સાવરકર વિનાયક દામોદર

January, 2008

સાવરકર, વિનાયક દામોદર (. 23 મે 1883, ભગૂર, તાલુકો દેવળાલી, જિલ્લો નાશિક, મહારાષ્ટ્ર; . 27 ફેબ્રુઆરી 1966, મુંબઈ) : સ્વાતંત્ર્યસેનાની, પ્રખર ક્રાંતિકારક, કટ્ટર હિંદુત્વવાદી, અગ્રણી સાહિત્યકાર તથા સમાજસુધારક. નિકટના વર્તુળમાં ‘તાત્યારાવ’ ઉપનામથી જાણીતા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નાશિક ખાતે. 1901માં મૅટ્રિક થયા અને ઉચ્ચ શિક્ષણ માટે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા, જ્યાંથી 1904માં મુંબઈ યુનિવર્સિટીની પ્રથમ વર્ષ એલએલ.બી.ની તથા 1905માં બી.એ.ની પરીક્ષા પસાર કરી. શ્યામજી કૃષ્ણવર્માની આર્થિક સહાયથી 1906માં બૅરિસ્ટર થવા માટે ઇંગ્લૅન્ડ પ્રયાણ. 1909માં બાર-ઍટ-લૉની પરીક્ષા પસાર કરી, પરંતુ પદવી ગ્રહણ કરવાની સ્પષ્ટ ના પાડી. તે જ વર્ષે મોટા ભાઈ બાબારાવને સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવા બદલ ‘કાલા પાની’ની જન્મટીપની સજા કરવામાં આવી. એક જ પરિવારના બે સગા ભાઈઓને એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે એકસરખી સજા થાય અને બંને ભાઈઓને એકસાથે આંદામાનની સેલ્યુલર જેલમાં ગોંધી રાખવામાં આવે, આવો દાખલો અન્યત્ર જડવો મુશ્કેલ છે.

વિનાયક દામોદર સાવરકર

સ્વાતંત્ર્યસંગ્રામ અને તે પછી જાહેરજીવનની અન્ય પ્રવૃત્તિઓની તેમની સમગ્ર કારકિર્દી ત્રણ કાલખંડોમાં વહેંચવામાં આવે છે : (1) 1895થી 1910, જેમાં ઇંગ્લૅન્ડની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અગ્રસ્થાને રહી હતી; (2) 1920થી 1937, જેમાં બિનરાજકીય પ્રવૃત્તિઓ મોખરે રહી; (3) 1937થી 1966; જેમાં રાજકીય, સામાજિક અને સાહિત્યસર્જનની પ્રવૃત્તિઓનો સમાવેશ હતો.

આમાંથી પ્રથમ કાલખંડ(1895-1910)માં તેમના જીવનમાં ઘટેલી મહત્ત્વની ઘટનાઓમાં પંદર વર્ષની વયે 1898માં સ્વતંત્રતાની દેવી સમક્ષ દેશની સ્વાધીનતા માટે પ્રાણોની આહુતિ આપવા માટે લીધેલી પ્રતિજ્ઞા, વર્ષ 1900માં નાશિક ખાતે યુવાસંગઠન રચવાની પહેલ, 1903માં રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત પ્રથમ કવિતા ‘जयोस्तुते…’ની રચના અને તેની સાથે જ સાહિત્યસર્જનની શરૂઆત, 1904માં ‘અભિનવ ભારત’ ક્રાંતિ-સંગઠનની સ્થાપનામાં સક્રિય ભાગ, 1905માં પુણે નગરમાં વિદેશી કાપડની હોળી કરવામાં ભજવેલ મહત્ત્વની ભૂમિકા, 1907માં લંડન ખાતે 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની ઉજવણીમાં સક્રિય ઉપસ્થિતિ, તે જ વર્ષે ઇટાલીના સ્વાતંત્ર્યસંગ્રામના કર્ણધાર જૉસેફ મૅઝિનીના તેમના દ્વારા લખેલ ચરિત્રનું પ્રકાશન, 1908માં છત્રપતિ શિવાજી મહારાજની જયંતીના ઉત્સવનું લંડન ખાતે આયોજન, 1909માં લંડનમાં મહાત્મા ગાંધીની અધ્યક્ષતામાં દશેરા સંમેલનની ઉજવણી, માર્ચ 1910માં પૅરિસ ખાતે બૉમ્બ બનાવવાની તકનીક જાણવા માટે મુલાકાત દરમિયાન ધરપકડ, જુલાઈ 1910માં બ્રિટિશ સામ્રાજ્યવાદીઓના હાથમાંથી છટકવા માટે ફ્રાન્સના માર્સેઇલ્સ બંદર નજીક જહાજના શૌચકૂપમાંથી દરિયામાં મારેલી ઐતિહાસિક છલાંગ અને ડિસેમ્બર, 1910માં ‘કાલા પાની’ની જન્મટીપની કઠોર શિક્ષાની જાહેરાત જેવી ઘટનાઓ ઉલ્લેખનીય છે.

