સાલુવ નરસિંહ : વિજયનગરના દ્વિતીય રાજવંશ – સાલુવનો સ્થાપક અને એ વંશનો પ્રથમ રાજવી. મૂળમાં એ પોતે વિજયનગરના તાબાના ચંદ્રગિરિનો અધિનાયક હતો. વિજયનગરના પ્રથમ રાજવંશ સંગમના અંતિમ રાજા પ્રૌઢદેવના કાલમાં સાલુવ નરસિંહ ઉચ્ચ હોદ્દો ધરાવતો હતો. એ વખતે બહમની વંશના સુલતાન અને ઓડિસાના શાસકની સંયુક્ત સેનાએ વિજયનગર રાજ્ય પર આક્રમણ કર્યું. પ્રૌઢદેવ વિજયનગર રાજ્યનું રક્ષણ કરવામાં અસમર્થ હોઈને નરસિંહે પ્રૌઢદેવને પદભ્રષ્ટ કરી વિજયનગરની ગાદી સર કરી અને ત્યાં પોતાનો સાલુવવંશ પ્રસ્થાપિત કર્યો. બહમની અને ઓડિસાએ જે પ્રદેશો જીત્યા હતા તે પરત લેવાયા. સાલુવ નરસિંહના બે પુત્રોને પોતાના વિશ્વાસુ સેનાપતિ નરેશ નાયકના સંરક્ષણમાં મૂકી (ઈ. સ. 1490–91માં) અવસાન પામ્યા.
પ્રવીણચંદ્ર પરીખ