સાવયધમ્મ દોહા (શ્રાવક-ધર્મ દોહા)

January, 2008

સાવયધમ્મ દોહા (શ્રાવકધર્મ દોહા) : વિ. સં. 990 લગભગ માળવાની ધારાનગરીમાં દિગમ્બર મુનિ દેવસેન દ્વારા રચાયેલ અપભ્રંશ દોહાસંગ્રહ. તેમાં જૈન ધર્મના ગૃહસ્થોનાં કર્તવ્યોનું વર્ણન છે. દેવસેન સંસ્કૃત અને પ્રાકૃતના પંડિત હતા. સાવયધમ્મ દોહા ઉપરાંત તેમણે સંસ્કૃતમાં ‘આલાપપદ્ધતિ’ અને પ્રાકૃતમાં ‘દર્શનસાર’, ‘આરાધનાસાર’, ‘તત્ત્વસાર’ અને ‘ભાવસંગ્રહ’ નામના ગ્રંથો પણ લખ્યા છે.

‘સાવયધમ્મ દોહા’માં શ્રાવકો, અર્થાત્, જૈન ગૃહસ્થોનાં યોગ્ય કર્તવ્યોનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ અને દુર્જનસ્મરણ છે. ત્યારપછી શ્રાવક ધર્મના ભેદ, સમ્યક્ત્વ-પ્રાપ્તિનાં સાધન, અનેક દોષોનો ત્યાગ, રાત્રિભોજનનિષેધ, અહિંસાવ્રતનું પાલન વગેરેનું વિધાન કરવામાં આવ્યું છે. ગૃહસ્થોને દાનની મહત્તા સમજાવતાં ધર્મપાલન; ઇન્દ્રિયનિગ્રહ; મન, વચન અને શરીરની શુદ્ધિ તથા ઉપવાસ-વ્રત વગેરેનું પાલન કરીને પાપ-પુણ્યના બંધનમાંથી છુટકારો મેળવી કર્મનાશ દ્વારા સુખ પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. લેખક જૈનધર્માવલંબી હતા, આથી તેમણે ગૃહસ્થોને જિનભગવાનની પૂજા અને જિનમંદિરોના નિર્માણનો પણ આદેશ આપ્યો છે.

ઉત્તરકાલીન અપભ્રંશ ભાષામાં રચાયેલ આ દોહાની ભાષા સરળ અને રોચક છે. અનેક હૃદયસ્પર્શી ષ્ટાંતો તથા સુભાષિતો દ્વારા ભાવની અભિવ્યક્તિ કરવામાં આવી છે. પ્રતિપાદ્ય વિષયને સ્પષ્ટ કરવા માટે લેખકે દૈનંદિન જીવન સાથે સંકળાયેલ કહેવતો, અલંકારો ઇત્યાદિનો પ્રયોગ કર્યો છે.

રમણીક શાહ