સારિસ્કા વન્યજીવન અભયારણ્ય

January, 2008

સારિસ્કા વન્યજીવન અભયારણ્ય : રાજસ્થાનના અલ્વર જિલ્લામાં સારિસ્કા જંગલમાં આવેલું અભયારણ્ય. આ અભયારણ્ય 1955માં સ્થાપવામાં આવેલું છે. તેનો કુલ વિસ્તાર 492 ચોકિમી. જેટલો છે. અહીંની ટેકરીઓના વેરાન ઢોળાવોના નીચેના ભાગો પર તથા નજીકની ઊંડી, સાંકડી ખીણોમાં બાવળનાં જંગલો જ્યારે નદીકિનારાના ભાગોમાં વાંસનાં ઝુંડ જોવા મળે છે.

વન્યજીવનમાં વિચરતાં મુખ્ય પ્રાણીઓમાં વાઘ, દીપડા, જંગલી ભુંડ, નીલગાય, ચીતળ, શાહુડી, મોર/ઢેલ, તેતર અને કસ્તૂરાનો સમાવેશ થાય છે. અહીં કાંકવાસી કિલ્લો, દસમી અને બારમી સદીનાં શિવમંદિર, નીલકંઠ મંદિર તથા પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતાં કેટલાંક જોવાલાયક સ્થળો આવેલાં છે. આ અભયારણ્યમાંથી પસાર થવા માટે સારી માર્ગવ્યવસ્થા છે. અભયારણ્ય જોવા આવનાર પ્રવાસીઓની સુવિધા માટે બાંદીપુલ અને કાલીઘાટી ખાતે નિરીક્ષણ ટાવર મૂકેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા