સાર્જન્ટ જૉન સિન્ગર

January, 2008

સાર્જન્ટ, જૉન સિન્ગર (. 12 જાન્યુઆરી 1856, ફ્લૉરેન્સ, ઇટાલી; . 15 એપ્રિલ 1925, લંડન, બ્રિટન) : અમેરિકા તેમજ યુરોપના ધનાઢ્ય લોકોનાં વ્યક્તિચિત્રો તેમજ આલ્પ્સનાં નિસર્ગચિત્રો આલેખવા માટે જાણીતો અમેરિકન ચિત્રકાર. પૅરિસમાં વ્યક્તિ-ચિત્રકાર કાર્લો-દુરાં હેઠળ તેણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. 1879માં મૅડ્રિડ જઈ વાલાસ્ક્વૅથ (velazquez) તથા હાર્લેમ જઈ ફ્રાન્સ હાલ્સનાં ચિત્રોનો અભ્યાસ કર્યો. 1884માં ફ્રેંચ રાષ્ટ્રીય કલાપ્રદર્શન સાલોંમાં પહેલી વાર સાર્જન્ટે મૌલિક ચિત્ર ‘મૅડમ ઍક્સ’ પ્રદર્શિત કર્યું. પૅરિસની એક ખ્યાતનામ રૂપસુંદરી માદામ ગૉત્ર્યુનું તે વ્યક્તિચિત્ર હતું. વિવેચકોને આ ચિત્ર કામમૂલક જણાયું. નિરાશ થઈને સાર્જન્ટ લંડન જતો રહ્યો. 1886માં પૉલ મૉલ ગૅઝેટે સાર્જન્ટ દ્વારા ચિત્રિત ચિત્ર ‘ધ મિસિઝ વિકર્સ’ને એ વરસ દરમિયાનનું ‘સૌથી ખરાબ’ ચિત્ર કહી વખોડી કાઢ્યું. આખરે એનું ‘કાર્નેશન, લિલી, લિલી, રોઝ’ (1885-86) નામનું ચિત્ર બ્રિટિશ જનતાને ખુશ કરી શક્યું. આ ચિત્રમાં બે નાનકડી બ્રિટિશ બાળાઓ જાપાની ફાનસમાં દીવા પ્રકટાવતી નજરે પડે છે. એ પછી તરત જ બ્રિટન અને અમેરિકામાં સાર્જન્ટની નામના પ્રસરી. પીંછીના લાંબાપહોળા લસરકા વડે ચિત્રિત પાત્રોનાં ક્ષણભંગુર મનોભાવને કૅન્વાસ પર રજૂ કરવામાં તેને સફળતા મળી.

જૉન સિન્ગર સાર્જન્ટ

1910 પછી સાર્જન્ટે વ્યક્તિ-ચિત્રણા છોડી આલ્પ્સ પર્વતોને કૅન્વાસ પર આલેખવાનું શરૂ કર્યું. વિવેચકોના મતે આલ્પ્સનાં નિસર્ગચિત્રોનાં આલેખનમાં તેને વિલિયમ ટર્નર અને વિન્સ્લો હોમર કરતાં પણ વધુ સફળતા મળી છે. આ નિસર્ગચિત્રોમાંથી પર્વતીય દાવાનળને દર્શાવતું ચિત્ર ‘માઉન્ટન ફાયર’ (1895) શ્રેષ્ઠ ગણાય છે.

1890થી 1910 સુધી અમેરિકાની બૉસ્ટન લાઇબ્રેરી માટે સાર્જન્ટે યહૂદી અને ખ્રિસ્તી ધર્મોના ઇતિહાસને દર્શાવતાં ભીંતચિત્રોની શ્રેણી ચીતરી. એ પછી તેણે બૉસ્ટન મ્યુઝિયમ ઑવ્ ફાઇન આર્ટસમાં ભીંતચિત્રો ચીતર્યાં હતાં.

અમિતાભ મડિયા