સાલબેગ (16મી-17મી સદી) : ઓરિસાના સંત. તેઓ જન્મે પઠાણ હતા. તેમના પિતા સૂબેદાર જહાંગીર કુલીખાન અથવા લાલબેગ હતા અને માતા પુરી જિલ્લાના ડંડા મુકુંદપુર ગામનાં હિંદુ વિધવા હતાં. સાલબેગની નાની વયે લાલબેગનું અવસાન થતાં તેમનાં માતાએ તેમને ઉછેર્યા.

સુલતાન જહાંગીરે લાલબેગને સૂબેદાર તરીકે ઓરિસાનો હવાલો સોંપેલો અને તે હિંદુ ધર્મસ્થાનોનો વિરોધી હતો. 1608ના યુદ્ધમાં તે હણાયો હતો. 1620-22ની લડાઈમાં સાલબેગ પણ ઘવાયો હતો. તે વખતે ઓરિસાનો સૂબેદાર મિરઝા એહમદ બેગ અત્યાચારી હતો, જેના હાથે જગન્નાથ મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

દંતકથા એવી છે કે એક વખત જ્યારે સાલબેગ બીમાર પડ્યો ત્યારે તેમની માતાએ તેને ભગવાન જગન્નાથના આશીર્વાદ આપ્યા હતા અને સાલબેગને સ્વપ્ન આવ્યું કે કૃષ્ણ આવ્યા અને તેની બાજુમાં બેઠા. તેની બીજી સવારથી તેમની તબિયત સુધરી અને તેમણે તેમના સ્વપ્નની વાત તેમની માતાને જણાવી. આ જાદુઈ ઘટના સાથે તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. તેઓ પછી વૈષ્ણવ સંન્યાસીનું જીવન જીવવા લાગ્યા. દૂર-સુદૂરનાં સ્થળોએ પર્યટન કર્યા બાદ પુરીમાં સ્થિર થયા અને ભગવાનની સેવામાં તેમની જાતને સમર્પિત કરી.

સાલબેગ જશોવંતદાસ અને શ્યામાનંદ ગોસ્વામીના અનુયાયી હતા. ભગવાન જગન્નાથની પ્રશંસાનાં તેમનાં ગીતો ઊર્મિકાવ્યનું લાવણ્ય અને મોહકતામાં સર્વોત્તમ છે અને દયાથી ભાવસમાધિ સુધી પહોંચે છે. તેમનાં આ બધાં ઊર્મિકાવ્યો ઓરિસામાં અત્યંત લોકપ્રિય છે અને ભજનો તરીકે ગવાય છે. શબ્દોની રમત કે આડંબરથી મુક્ત તે સરળ શૈલીમાં છે. તેમનું અત્યંત લોકપ્રિય પ્રેરણાદાયી ભક્તિગીત ‘આહે નિલા સૈલા પ્રબળ મત્તા બરના’ પુરી મંદિરમાં હજારો લોકો ગાય છે. જાત અને પંથથી પર એવો માનવપ્રેમ તેમનો ધર્મ હતો, અને તેમનાં ઊર્મિકાવ્યો માનવવર્તન અને આધ્યાત્મિક પ્રેમ વચ્ચેની અસાધારણ સમતુલા સિદ્ધ કરે છે.

બળદેવભાઈ કનીજિયા