સાલ્વિયાતી ફ્રાન્ચેસ્કો

January, 2008

સાલ્વિયાતી, ફ્રાન્ચેસ્કો (જ. 1510, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 1563) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. મૂળ નામ ફ્રાન્ચેસ્કો રૉસી. પિતા માઇકેલાન્યાલો (Michelaynalo) રૉસી વણકર હતા અને પુત્ર ફ્રાન્ચેસ્કોને પણ વણકર જ બનાવવા માગતા હતા, પણ ફ્રાન્ચેસ્કોને વણકરની વણાટકલામાં કોઈ જ દિલચસ્પી હતી નહિ; તેથી તેણે એક સોની હેઠળ સુવર્ણકલાના પાઠ લેવા માંડ્યા. એ હજી નવ વરસનો બાળક હતો તે દરમિયાન જ ભવિષ્યમાં કલા-ઇતિહાસકાર તરીકે નામના કાઢનાર હમઉમ્ર જ્યૉર્જિયો વસારી સાથે તેને પાકી દોસ્તી થઈ. કોર્તોનાના કાર્ડિનલ સિલ્વિયો પાસેરિનીએ બંને બાળકો ફ્રાન્ચેસ્કો અને વસારીને ફ્લૉરેન્સના ચિત્રકાર આન્દ્રેઆ દેલ સાર્તોના શાગિર્દ તરીકે ગોઠવી આપ્યા. 1527માં ફ્લૉરેન્સમાં રમખાણો ફાટી નીકળ્યાં ત્યારે માઇકેલેન્જેલોના પ્રસિદ્ધ શિલ્પ ‘ડેવિડ’ના હાથનાં કાંડું અને પહોંચો તૂટી ગયાં ત્યારે જોખમકારક હુલ્લડમાં સૈનિકો વચ્ચે જઈને સાલ્વિયાતી અને વસારીએ તેના તૂટેલા ટુકડા વીણીને યોગ્ય સાચવણી કરી હતી; જેને પછીથી પરિસ્થિતિ થાળે પડતાં સમારકામ કરી ફરીથી મૂળ સ્થાને ગોઠવી દીધેલા.

ફ્રાન્ચેસ્કો સાલ્વિયાતીનું એક ચિત્ર

1531માં કાર્ડિનલ સાલ્વિયાતી વસારીને અને ફ્રાન્ચેસ્કોને રોમ લઈ ગયા. આ કાર્ડિનલ સાલ્વિયાતીથી પ્રભાવિત થઈને ફ્રાન્ચેસ્કોએ પોતાની અટક ‘રોસી’ રદ કરીને નવી અટક ‘સાલ્વિયાતી’ અપનાવી. રોમમાં સાન્તા મારિયા દેલ્લા પાયે ચર્ચ માટે બંનેએ ચિત્રો ચીતર્યાં, જે આજે સંપૂર્ણ નષ્ટ થયાં છે. રોમ, વેનિસ અને ફ્લૉરેન્સમાં તેણે ઘણાં ચિત્રો ચીતર્યાં; જેમાં ‘એનન્શિયેશન’, ‘વિઝિટેશન’, ‘ડીડ્સ ઑવ્ ઍલેક્ઝાન્ડર’, ‘બર્થ ઑવ્ ધ બૅપ્ટિસ્ટ્સ’, ‘ડેડ ક્રાઇસ્ટ’, ‘એરિટી’, ‘કાના’, ‘આદમ ઍન્ડ ઇવ’ અને ‘ડેવિડ’નો સમાવેશ થાય છે.

સાલ્વિયાતીના શિષ્ય જુસેપે દેલ્લા પૉર્તાએ પણ સાલ્વિયાતીની ચિત્રશૈલી અપનાવી હતી.

અમિતાભ મડિયા