સારીનેન ઇરો (જ. 1910; અ. 1961) : યુનાઇટેડ સ્ટેટ્સના પ્રસિદ્ધ સ્થપતિ. એલિયેલ સારીનેનના પુત્ર. પિતાની સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ગમન; પરંતુ અભ્યાસનો કેટલોક સમય (1929-30) પૅરિસમાં વિતાવ્યો. 1931-34 દરમિયાન યાલેમાં, 1935-36માં ફિનલૅન્ડમાં અને 1936થી પિતાની ક્રેનબુક એકૅડેમી ઑવ્ આર્ટમાં ચાર્લ્સ ઈ આમસની સાથે તેઓ અધ્યાપન કરતા હતા.

સારીનેન ઇરો

સ્થાપત્ય અને ફર્નિચરની ડિઝાઇનના નવા અભિગમ બાબતે તેઓ આગળ પડતા હતા. સ્થાપત્યમાં તેમનું કામ મહત્ત્વનું હતું. મોટાભાગની તેમની સ્થાપત્યકીય કૃતિઓ બીજા વિશ્વયુદ્ધ પછીની છે. તેમની કૃતિઓમાં વૈવિધ્ય, દૃશ્યમાનની સમજ અને સ્ટ્રક્ચરલ (ઇમારતી) પ્રયોગો જોવા મળે છે. બાંધકામમાં વિશાળ સ્ટેનલેસ સ્ટીલની પૅરાબોલિક કમાનોના ઉપયોગની શરૂઆત કરી; દા.ત., સેંટ લુઇસ મિસુરી ખાતે આવેલ જેફરસન નૅશનલ એક્સ્પાન્સન મેમોરિયલ (1947). વૉરન, મિશિગનમાં આવેલ ધ જનરલ મોટર્સ ટૅક્નિકલ સેન્ટર લંબચોરસ બિલ્ડિંગ છે (1948-56). તેનો વૉટર-ટાવર 40 મી. (132 ફૂટ) ઊંચો છે. ધ ક્રેસ્ગે ઑડિટોરિયમ ઑવ્ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી, કેમ્બ્રિજ (1950-55), ધ ચેપલ ઑવ્ કોન્કોર્ડિયા સિનિયર કૉલેજ (1953-58); ધ ડેવિડ ઇન્ગાલ્સ આઇસ હૉકી રિન્ક, યાલે યુનિવર્સિટી, ન્યૂ હેવન, ક્ધનેક્ટિકટ (1956-59); ધ ટ્રાન્સ વર્લ્ડ ઍરલાઇન્સ કૅનેડી ટર્મિનલ, ન્યૂયૉર્ક (1956-62); ટી. જે. વૉટ્સન રિસર્ચ સેન્ટર, યૉર્ક ટાઉન, ન્યૂયૉર્ક (1957-61); ડલ્લેસ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ, વૉશિંગ્ટન ડી.સી. (1958-63) વગેરે ઇમારતોની ડિઝાઇન તેમણે કરી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ એમ્બસી, લંડન (1955-61) અને ઑસ્લો(1959થી આગળ)ની ડિઝાઇન પણ તેમણે કરી હતી. CBC બિલ્ડિંગ, સિક્સ્થ ઍવન્યૂ, ન્યૂયૉર્ક(1961-65)ની ડિઝાઇન તેમના મૃત્યુના થોડા વખત પહેલાં જ તૈયાર કરી હતી જે પાછળથી રોચ અને ડિન્ક્રેલોએ પૂરી કરી હતી.

થૉમસ પરમાર