સાલ (નદી) : જર્મનીમાં આવેલી એલ્બ નદીને ડાબે કાંઠે મળતી સહાયક નદી. તેની લંબાઈ 426 કિમી. જેટલી છે, તે 23,737 ચોકિમી. જેટલો સ્રાવ-વિસ્તાર આવરી લે છે. પશ્ચિમ જર્મનીના ઊંચાણવાળા ફિશ્તેલ્જબર્ગ વિભાગમાંથી તે નીકળે છે, ત્યાંથી તે ઉત્તર અને વાયવ્ય તરફ વહે છે. તેને કાંઠે આવેલાં પૂર્વ જર્મનીનાં સાલફેલ્ડ, રુડોલસ્ટૅડ, જેના, નૉમબર્ગ અને નિયેમબર્ગ સ્થળો નજીકથી પસાર થઈને બાર્બીના ઉપરવાસ ખાતે તે એલ્બ નદીને મળે છે. શરૂઆતમાં તે વનવિસ્તારમાં વહીને પૂર્વ જર્મનીના ઇતિહાસપ્રસિદ્ધ જૂના રાજ્ય થુરિન્જિયાને વીંધે છે. અહીં તે થુરિન્જિયન કે સેક્સોનિયન સાલ નામથી ઓળખાય છે, ત્યાંથી તે રમણીય કિલ્લાઓ નજીકની ઊંડી ખીણોમાં પ્રવેશે છે.

આ નદીના હેઠવાસના ફળદ્રૂપ પ્રદેશમાં ઘઉં, જવ, શર્કરાકંદ(sugar beets)ની પેદાશો લેવાય છે. માલવાહક નૌકાઓની અવરજવર થોડા અંતર સુધી થઈ શકે છે. નદીના ઉપરવાસમાં બે બંધ બાંધવામાં આવેલા છે, તેનાં જળાશયોની મદદથી (જળ)વિદ્યુત મેળવાય છે. ત્યાં પ્રવાસીઓની અવરજવર પણ રહે છે. સાલની મુખ્ય સહાયક નદીઓમાં પશ્ચિમ તરફ ઇલ્મ અને ઉનસ્ત્રત તથા પૂર્વમાં વાઇટ નદીઓનો સમાવેશ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા