સાવરકુંડલા : અમરેલી જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 210 20′ ઉ. અ. અને 710 15′ પૂ. રે.ની આજુબાજુનો 1214.5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકામથક સાવરકુંડલા ભાવનગરથી નૈર્ઋત્યમાં 113 કિમી.ને અંતરે તથા મહુવા બંદરથી વાયવ્યમાં 51 કિમી.ને અંતરે આવેલું છે. સાવરકુંડલા નાવલી નદીને કાંઠે વસેલું છે. તાલુકામથક તાલુકાના પશ્ચિમ ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠજંગલોખેતી : અહીં આવેલી ટેકરીઓની હારમાળા સાવરકુંડલા અને પાલિતાણામાં વિસ્તરેલી છે. અહીંની જમીનો પ્રમાણમાં ખડકાળ તથા હળવી મૂરમવાળી છે. તાલુકામાં ક્યાંક ક્યાંક ફળદ્રૂપ જમીનો પણ છે. તાલુકાની આશરે 5,299 હેક્ટર ભૂમિ જંગલ હેઠળ આવેલી છે. આ જંગલોમાં ઇમારતી લાકડાં, ઇંધન માટેનાં લાકડાં, ગુંદર, મહુડાનાં ફૂલ, આમળાં, અરીઠા, ટીમરુનાં પાન તથા ઘાસ જેવી પેદાશો મળે છે. અહીં થોડા પ્રમાણમાં કપાસ, ઘઉં, મગફળી, ગુવાર જેવી ખેતીની પેદાશો લેવાય છે. ખેડૂતો આવકવૃદ્ધિ માટે પશુપાલન પણ કરે છે.

ઉદ્યોગ વેપાર : તાલુકામથક સાવરકુંડલા આજુબાજુના પ્રદેશના જુદા જુદા માર્કેટયાર્ડ સાથે સંકળાયેલું છે. આ નગર ઊન તેમજ હાથવણાટના કામ માટે જાણીતું છે. અહીં હાથવણાટની ખાદીના એકમો તથા અન્ય નાના પાયાના એકમો કાર્યરત છે.

પરિવહન : સાવરકુંડલા મહુવા, રાજુલા તથા ઢસા સાથે પાકા રસ્તા તેમજ મીટરગેજ રેલમાર્ગથી સંકળાયેલું છે.

વસ્તી : 2001 મુજબ આ તાલુકાની વસ્તી 2,28,490 જેટલી છે, તે પૈકી ગ્રામીણ અને શહેરી વિસ્તારની વસ્તી અનુક્રમે 1,54,745 અને 73,695 જેટલી છે. તાલુકામાં સાક્ષરતાનું પ્રમાણ 75 % જેટલું છે. તાલુકામાં 83 ગામો આવેલાં છે. 1952માં અહીં સર્વપ્રથમ વાર નૂતન કેળવણી મંડળની સ્થાપના થઈ અને શૈક્ષણિક સંસ્થાઓનો પ્રારંભ થયો. 1955માં મહિલા મંડળ જેવી સેવાભાવી સંસ્થાની તથા 1959માં શેઠ કેસુરદાસ કરસનદાસ હૉસ્પિટલની સ્થાપના થઈ. આ રીતે આ નગરનો વિકાસ થવાથી 1963માં મ્યુનિસિપાલિટી પણ કામ કરતી થઈ. સાવરકુંડલા એ તાલુકાનું એકમાત્ર નગર છે, તેની વસ્તી 73,695 (2001) જેટલી છે.

ઇતિહાસ : ઈ. સ. 1400ના અરસામાં કોટિલા જાતિના રાજા ભોજે વાળા જાતિના લોકો પાસેથી કુંડલાનો કબજો મેળવેલો. 1480માં ખુમાણ જાતિના રાજા મુંધરાજે કોટિલાઓ પાસેથી કુંડલા અને મિતિયાલા જીતી લીધેલું. થોડા સમય બાદ આ પ્રદેશ ખસિયા જાતિના લોકોના શાસન હેઠળ આવ્યો. તેમણે 1720 સુધી અહીં શાસન કરેલું; પરંતુ 1720માં ફરીથી ખુમાણોએ તેનો કબજો મેળવી લીધેલો. 1790માં ભાવનગરના રાજવી વખતસિંહજીએ તે જીતી લીધેલું. 1822માં છેવટે તે અંગ્રેજોના તાબા હેઠળ આવ્યું. ગુજરાત રાજ્યની રચના વખતે સાવરકુંડલા ભાવનગર જિલ્લામાં મુકાયેલું, જેનો 1997માં જિલ્લાઓની પુનર્રચના થતાં અમરેલી જિલ્લામાં સમાવેશ કરાયો છે.

નીતિન કોઠારી