાં ધર્મોપદેશ કરવા માટે સાવોનારોલા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો; પણ સાવોનારોલાએ આ પ્રતિબંધને ગણકાર્યો નહિ. પછી તો પોપે એમને ‘કાર્ડિનલ’ બનાવવાની દરખાસ્ત મૂકી જોઈ અને એ રીતે પોપે એમને લલચાવી શાંત કરવાનો પ્રયત્ન કરી જોયો. પણ તેઓ માન્યા નહિ. એ અડગ રહ્યા, એમણે કહ્યું, ‘કાર્ડિનલની લાલ ટોપીને મારે શું કરવી છે ? માત્ર પોપનું લાલ લોહી જ મને સંતુષ્ટ કરી શકે.’ આખરે પોપે સાવોનારોલા પર ઉપદેશ આપવાનો પ્રતિબંધ મૂક્યો; પણ લોકો તો એમની સંમોહક વાણી સાંભળવા હંમેશાં આતુર રહેતા અને ફ્લૉરેન્સના રાજવી મેડિચી પરિવારના સભ્યો પણ સહનશીલતા દાખવી એમને સાંભળી રહેતા અને એમને નરમ પડવા માટે સમજાવતા. સાવોનારોલા ખૂબ જ સાદું અને સંયમશીલ જીવન જીવવા ઉપદેશ આપતા. એમને સાંભળીને ફ્લૉરેન્સવાસીઓએ પત્તાં, સોગઠાં, વાજિંત્રો, ગીતો અને કાવ્યોની ચોપડીઓ, રમતગમતનાં અને આનંદ-પ્રમોદનાં ઉપકરણો, સૌંદર્યપ્રસાધનો તેમજ ચિત્રો ને શિલ્પો બાળી મૂક્યાં. જુગાર, સોગઠાંની રમતો, ઘોડદોડ, વેશ્યા-વ્યવસાય, નખરાળાં નાચ ને નાટકો તથા અંગપ્રદર્શન કરતા સ્ત્રીઓના પોશાકો પર પણ તેમણે કડક પ્રતિબંધ મૂકેલો. મેડિચી કુટુંબ ચિત્ર ને શિલ્પ જેવી દેખાડો કરવા માટેની કલા પાછળ અઢળક નાણાં વેડફતું હતું તેની સામે પણ તેમનો ઉગ્ર વિરોધ હતો. કલામાં કામોત્તેજક નગ્ન અને સુંદર માનવ-આકૃતિઓ સામે તેમનો સખત વિરોધ હતો. દુર્ભાગ્યે, લોકશાહીની સ્થાપના તેઓ કરી શક્યા નહિ અને પોતે ફ્લૉરેન્સના નૈતિક રીતે આપખુદ બની રહ્યા. એમને ફ્રેંચ રાજવીઓનું પીઠબળ પણ મળ્યું.
સાવોનારોલાના પટ્ટશિષ્ય ફ્રા દ પેસ્કિયાના એક પરાક્રમથી સાવોનારોલાની પડતીને વેગ મળ્યો. પોપે સાવોનારોલાને ચર્ચની વિધિઓથી બહિષ્કૃત કર્યા એ હુકમ અનૈતિક છે એમ સાબિત કરવા માટે એક નાગરિક અગ્નિમાંથી પસાર થઈ અગ્નિપરીક્ષા આપવા માટે સ્વેચ્છાએ તૈયાર થયો. આ અગ્નિપરીક્ષાનું આયોજન ફ્રા દ પેસ્કિયાએ કરેલું. આ ક્રૂર પ્રયોગ નિહાળવા માટે સુસંસ્કૃત ફ્લૉરેન્સ નગરની સમગ્ર જનતા ઊમટી પડી. પણ આવી ઘાતકી ક્રૂરતા આચરવામાં આવે એ સાવોનારોલાને મંજૂર નહોતું જ; પરંતુ અગ્નિપરીક્ષા આપવા તૈયાર થનારો પેલો માણસ નિશ્ચિત સમયે એ સ્થળે ફરક્યો જ નહિ ! એ ડરનો માર્યો ભાગી ગયો એવા તારણ ઉપર આવી સાવોનારોલાને સર્વાનુમતે વિજયી તો ઘોષિત કરવામાં આવ્યો, પરંતુ પોતાના ચમત્કારનો પરચો સાવોનારોલા બતાવી શક્યા નહિ તેવું કલંક પણ તેને લાગ્યું.
પછી દુષ્ટ પોપ ઍલેક્ઝાન્ડર છઠ્ઠાએ ફ્લૉરેન્સના ધનાઢ્ય વેપારીઓની સાથે ભેગા થઈને મોરચો ઊભો કર્યો અને પોપની ઉપર ખોટા જુઠ્ઠા આક્ષેપ કરવાના ગુના માટે થઈને એમની ધરપકડ કરી. એમને શારીરિક ત્રાસ આપી એમની પાસે બળજબરીથી ગુનો કબૂલ કરાવ્યો. ફ્લૉરેન્સના જે ચોકમાં તેઓ અગાઉ ઉપદેશ આપતા હતા ત્યાં જ 1498માં છેંતાલીસ વરસની ઉંમરે એમના બે નિષ્ઠાવાન શિષ્યો સાથે એમને ફાંસી આપવામાં આવી તથા લટકતી હાલતમાં તે ત્રણેય મડદાંને સળગાવી મૂકવામાં આવ્યાં. ‘દુષ્ટો આ નગરમાં સજ્જનોને ફાંસીને માંચડે ચઢાવીને મારી નાંખશે અને પછી એમનાં મડદાં બાળી નાંખશે. એમ કરતાં પણ એમનાં મૃતદેહોનાં જે અંગો કે ટુકડા બળશે નહિ તેમને તેઓ આર્નો નદીમાં પધરાવી દેશે.’ – સાવોનારોલાની આવી ભેંકાર ભવિષ્યવાણી એમની પોતાની બાબતમાં જ સાચી પડી !
આમ સિદ્ધાંતનિષ્ઠા અને માનવતાવાદની જ્યોત ફ્લૉરેન્સમાં પ્રકટી ખરી, પણ તે જલદી ઓલવાઈ ગઈ. સાવોનારોલાની અસર જોરદાર હોવા છતાં ટૂંકજીવી બની રહી. એથી વિપરીત ત્રાસરૂપ અને આપખુદ મેડિચી કુટુંબનું નામ લિયૉનાર્દો, માઇકેલૅન્જેલો અને રફાયેલો જેવાની શ્રેષ્ઠ કલાને આશ્રય આપવા બદલ અમર બન્યું; છતાં માઇકેલૅન્જેલો સાવોનારોલાનો ચાહક અને પ્રશંસક હતો. એના ઉપદેશોની પ્રતો એ આજીવન વાંચતો રહેલો. સાન્દ્રો બોત્તિચેલી પણ સાવોનારોલાનો અનુયાયી હતો. સાવોનારોલાના ઉપદેશને અનુસરીને બોત્તિચેલીએ પોતે સર્જેલાં કેટલાંક ચિત્રોનો નાશ પણ કરેલો.
મૃત્યુ પછી થોડાં વરસે સાવોનારોલાએ જીવન દરમિયાન કરેલા કહેવાતા ‘ચમત્કાર’ને ચર્ચે માન્યતા આપી અને એમને ‘સંત’ તરીકે કબૂલ કરવામાં આવ્યા. પણ એમણે આપેલાં ઉપદેશ-વ્યાખ્યાનોની પ્રતો વાંચતાં એવું લાગે છે કે તેઓ સીધાસાદા – સાચા માણસ હતા. એમની ઘણીખરી ભવિષ્યવાણીઓ પણ સાચી પડી હતી. દાખલા તરીકે, પોપ ઇનોસંટ આઠમો અને લૉરેન્ઝો મેડિચી – બંને એક જ વર્ષે 1492માં અવસાન પામશે એમ તેમણે ભાખેલું અને એ બંને એ વર્ષે જ મર્યા ! ફ્રાંસનો રાજા ચાર્લ્સ સાતમો ફ્લૉરેન્સ ઉપર ચઢાઈ કરશે તેવી તેમની ભવિષ્યવાણી પણ સાચી પડી.
અમિતાભ મડિયા