સાવરકરનો પ્રત્યાર્પણનો કેસ

January, 2008

સાવરકરનો પ્રત્યાર્પણનો કેસ : પ્રત્યાર્પણના પ્રશ્ર્ને ચાલેલો સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર(1883-1966)નો કેસ. તેની હકીકત આ પ્રમાણે છે : સાવરકર ભારતના નાગરિક હતા અને તે રૂએ બ્રિટિશ પ્રજાજન પણ હતા. રાજદ્રોહ અને ખૂનમાં મદદગારી કરવાના ગુના માટે કામ ચલાવવા તેમને પી. ઍન્ડ ઓ. કંપનીની ‘મોરિયા’ સ્ટીમરમાં ભારત લાવવામાં આવતા હતા. 25મી ઑક્ટોબર, 1910ને દિવસે ફ્રાન્સના માર્સેઇલ્સ બંદરે સ્ટીમર લંગર નાખી ઊભી હતી, ત્યારે સાવરકર તે સ્ટીમરના સંડાસની બખોલમાંથી દરિયામાં કૂદી તેના કબજામાંથી છટક્યા. દરિયાકાંઠા પરના એક ફ્રેન્ચ પોલીસે તેમને પકડીને પ્રત્યાર્પણની પ્રક્રિયા વગર જ બ્રિટિશ કંપનીની સ્ટીમરને સોંપી દીધા. સાવરકર રાજદ્વારી ગુનેગાર હતા; તેથી ફ્રાન્સે એવી માગણી કરી કે, બ્રિટને સાવરકરને ફ્રાન્સને પાછા સોંપવા જોઈએ અને ઔપચારિક રીતે પ્રત્યાર્પણની માગણી કરવી જોઈએ. બ્રિટનને ફ્રાન્સની આ માગણી મંજૂર ન હતી. બંને દેશોની સંમતિથી આ પ્રશ્ન હેગની કાયમી લવાદી અદાલતને સોંપાયો.

લવાદી અદાલતે ફેંસલામાં ઠરાવ્યું કે, ફ્રાંસની ભૂમિ ઉપરથી ગુનેગારને પ્રત્યાર્પણ વગર સોંપવાનું ફ્રેન્ચ પોલીસનું કૃત્ય અનિયમિત છે, છતાં પણ પ્રથમ ધરપકડ કરનાર રાજ્યના કબજામાં ગુનેગાર હોઈ પરદેશી કર્મચારીની ભૂલથી પાછો સોંપાઈ જાય પછી, પ્રત્યાર્પણની પ્રક્રિયા કરવા તેને જે દેશમાંથી ફરીથી પકડ્યો હોય ત્યાં સોંપવો જોઈએ એવો કોઈ આંતરરાષ્ટ્રીય નિયમ નથી. વધુમાં લવાદી અદાલતે ઠરાવ્યું કે, આ સોંપણીથી ફ્રાન્સની સાર્વભૌમિકતાનો કોઈ ભંગ થતો નથી.

પ્રત્યાર્પણનો સિદ્ધાંત : સામાન્ય રીતે જ્યાં ગુનો ગંભીર અને સાર્વજનિક મહત્ત્વનો હોય ત્યાં જ પ્રત્યાર્પણ માગવામાં આવે છે.

કયા ગુનાઓને પ્રત્યાર્પણજોગ ગુનાઓ ગણવા તે રાજ્યો વચ્ચેની સંધિથી સ્પષ્ટ કરી લેવામાં આવે છે.

પ્રત્યાર્પણના ક્ષેત્રમાં બે વિશિષ્ટ શરતો નીચે પ્રમાણેની છે :

(1) દ્વિવિધ અપરાધિતતાની શરત : ગુનેગારની પ્રત્યાર્પણની આંતરરાષ્ટ્રીય પ્રક્રિયાઓમાં ઘણાં રાજ્યો આ સિદ્ધાંતને પાયાના સિદ્ધાંત તરીકે સ્વીકારે છે. આ સિદ્ધાંત દ્વારા એમ ઠરાવ્યું છે કે, જે ગુના માટે એક રાજ્ય બીજા રાજ્ય પાસે ગુનેગારનો કબજો માગતું હોય તે ગુનો ગુનેગારનો કબજો માગનાર રાજ્ય અને ગુનેગારે ગુનો કરી જ્યાં આશ્રય લીધો હોય તે બંને રાજ્યોના પ્રચલિત કાનૂન પ્રમાણે શિક્ષાપાત્ર ગુનો હોવો જોઈએ અને જો તેમ હોય તો જ ગુના માટે પ્રત્યાર્પણ માંગી શકાય.

(2) પ્રત્યાર્પણની શરત તરીકે વિશેષતાનો સિદ્ધાંત : પ્રત્યાર્પણ માટે બીજો માન્ય સિદ્ધાંત વિશેષતાનો સિદ્ધાંત કહેવાય છે. આ સિદ્ધાંત પ્રમાણે પ્રત્યાર્પણની માગણી કરનાર રાજ્યને એક વાર ગુનેગારની સોંપણી થઈ જાય પછી જે ગુના માટે પ્રત્યાર્પણ માગવામાં આવ્યું હોય, તે જ ગુના માટે તે ગુનેગાર ઉપર કામ ચલાવી શકે છે.

એન. એન. બૂચ