સાવરણીનો રોગ : બાજરીને ફૂગ દ્વારા થતો એક પ્રકારનો રોગ. કેટલાક વિસ્તારોમાં આ રોગને પીંછછારો કે કુતુલ પણ કહે છે અને તે Sclerospora graminicola (Sacc.) Schroet. નામના રોગજન (pathogen) દ્વારા થાય છે.

આ રોગ ભારત તેમજ દુનિયાના બાજરી ઉગાડતા દેશોમાં જોવા મળે છે. બાજરીની સુધારેલ વધુ ઉત્પાદન આપતી જાતોને નુકસાન પહોંચાડે છે. સંકર જાતોમાં રોગને અનુકૂળ વાતાવરણ મળતાં પાક 100 % નિષ્ફળ ગયેલો પણ નોંધાયેલ છે.

રોગનાં ચિહ્નો : સૌથી સ્પષ્ટ ચિહ્નો ડૂંડાંઓમાં જોવા મળે છે; જેઓ લીલાં અને પર્ણ જેવાં બને છે; તેથી આ રોગને લીલા ડૂંડાનો રોગ (green ear disease) કહે છે. તેનો બાહ્ય દેખાવ સાવરણી કે પીંછી જેવો લાગતો હોવાથી તેને સાવરણીનો રોગ કે પીંછછારો કહે છે. દૃઢલોમો (bristles), પુંકેસરો અને સ્ત્રીકેસરચક્ર લીલાં અને પર્ણ જેવાં બને છે. કેટલીક વાર ડૂંડાનો કોઈ એક ભાગ અસરગ્રસ્ત બને છે; બાકીનો ભાગ સઘન રહે છે. છોડ વામન બને છે. પર્ણો ઉપર હરિમાહીન (chlorotic) ટપકાંઓ ઉત્પન્ન થાય છે. ચેપગ્રસ્ત પર્ણો અને શાખાઓ મરડાય છે. શાખાઓ ટૂંકી અને હરિમાહીન બને છે. પાકની કોઈ પણ અવસ્થામાં આ ફૂગ રોગ કરી શકે છે.

રોગચક્ર : રોગજન ફૂગ મૃદાજન્ય (soil-borne) કે બીજજન્ય હોય છે. મૃદાજન્ય અંડબીજાણુઓ(oospores)ની જીવનક્ષમતા (viability) 8 માસથી 10 વર્ષ જેટલી હોય છે. આ દરમિયાન તે સુષુપ્તાવસ્થામાં રહે છે. પશુઓ રોગિષ્ઠ બાજરીનો ચારો ખાધા બાદ તેના છાણ સાથે અંડબીજાણુઓ બહાર આવી રોગ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ફૂગનાં અંડબીજાણુઓ બીજ સાથે ચોંટેલાં રહે છે. બીજની સપાટી પર વિકસેલી કવકજાળ બીજમાં પ્રવેશ કરી જીવંત રહે છે. અંડબીજાણુઓ યજમાન બીજાંકુરના મૂળરોમો કે ભ્રૂણાગ્રચોલ(coleoptile)ને ચેપ લગાડી પ્રાથમિક ચેપ(primary infection)નો પ્રારંભ કરે છે અને ચેપ ઝડપથી સર્વાંગી (systemic) બને છે. હરિમાહીન પર્ણોની નીચેની સપાટીએ ‘મૃદુરોમિલ વૃદ્ધિ’ (downy growth) થાય છે. ઝાકળવાળી રાત્રીઓએ મોટેભાગે રાત્રીના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા દરમિયાન આ વૃદ્ધિ થાય છે. પર્ણોની નીચેની સપાટીએ ફૂગના બીજાણુઓ ચૂર્ણ-સ્વરૂપે એકત્રિત થાય છે. તેથી બાજરીની આ અવસ્થાના રોગને ‘તળછારો’ (downy mildew) કહે છે. બીજાણુઓ અન્ય યજમાન વનસ્પતિઓ પર આક્રમણ કરી દ્વિતીયક ચેપ (secondary infection) લગાડે છે. અંડબીજાણુઓનું સર્જન ઋતુને અંતે થાય છે અને હરિમાહીન, બદામી અને ઊતકક્ષયી (necrotic) ટપકાંઓના આંતરશિરીય વિસ્તારો પૂરતું સીમિત હોય છે. અંડબીજાણુઓ મૃદામાં પ્રવેશે છે. આ ફૂગ કાંગ (Setaria italica) નામના ઘાસને પણ ચેપ લગાડે છે; પરંતુ પુનરાવૃત્તિ(recurrence)માં તેનો શો ફાળો છે તેની માહિતી પ્રાપ્ય નથી.

નિયંત્રણ : (1) ચેપગ્રસ્ત છોડનો ઝડપી નિકાલ કરી બાળી નાખવામાં આવે છે.

(2) રોગપ્રતિકારક જાતો જેવી કે જી.એચ.બી. 526 અને જી.એચ.બી. 577નું વાવેતર કરવામાં આવે છે.

(3) બાજરીના દાણાની વાવણી પહેલાં એપ્રોન 35 એસડી 6 ગ્રા./ કિગ્રા. બીજના દરે અથવા રીડોમીલ એમઝેડ 8 ગ્રા./કિગ્રા. બીજના દરે ફૂગનાશકોનો પટ આપવામાં આવે છે.

(4) રોગ જણાય કે તરત જ રીડોમીલ એમઝેડ 2 ગ્રા./લિ. પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવામાં આવે છે. આ જ ફૂગનાશકનો બીજો છંટકાવ 15 દિવસ બાદ કરવામાં આવે છે.

હિંમતસિંહ એલ. ચૌહાણ

બળદેવભાઈ પટેલ