સાર્જન્ટ, હેરૉલ્ડ માલ્કૉમ વૉટ્સ (સર) (જ. 29 એપ્રિલ 1895, ઍશ્ફૉર્ડ, કૅન્ટ, બ્રિટન; અ. 3 ઑક્ટોબર 1967, લંડન, બ્રિટન) : વિખ્યાત સંગીતસંચાલક (conductor). લંડનની રૉયલ કૉલેજ ઑવ્ ઑર્ગેનિસ્ટ્સમાં અભ્યાસ કરીને સોળ વરસની ઉંમરે સંગીતનો ડિપ્લોમા મેળવ્યો. એકવીસ વરસની ઉંમરે તેમણે સંગીતમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1921માં તેમની પોતાની મૌલિક રચનાઓ હેન્રી વૂડ્ઝ ક્વીન્સ હૉલ ઑર્કેસ્ટ્રાએ વગાડી, જેનું તેમણે પોતે જ સંચાલન કર્યું હતું. 1923માં રૉયલ કૉલેજ ઑવ્ મ્યુઝિકના સ્ટાફમાં એક સંગીતશિક્ષક તરીકે તેઓ જોડાયા. 1924માં તેમણે રૉબર્ટ મેયર ચિલ્ડ્રન કન્સસર્ટોના જલસા કન્ડક્ટ કર્યા. 1929માં તેમણે કોર્ટોલ્ડ-સાર્જન્ટ કન્સસર્ટો નામે ઓળખાયેલા જલસાઓનું સંચાલન કર્યું.
સર હેરૉલ્ડ માલ્કૉમ વૉટ્સ સાર્જન્ટ
1932માં લંડન ફિલામૉનિક સોસાયટીના સંગીતના જલસા તેમણે સંચાલિત કર્યા. 1933થી 1942 સુધી હેલી ઑર્કેસ્ટ્રાના જલસા, 1943થી 1949 સુધી લિવરપુલ ઑર્કેસ્ટ્રાના જલસા, 1950થી 1957 સુધી બી.બી.સી. સિમ્ફની ઑર્કેસ્ટ્રાના જલસા અને 1948થી પોતાના મૃત્યુ સુધી પ્રોમિનેડ કન્સર્ટોના જલસા પણ તેમણે સંચાલિત કર્યા હતા. ગાયકવૃંદોના સંચાલનમાં પણ સાર્જન્ટને સફળતા મળી. રૉયલ કોરલ સોસાયટી અને હડર્સ્ફીલ્ડ કોરલ સોસાયટીના જલસાઓનું તેમજ ઘણા આધુનિક બ્રિટિશ ઑપેરાની પ્રથમ ભજવણીઓનું તેમણે સંચાલન કર્યું હતું. 1947માં ‘નાઇટહૂડ’ ખિતાબ વડે બ્રિટનનાં રાણીએ તેમનું બહુમાન કર્યું હતું.
અમિતાભ મડિયા