સાવજી સલમાન (જ. ?; અ. 1376) : ખ્વાજા જમાલુદ્દીન સલમાન ફારસીમાં કસીદા રચનાની પ્રાચીન પરંપરાના છેલ્લા કવિ. તેમના અવસાન બાદ ઈરાનમાં સફવી વંશનું રાજ્ય સ્થપાતાં માત્ર ધાર્મિક પ્રકારનાં પ્રશંસાકાવ્યોની રચનાનો યુગ શરૂ થયો અને બાદશાહો તથા અમીર-ઉમરાવોની પ્રશંસા લખવાની પરંપરા મહદ્અંશે અંત પામી. તેમણે કસીદાકાવ્યો ઉપરાંત ગઝલ, મુક્તક, રુબાઈ તથા મસ્નવી કાવ્યો પણ લખ્યાં હતાં. તેમની વિદ્વત્તા અને કવિતાકળાની પ્રશંસા તેમના સમકાલીન અને સૌથી મહાન ગઝલ-લેખક ખ્વાજા હાફિજ શીરાઝીએ (1325-1388) પણ કરેલી અને તેમને શ્રેષ્ઠ અંજલિ આપેલી.
સલમાન સાવજીના પિતા ખ્વાજા અલાઉદ્દીન મુહમ્મદ એક વિદ્વાન પુરુષ અને સાવા નામના નગરના દીવાન એટલે કે વહીવટદાર હતા. પિતા દ્વારા સલમાન સાવજીને રાજ્ય-દરબારોના સંપર્કમાં આવવાની તક મળી હતી. તેમણે ચૌદમા સૈકાના ઈરાન તથા ઇરાકનાં વિવિધ ખાનદાનોના સુલતાનો અને તેમના વજીરોની સોબત મેળવી હતી અને જલાયિરી, ઈલ્કાની તથા મુઝફ્ફરી વંશોના રાજવીઓની પ્રશંસામાં કસીદાકાવ્યો લખ્યાં હતાં. આવા રાજવીઓમાં સુલતાન અબૂસઈદના વજીર ખ્વાજા ગ્યાસુદ્દીન મુહમ્મદ, શેખ હસન બુઝુર્ગ, દિલશાહ ખાતૂન, સુલતાન ઉવૈસ, સુલતાન હુસેન અને શાહ શુજા નોંધપાત્ર છે. આ રાજવીઓની સોબતમાં રહી સલમાને બગદાદ તથા તબ્રીઝ શહેરમાં ચાલીસ વર્ષો સુધી પોતાની કવિતાકળાને ઓપ આપ્યો હતો. તેમના કસીદાઓમાં સમકાલીન ઘટનાઓ તથા પ્રસંગોનો ઉલ્લેખ મળે છે. આ રીતે તેમનાં કસીદાકાવ્યો ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવે છે. તેમના દીવાનમાં સુલતાનોની પ્રશંસા ઉપરાંત હમ્દ (ઈશ્વરસ્તુતિ) અને પયગંબરસાહેબ તથા ઇમામોની – (પ્રશંસા) પણ જોવા મળે છે.
પોતાના સમયની રાજકીય ઊથલપાથલોને લઈને સલમાનને આર્થિક રીતે સહન કરવું પડ્યું હતું, પરંતુ જલાયિરીઓના આશ્રય હેઠળ તેમણે શાંતિ તથા સંપત્તિ પણ પ્રાપ્ત કરી હતી. સલમાને કસીદા-રચનામાં પોતાના પુરોગામી કવિઓ મિનુરહરી કમાલુદ્દીન ઇસ્માઇલ, ઝહીરી ફારયાબી તથા અનવરી જેવાનું અનુકરણ કર્યું હતું. સલમાને કસીદાઓની પ્રસ્તાવનામાં ગઝલના રંગમાં જે પરંપરાગત પંક્તિઓ કહી છે તે પ્રેમકાવ્ય અથવા ઊર્મિકાવ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે અને તેનાથી ખ્વાજા હાફિજ શીરાઝી પણ ઘણા પ્રભાવિત થયા હતા. સલમાને કસીદા ઉપરાંત તરજી-બંદ, તરકીબ-બંદ વગેરે સ્વરૂપોમાં પણ કાવ્યો લખ્યાં હતાં. તેઓ અલંકાર અને છંદ:શાસ્ત્રમાં પ્રવીણ હતા. તેઓ સૂફી વિચારોથી પણ પ્રભાવિત થયા હતા અને અવારનવાર પોતાનાં કાવ્યોમાં તે વ્યક્ત કરતા હતા. તેમણે કસીદાઓમાં પ્રશંસા ઉપરાંત બોધ તથા શિખામણને પણ સ્થાન આપ્યું હતું. પોતાના બગદાદના નિવાસ દરમિયાન ત્યાંના નૈસર્ગિક સૌંદર્યને પણ તેમણે કાવ્યોમાં મઢી લીધેલું. તેઓ પોતાના જીવન દરમિયાન સમકાલીન કવિઓ – સાહિત્યકારો સાથે પત્રવ્યવહાર અને કાવ્યોની આપલે પણ કરતા હતા. તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ હતી. તેમણે પોતાના છેલ્લા દિવસો સાવામાં એકાંતમાં કાઢ્યા હતા.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી