સારીકોલ હારમાળા (Saryakol Range) : તાજિકિસ્તાન અને ચીનની સરહદ પર આવેલી હારમાળા. ભૌગોલિક સ્થાન : 38° 00´ ઉ. અ. અને 74° 30´ પૂ. રે.. પૂર્વ પામીર વિભાગમાં આવેલી આ હારમાળા પૂર્વની કાશગર (મુસ્તાઘ-અતા) હારમાળાને સમાંતર ચાલી જાય છે. તેની લંબાઈ ઉત્તરમાં માર્કાંશું નદીખીણથી દક્ષિણમાં બીડ ઘાટ સુધી 350 કિમી. જેટલી છે. તેના પરનું સર્વોચ્ચ શિખર માઉન્ટ લ્યાવિર્દિર 6,251 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. હારમાળાની સરેરાશ ઊંચાઈ આશરે 5,000 મીટર જેટલી છે. આ હારમાળા અમુ દરિયા તથા તેરીમ નદીથાળાને અલગ પાડતો જળવિભાજક બની રહેલી છે. આ હારમાળાની ઉત્તર તરફ મુખ્યત્વે શીસ્ટ અને ગ્રૅનાઇટ ખડકો તથા દક્ષિણ તરફ નાઇસ ખડકો પથરાયેલા છે. આ હારમાળા મોટેભાગે વનસ્પતિવિહીન છે અથવા તદ્દન ઓછી વનસ્પતિ ધરાવતી હોવાથી તે પર્વતીય રણ કહેવાય છે. વળી અહીં હિમજથ્થા પણ ખાસ જોવા મળતા નથી.
ગિરીશભાઈ પંડ્યા