સાલ્ક, જોનાસ (. 28 ઑક્ટોબર 1914, ન્યૂયૉર્ક, અમેરિકા; . 23 જૂન 1995, અમેરિકા) : બાળલકવો(poliomyelitis)ના રોગ સામે રસી વિકસાવનાર. તેમનાં માતા-પિતા રશિયન-યહૂદીઓ હતાં જે અમેરિકા આવીને વસ્યાં હતાં. તેઓ ખાસ ભણેલાં ન હતાં, પરંતુ તેમણે તેમનાં બાળકોને શિક્ષણ અપાવ્યું. જોનાસ સાલ્ક તેમના કુટુંબની પ્રથમ વ્યક્તિ હતી, જે કૉલેજમાં ભણવા ગઈ હતી. તેમનો શરૂઆતનો રસ કાયદાના શિક્ષણમાં હતો, પરંતુ તેમને તબીબી વિદ્યાની સૂક્ષ્મતાઓએ આકર્ષી લીધા. તેમણે અભ્યાસ દરમિયાન ઇન્ફ્લુએન્ઝા પર સંશોધન કર્યું. તે સમયે તેનો વિષાણુ નવો નવો શોધાયો હતો. તેમને તેની ચેપકારિતા (infectivity) એટલે કે ચેપ કરવાની ક્ષમતા ઘટાડવાની શોધમાં રસ હતો. તેની સાથે તેના ચેપ સામે પ્રતિરક્ષા (immunity) અથવા રોગપ્રતિકારક ક્ષમતા જળવાઈ રહે તે પણ અગત્યનું હતું. આમાં તેઓ સફળ રહ્યા, જે તેમના બાળલકવાની રસીના સંશોધનનો પાયો બન્યું. તબીબી શિક્ષણ પૂરું કરીને તે ફ્લૂ-વિષાણુ પર સંશોધનમાં પાછા વળ્યા. બીજા વિશ્વયુદ્ધ વખતે ફ્લૂની રસી વડે ફ્લૂના વાવડને રોકી શકાયો હતો.

 

જોનાસ સાલ્ક

સન 1947માં તેઓ પિટ્સબર્ગ મેડિકલ સ્કૂલમાં જોડાયા અને શૈશવી લકવા માટેના રાષ્ટ્રીય ફાઉન્ડેશનના સહયોગથી 8 વર્ષ માટે પોલિયો(બાળલકવા)ની રસી તૈયાર કરવામાં ગાળ્યાં. સન 1955માં તેમનો પ્રયોગ સફળ થયો અને માણસોને તે પોલિયોના વિષાણુથી રક્ષણ આપે છે તે સાબિત થયું. 12 એપ્રિલ, 1955ના દિવસે આ માહિતી જાહેર કરાઈ. તેમણે તેની પેટન્ટ ન કરાવીને પ્રજાનો પ્રેમ મેળવ્યો.

સાલ્કની રસીમાં મૃત વિષાણુ હોય છે, જે વ્યક્તિમાં પ્રતિરક્ષા (રોગપ્રતિકારકશક્તિ) સર્જી શકે છે, પરંતુ બાળલકવાનો રોગ પેદા કરી શકતો નથી. સાલ્ક્ધાી રસી ઇન્જેક્શનથી અપાતી હતી. થોડા સમય પછી મુખમાર્ગી જીવંત વિષાણુવાળી રસી શોધાઈ. જે દેશોમાં સાલ્ક્ધાી રસી અપાઈ ત્યાં બાળલકવાનો રોગ નાબૂદ થઈ શક્યો હતો. સન 1963માં તેમણે જીવવિદ્યાકીય અભ્યાસની જોનાસ સાલ્ક ઇન્સ્ટિટ્યૂટ સ્થાપી, જેમાં તેમણે સંશોધન ચાલુ રાખ્યું અને પુસ્તકો લખ્યાં. તેમાં તેમના તબીબ પુત્રોએ તેમને મદદ પણ કરી. તેમનાં છેલ્લાં વર્ષો તેમણે સંપ્રાપ્ત પ્રતિરક્ષાઊણપકારી વિષાણુ (aquired immunode-ficiency virus – HIV) સામે રસી શોધવામાં કાઢ્યાં હતાં.

શિલીન નં. શુક્લ