1906-10ના ચાર વર્ષના ઇંગ્લૅન્ડ ખાતેના તેમના નિવાસ દરમિયાન સાવરકરે અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો; જેમાં બૉમ્બ બનાવવાની તકનીકની જાણકારી મેળવી ભારતના ક્રાંતિકારીઓને તેની માહિતી મોકલવાની પ્રવૃત્તિ; પિસ્તોલ અને રિવૉલ્વર જેવાં શસ્ત્રોની ખરીદી અને છૂપી રીતે પુસ્તકોનાં પાર્સલોમાં તેમની ભારતમાં રવાનગી; ક્રાંતિકારીઓની સભાઓ, વ્યાખ્યાનો, ચર્ચાસભાઓનું ઇન્ડિયા હાઉસ લંડન ખાતે આયોજન વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓમાં તેમને જે ભારતીયોનો સાથસહકાર સાંપડ્યો હતો તેમાં શ્યામજી કૃષ્ણવર્મા, માદામ ભિખાઈજી કામા અને મદનલાલ ધ્રિંગ્રા (જેને જુલાઈ, 1909માં કર્નલ વાયલીની હત્યા કરવાના આરોપસર ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવેલા.) વગેરેનો સમાવેશ થાય છે. આ સમગ્ર કાલખંડમાં પોલીસની તેમના પર ચાંપતી નજર રહેતી હતી, છતાં કોઈ પણ પ્રવૃત્તિમાં તેમની સંડોવણીના પ્રત્યક્ષ પુરાવા પોલીસ મેળવી શકી ન હતી.

બીજા કાલખંડના 4 જુલાઈ, 1911થી 2 મે, 1921ના ગાળામાં સાવરકરને આંદામાનની સેલ્યુલર જેલની એકલ કોટડીમાં ગોંધી રાખવામાં આવ્યા હતા અને તેના ઉત્તરાર્ધમાં જેલમાંની તેમની કેટલીક પ્રવૃત્તિઓના સંદર્ભમાં તેમની પાસેથી કઠોર શારીરિક શ્રમ કરાવવામાં આવતો હતો; જેમાં જેલની ઘાણી ચલાવવાનું કામ મુખ્ય હતું. આ ઉપરાંત, અન્ય ખૂંખાર કેદીઓની જેમ સાવરકર પર પણ આત્યંતિક ત્રાસ અને યાતના ગુજારવામાં આવતાં હતાં. તેમ છતાં સાવરકરે પોતાનું મનોબળ જરા પણ વિચલિત થવા દીધું ન હતું અને તેમણે જેલમાં પણ કેટલીક રાજકીય સ્વરૂપની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી; દા.ત., કેદીઓમાં ભારતની સ્વતંત્રતાનો પ્રસાર-પ્રચાર, કેદીઓ પરના જુલમોનો વિરોધ અને તે માટે ભૂખહડતાળ અને સામૂહિક પ્રદર્શન, સાહિત્યસર્જન વગેરે. મરાઠીમાં રચેલું ‘કમલા’ શીર્ષક હેઠળનું તેમનું મહાકાવ્ય આ જ કાલખંડમાં સેલ્યુલર જેલની એકલ કોટડીમાં નિર્માણ પામેલું. લખવાનાં સાધનોના અભાવે તેઓ ખીલી જેવી કોઈ અણીદાર વસ્તુથી દરરોજ બે પંક્તિઓ કોટડીની દીવાલ પર કોતરતા, પછી તે પંક્તિઓ ગોખી નાંખતા અને ત્યારબાદ તે ભૂંસી નાંખી નવી પંક્તિઓ રચતા. સમગ્ર મહાકાવ્ય રચવાની પ્રક્રિયા પૂરી થઈ ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહી હતી. આત્યંતિક યાતનાઓના શિકાર બની રહેલા કોઈ દેશભક્તે આંદામાન જેવા કઠોર કારાવાસ દરમિયાન આવી રીતે, વિચક્ષણ ગણાય તેવું સાહિત્યસર્જન કર્યું હોય એવો બીજો દાખલો વિશ્વના ઇતિહાસમાં જડવો મુશ્કેલ છે.

