સાર્ડિનિયા (સામ્રાજ્ય)

January, 2008

સાર્ડિનિયા (સામ્રાજ્ય) : સંયુક્ત ઇટાલીનું એક વખતનું સામ્રાજ્ય તથા મધ્યસ્થ સ્થળ. ભૌગોલિક સ્થાન : 38° 45´ થી 41° 15´ ઉ. અ. અને 8° 15´થી 9° 45´ પૂ. રે. 1720માં જ્યારે આ સામ્રાજ્ય સ્થપાયું ત્યારે ઍઓસ્ટા, ફેનિસ્ટ્રેલ, પિનેરોલો અને સૅલ્યુઝ્ઝોના આલ્પાઇન દુર્ગો તેમજ માર્ક્વિસ-શાસિત મૉન્ટફેરાટ સહિત સાર્ડિનિયાના ટાપુ સાથેની સૅવૉયની જાગીરને તેમાં ભેળવવામાં આવેલાં. આ સામ્રાજ્યના પ્રથમ રાજા તરીકે સૅવૉયના ડ્યૂક વિક્ટર ઍમૅડિયસ બીજાને શાસન સોંપાયેલું. સામ્રાજ્યનું સરકારી મધ્યસ્થ સ્થળ પર્વતતળેટીમાં રાખેલું. આ સ્થળ સૅવૉયની જાગીરનો જ એક ભાગ હતું. એ કારણે સાર્ડિનિયાનું સામ્રાજ્ય તળેટીવિસ્તારના સામ્રાજ્ય તરીકે પણ જાણીતું બનેલું.

ફ્રેન્ચ, ઑસ્ટ્રિયન અને સ્પૅનિશ સત્તાઓની વચ્ચે આવેલા આ સામ્રાજ્ય પર જૂના સૅવૉયની ભૌગોલિક સીમાઓનું ધ્યાન રાખવાની જવાબદારી પણ આવી પડેલી. અઢારમી સદીમાં સાર્ડિનિયા ઑસ્ટ્રિયા સાથે ભળ્યું. તે પછી 1802માં નેપોલિયને સાર્ડિનિયાને ફ્રાન્સમાં ભેળવી દીધું. 1815માં નેપોલિયન મૃત્યુ પામ્યો ત્યારે તેનો કબજો પાછો મેળવાયો. આલ્પ્સની તળેટીવાળા સીમાન્ત પ્રદેશમાં રાખેલાં તેનાં લશ્કરી દળોને પાછાં ખેંચી લીધાં અને તે ઇટાલીનું સ્વતંત્ર તેમજ અગ્રિમ રાજ્ય બની રહ્યું; તેમ છતાં દ્વીપકલ્પના ઘણાખરા ભાગ પર ઑસ્ટ્રિયાનું વર્ચસ્ રહેલું. 1831માં જ્યારે ચાર્લ્સ આલ્બર્ટ સાર્ડિનિયાનો રાજા બન્યો ત્યારે ઇટાલીએ તેની પાસે ઘણી આશા રાખેલી. 1848માં તેણે પ્રજાને નવું બંધારણ આપ્યું તે જ વર્ષે ઑસ્ટ્રિયા સાથે સંઘર્ષ થયો. ચાર્લ્સે લૉમ્બાર્ડી અને વેનેશિયામાંથી શત્રુઓને હાંકી કાઢવા પ્રયાસ કરેલો, પરંતુ તેની અનિર્ણયાત્મક નીતિને કારણે તેને વિજય અને ગાદી બંનેનો ભોગ આપવો પડ્યો. તેના પછી તેનો પુત્ર વિક્ટર ઇમૅન્યુઅલ બીજો સત્તા પર આવ્યો. તેના બાહોશ વડાપ્રધાન કૅમિલો બેન્સોના અથાગ પ્રયાસોથી ઇટાલીને સંયુક્ત કરવાની ચળવળ સફળ થઈ. 1859માં તે ફ્રાન્સ સાથે ભળ્યું. તે પછી ઑસ્ટ્રિયા સામે લડાઈ જાહેર કરી. મૅગ્નેટા અને સોલ્ફેરિનોની લોહિયાળ લડાઈઓ પત્યા પછી કૅમિલો બેન્સોએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું. આ સંજોગ હેઠળ ઇટાલી છૂટું થઈ સ્વતંત્ર બની જાય તે અગાઉ ફ્રાન્સે ઑસ્ટ્રિયા સાથે વિલાફ્રેન્કા ખાતે શાંતિકરાર કર્યા. મોડેના, પર્મા અને રોમગ્નામાં લોકમત મેળવવા સભાઓ યોજાઈ, તેમણે 1860માં સાર્ડિનિયા સાથે જોડાણ કરવાનો મત આપ્યો. ગૅરિબાલ્ડી અને તેના જાણીતા એક હજાર સ્વયંસેવકોએ ઇટાલીના એક રાષ્ટ્રનું નિર્માણ કર્યું. 1861માં વિક્ટર ઇમૅન્યુઅલ બીજાને સાર્ડિનિયા સહિતના ઇટાલીના રાજા તરીકે જાહેર કરવામાં આવ્યો.

ગિરીશભાઈ પંડ્યા