સાલ્મોનેલ્લા : ઍન્ટેરોબૅક્ટેરિયેસી કુળનો ગ્રામ નેગેટિવ કસોટી બતાવતો દંડાણુ બૅક્ટેરિયા. લિગ્નીયર્સે (Lignieres) વર્ષ 1900માં શોધેલ આ જીવાણુને અમેરિકન જીવાણુવિદ સાલ્મન(D. E. Salmon)ની યાદમાં ‘સાલ્મોનેલ્લા’ (Salmonella) એવું જાતિનામ અપાયું છે. જીવાણુની વર્ગીકરણના પ્રચલિત ‘બર્ગી’ કોશ ખંડ એકમાં વિભાગ પાંચ ‘અનાગ્રહી અજારક ગ્રામ-ઋણ દંડાણુ’(Facultatively anaerobic Gram-negative rods)માં સાલ્મોનેલ્લાને કુળ ઍન્ટેરોબૅક્ટેરિયેસી(Enterobacteriaceae)ની અન્ય ચૌદ જાતિ સાથે સમાવિષ્ટ કરાયા છે.

સાલ્મોનેલ્લા આશરે 0.7-1.5 × 2-5.0 mmનું કદ ધરાવતા સીધા દંડાણુ છે. બહુધા પ્રચલનક્ષમ જીવાણુ ચોતરફ (pertrichous) આવેલા કશા (flagella) વડે ચાલિત હોય છે. માનવ અને અન્ય પ્રાણીનાં આંતરડાંમાં રહેતા આ જીવાણુકુળના અન્ય સભ્યોથી વિપરીત, લૅક્ટોઝ, સુક્રોઝ જેવી શર્કરાનું આથવણ, ઇન્ડોલ ઉત્પાદન, કે યુરિયાના વપરાશ જેવી લાક્ષણિકતા ધરાવતા નથી. સાલ્મોનેલ્લાની વિવિધ પ્રજાતિઓની વિસ્તૃત ઓળખ હાઇડ્રોજન સલ્ફાઇડ ઉત્પાદન, સાઇટ્રેટનો વપરાશ સમ જીવરાસાયણિક કસોટીઓ વડે કરાય છે. પ્રવાહી માધ્યમમાં ટેટ્રાથાયૉનેટ કે થાયૉગ્લાયકોલેટ જેવાં રસાયણ ઉમેરી પ્રયોગશાળામાં 37° સે. તાપમાને સાલ્મોનેલ્લાનું સંવર્ધન કરી શકાય છે.

માનવમાં સાલ્મોનેલ્લાની પ્રજાતિઓ આંત્રજ્વર (typhoid/enteric fever), પેટની ગરબડ (gastroenteritis), લોહીવિકાર (septicemia, bacteremia) જેવી પ્રચલિત બીમારીઓ કરે છે કે ક્વચિત્ માનવશરીરનો માત્ર વાહક તરીકે ઉપયોગ કરી ચુપકીદીથી સંવર્ધન અને ફેલાવો કરે છે. આંતરડાંમાં આ જીવાણુનો વિકાસ ઊંચો તાવ, કંપન, માથા અને પેટનો દુ:ખાવો, કબજિયાત, બરોળનો સોજો જેવી આફત નોતરે છે, જે આંત્રજ્વર કહેવાય છે. નીચા તાપમાને પણ વૃદ્ધિ પામવાની ક્ષમતાને લઈ સાલ્મોનેલ્લા ફ્રીજમાંના ખોરાકમાં ઝેર પેદા કરે છે અને આ વિષયુક્ત ખોરાક લેતાં જ પેટની ગરબડ શરૂ થઈ ઊલટી, પેટમાં ચૂંક આવવા સાથે પાતળા લોહી અને શ્ર્લેષ્મ-યુક્ત ઝાડા થાય છે. જીવાણુ કે તેનું વિષ લોહીમાં ભળ્યેથી લોહીવિકાર થાય છે. સાલ્મોનેલ્લાની કેટલીક પ્રજાતિઓ પશુ-પંખીમાં પણ રોગ કરે છે અને મનુષ્ય સમેતનાં પ્રાણીઓમાં દૂષિત પાણી, ખોરાક અને હાથ વડે ફેલાય છે. સાલ્મોનેલ્લાની નમૂનારૂપ પ્રજાતિ(type species) સા. કોલેરીસ્યૂઇસ (S. choleraesuis) છે, જ્યારે અન્ય પ્રજાતિઓ સા. ટાઇફી (S. typhi), સા. પૅરાટાઇફી-એ (S. paratyphi A), સા. પૅરાટાઇફી-બી (S. paratyphi B), સા. ટાઇફિમ્યુરિયમ (S. typhimurium) વગેરે મનુષ્યમાં રોગકારક હોવાથી વધારે મહત્વની છે.

દરેક જીવાણુના કોષો વિવિધ પ્રતિજનો ધરાવે છે, જે પૈકી સાલ્મોનેલ્લાના કોષ પર સ્થિત આવાં તત્વોની પરખ ખૂબ મહત્વની પુરવાર થયેલ છે. આ જીવાણુના કોષ પર દૈહિક (somatic, O), કોષસ્તરીય (capsular, Vi) અને કશાજન્ય (flagellar, H) – એમ ત્રણ પ્રકારના પ્રતિજનો વૈવિધ્યપૂર્ણ સ્વરૂપે આવેલ હોય છે. કૉફમૅન અને વ્હાઇટે (Kauffmann – White, 1966) આ પ્રતિજનોની સંચિત હાજરી અને પ્રકારના આધારે સાલ્મોનેલ્લાને 1,500થી વધુ પ્રતિપ્રકારો (serotypes) સ્વરૂપે પાંચ પેટાજાતિઓ(subgenera)માં વર્ગીકૃત કરી બતાવ્યા છે. ઉપરના ત્રણેય પૈકી, કાર્બોદિત-યુક્ત દૈહિક પ્રતિજનનું જીવાણુની રોગજન્યક્ષમતા(virulence)માં સવિશેષ મહત્ત્વ છે. આ પ્રતિજનની ગેરહાજરીમાં રૂપાંતરિત (S ® R) સાલ્મોનેલ્લાની વસાહતો (colonies) લીસીને બદલે ખરબચડી સપાટીવાળી હોય છે.

સાલ્મોનેલ્લાનું મુખ્ય રોગજન્ય હથિયાર તૈલી-શર્કરા(lipopolysaccharide)નું બનેલું આંત્રવિષ (enterotoxin) છે, જે કૉલેરાના વિષની માફક જ તાવ અને રોગનાં અન્ય ચિહનો પેદા કરે છે. સાલ્મોનેલ્લા આંતરડાંમાંના અન્ય હરીફ જીવાણુ જેવા કે ઇશ્ચેરિકિયા કોલાઈ (Escherichia coli), શિગેલ્લા (Shigella) વગેરે સામે જીવાણુદ્યોતદ્રવ્ય (bacteriocins) બનાવે છે. સાલ્મોનેલ્લા મહદંશે પારસૂત્રી (extra-chromosomal) જનીનદ્રવ્ય ધરાવે છે. જે જનીનવ્રત (plasmid) તરીકે ઓળખાય છે. અહીં રહેલા જનીનોની મદદ વડે જ સાલ્મોનેલ્લા આંતરડાંમાં ટકી શકવાનું કે પ્રતિજૈવિકો(antibiotics)થી બચવાનું સામર્થ્ય કેળવે છે. જનીનવ્રત મારફતે થતી જનીનદ્રવ્યની હેરફેર થતાં સાલ્મોનેલ્લા પોતાના જેવા કોષો ઉપરાંત ઇ. કોલાઈ સમેત અન્ય જીવાણુઓને પણ પ્રતિજૈવિક રક્ષાદ્રવ્ય કે વિષાણુના જનીનો પ્રદાન કરે છે.

ચેપ થયાની ખરાઈ વિવિધ તબક્કે સાલ્મોનેલ્લાને દર્દીનાં મળ, રક્તમાંથી સંવર્ધન કરાવ્યાથી થઈ શકે છે. વિડાલ (Widal) કસોટી વડે રક્તજાલોદ્રવ(serum)માં સાલ્મોનેલ્લા સામેના પ્રતિદ્રવ્યની માત્રામાં થતા વધારાનું નિદર્શન પણ સાલ્મોનેલ્લાજન્ય બીમારી કે ચેપનું સૂચક છે. સાલ્મોનેલ્લા પર કાબૂ પામવા માટે ક્લોરામફેનિકોલ, ટાઇમેથોપ્રાઇમ અને અન્ય અકસીર પ્રતિજૈવિક દવાઓ કારગત પુરવાર થઈ છે.

ભૂપેશ યાજ્ઞિક