મે, 1921માં બંને સાવરકર બંધુઓને આંદામાનથી ભારત લાવવામાં આવ્યા અને તેમને લગભગ એક વર્ષ સુધી (1921-22) ક્રમશ: બંગાળની અલિપુર જેલમાં તથા મુંબઈ ઇલાકા હસ્તકની રત્નાગિરિ જેલમાં પૂરી રાખવામાં આવ્યા હતા. થોડાક સમય માટે તેમને પુણેની યેરવડા જેલમાં પણ રાખવામાં આવ્યા હતા. 1924ના જાન્યુઆરી માસમાં બે શરતોને આધીન વીર સાવરકરને રત્નાગિરિ ખાતે સ્થાનબદ્ધ કરવામાં આવ્યા : (1) રાજકારણમાં ભાગ લેવાનો નહિ; (2) રત્નાગિરિ જિલ્લાની સરહદની બહાર જવાનું નહિ. અહીંથી સાવરકરની સમાજસુધારણાની પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો.

માર્ચ, 1927ની પહેલી તારીખે રત્નાગિરિ ખાતે મહાત્મા ગાંધી અને વીર સાવરકરની મુલાકાત થઈ, પરંતુ બંને વચ્ચે થયેલ ચર્ચામાંથી કશું નીપજી આવ્યું નહિ. નવેમ્બર, 1930માં સાવરકરના નેતૃત્વ હેઠળ રત્નાગિરિ ખાતે સવર્ણો અને અસ્પૃશ્યોનું પ્રથમ સમૂહભોજન યોજવામાં આવ્યું; જેમાં માત્ર પુરુષોએ જ ભાગ લીધો હતો. સપ્ટેમ્બર, 1931માં આવી જ રીતે મહિલાઓનું સમૂહભોજન પણ આયોજિત કરવામાં આવ્યું હતું. તે પૂર્વે ફેબ્રુઆરી માસમાં રત્નાગિરિના પતિતપાવન મંદિરમાં અસ્પૃશ્યોને સાવરકરની દોરવણી હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો. તે જ અરસામાં રત્નાગિરિ ખાતે અસ્પૃશ્યતા નિવારક સંઘનું છઠ્ઠું અધિવેશન આયોજિત કરવામાં આવ્યું, જેના અધ્યક્ષસ્થાને વીર સાવરકરની વરણી થઈ હતી.

મે, 1937માં સ્થાનબદ્ધતામાંથી સાવરકરને બિનશરતી મુક્તતા આપવામાં આવી. ત્યારબાદ અલગ અલગ ઠેકાણે યોજવામાં આવેલાં કેટલાંક સંમેલનોમાં અધ્યક્ષ તરીકે તેમણે હાજરી આપી હતી જેમાં અખિલ ભારતીય હિંદુ મહાસભા (ડિસેમ્બર, 1937), અખિલ ભારતીય મહારાષ્ટ્ર સાહિત્ય સંમેલન (એપ્રિલ, 1938) તથા સાંગલી ખાતે આયોજિત અખિલ મહારાષ્ટ્ર નાટ્યશતાબ્દી મહોત્સવ(નવેમ્બર, 1945)નો સમાવેશ થાય છે.

જૂન, 1940માં સુભાષચંદ્ર બોઝે સાવરકરના મુંબઈ ખાતેના નિવાસસ્થાને તેમની ઓચિંતી મુલાકાત લીધી હતી અને એવું કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝની કોલકાતાના તેમના નિવાસસ્થાનેથી ગુપ્ત રીતે ગુમ થઈ જર્મની ભાગી જવાની યોજના સાવરકર-બોઝ વચ્ચેની આ મુલાકાત દરમિયાન ઘડવામાં આવી હતી.

