સાલોં (Salon) (17મીથી 19મી સદી) : લુવ્ર મહેલ ખાતે અગ્રણી ફ્રેન્ચ કલા-સંસ્થા ફ્રેન્ચ રૉયલ અકાદમીનાં યોજાતાં કલા-પ્રદર્શનો. આરંભમાં આ કલા-પ્રદર્શનો લુવ્ર ખાતે ઍપૉલોં (Apolon) નામના ખંડમાં યોજાતાં હોવાથી એ પ્રદર્શનો ‘સાલોં દાપોલોં’ નામે ઓળખાયાં. મૂળે અનિયત કાળે યોજાતાં આ પ્રદર્શનો 1737થી 1795 સુધી દ્વિ-વાર્ષિક ધોરણે યોજાયાં. ફ્રેન્ચ ક્રાંતિ પછી તે વાર્ષિક ધોરણે યોજાવા માંડ્યાં. ફ્રેન્ચ ક્રાંતિ પછી કલાકૃતિઓના સમાવેશ અને પ્રદર્શન પર અંકુશ રાખતી જૂરી વિખેરી નાંખવામાં આવેલી; પરંતુ હવે જૂરી ન રહેતાં વિપુલ માત્રામાં ચિત્રો-શિલ્પો પ્રદર્શન માટે આવતાં હોઈ તેમનો સમાવેશ અશક્ય બન્યો. તેથી ફરી જૂરી દાખલ કરવામાં આવી; પણ તેથી ઘણા ચિત્રકારો અને શિલ્પકારો નારાજ રહેવા માંડ્યા, કારણ કે તેમની કૃતિઓ નકારવામાં આવતી. આ કલાકારોની લાગણીને માન આપીને નેપોલિયો ત્રીજાએ 1863માં અસ્વીકૃત કલાકૃતિઓના ખાસ પ્રદર્શનોનો હુકમ આપ્યો. ‘સાલોં દ રેફયુસે’ નામે ઓળખાતાં આ પ્રદર્શનો પણ વાર્ષિક ધોરણે યોજાતાં; છતાં કલાકારોનો આક્રોશ શમ્યો નહિ. તેથી 1866 પછી ‘સાલોં’ પ્રદર્શનો હંમેશ માટે બંધ પડ્યાં.

અમિતાભ મડિયા