મહાત્મા ગાંધીની હત્યા બાદ, 1948માં તહોમતદારોમાં સાવરકરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરી અન્ય અભિયુક્તો સાથે તેમના પર પણ ગાંધીહત્યાના સંદર્ભમાં કામ ચલાવવામાં આવ્યું હતું; પરંતુ સેશન્સ જજના ફેબ્રુઆરી, 1949માં આપેલ ચુકાદામાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. એપ્રિલ, 1950માં પાકિસ્તાનના પંતપ્રધાન લિયાકતઅલીખાંની મુલાકાત લેવા બદલ સાવરકરની ધરપકડ કરવામાં આવી હતી. આ તેમની છેલ્લી ધરપકડ હતી. મે, 1958માં તેમના અમૃત મહોત્સવ નિમિત્તે મુંબઈ નગરપાલિકા દ્વારા તેમનો જાહેર સત્કાર કરવામાં આવ્યો. તે જ અરસામાં મુંબઈ યુનિવર્સિટીએ તેમને તેમની બી.એ.ની ઉપાધિ, જે બ્રિટિશ શાસનકાળ દરમિયાન જપ્ત કરવામાં આવી હતી તે ફરી વાર તેમને એનાયત કરવામાં આવી. ઑક્ટોબર, 1959માં પુણે વિદ્યાપીઠે તેમને ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’ની માનાર્હ પદવી અર્પણ કરી. તે પૂર્વે ઑગસ્ટ, 1943માં નાગપુર વિશ્વવિદ્યાલયે પણ ‘ડી.લિટ્.’ની માનાર્હ પદવી દ્વારા તેમનું ગૌરવ કર્યું હતું. ઑક્ટોબર, 1964માં ભારત સરકારે માસિક રૂપિયા 300ના પેન્શન દ્વારા તેમનું સન્માન કર્યું હતું. ફેબ્રુઆરી, 1966માં તેમણે સ્વૈચ્છિક રીતે અન્નજળનો ત્યાગ કર્યો, જેના 26 દિવસ બાદ તેમણે 83 વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો.

સાવરકરની હિંદુત્વ અંગેની વિભાવના ખૂબ જ વ્યાપક હતી. જે લોકો આસેતુહિમાચલ ભારતમાં વસતા હોય અને જે લોકો હિંદુસ્તાનને પિતૃભૂ અને પુણ્યભૂ તરીકે સ્વીકારે છે તે બધા જ ‘હિંદુ’ છે અને તે દરેકને સ્વતંત્ર હિંદુસ્તાનમાં નાગરિકત્વનો સમાન દરજ્જો મળવો જોઈએ, પછી ભલે તે ગમે તે ધર્મના અનુયાયી કેમ ન હોય ! તેઓ અસ્પૃશ્યતાના કટ્ટર વિરોધી હતા તથા હિંદુ ધર્મમાં દાખલ થયેલા કુરિવાજો અને અનિષ્ટોને વખોડી કાઢતા હતા. તેઓ ભાષાશુદ્ધિના હિમાયતી હતા, જેના માટે મહારાષ્ટ્રમાં તેમણે ઝુંબેશ ઉપાડી હતી. મૂડીપતિઓ અને શ્રમજીવીઓ વચ્ચે સુમેળ અને સમન્વયની ભાવના હોવી જોઈએ અને તેમની વચ્ચેના વિવાદોનું નિરાકરણ વાટાઘાટો દ્વારા થવું જોઈએ, સંઘર્ષ દ્વારા નહિ, એમાં તેમનો દૃઢ વિશ્વાસ હતો. આ સંદર્ભમાં જ છેક 1939માં તેમણે ‘ઔદ્યોગિક પંચાયત’ની વિભાવના પ્રસ્તુત કરી હતી. ભારતનું લશ્કરી સામર્થ્ય સતત વધવું જોઈએ અને તે માટે યુવાનોએ મોટી સંખ્યામાં લશ્કરમાં ભરતી થવું જોઈએ એના તેઓ પ્રખર હિમાયતી હતા. તિબેટ અંગે ચીનના નાપાક ઇરાદાઓનું તેમણે ઘણા વખત પહેલાં પૂર્વાનુમાન કર્યું હતું.

એક ચિંતનશીલ, ધ્યેયનિષ્ઠ સાહિત્યકાર તથા કવિ તરીકે મરાઠી સાહિત્યમાં તેમનું સ્થાન મોખરાનું છે. ‘કમલા’ મહાકાવ્ય ઉપરાંત તેમની સ્ફુટ કાવ્યરચનાઓ સંગ્રહબદ્ધ થયેલી છે. ગદ્યસાહિત્યમાં ‘માઝી જન્મઠેપ’ (ગુજરાતી અનુવાદ ‘મારી જનમટીપ’) તથા ‘1857નો સ્વાતંત્ર્યસંગ્રામ’ તેમના જાણીતા ગ્રંથો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે