સારસંક્ષેપ અને સારસંક્ષેપસેવા : મૂળ લખાણનો સારભૂત સંક્ષેપ અને તેને લગતી સેવા. સારસંક્ષેપ એટલે મૂળ લખાણનું સંક્ષિપ્ત અને સઘન સ્વરૂપ. સાર મૂળ કથાવસ્તુના નિચોડરૂપ હોય છે.
પંદરમી સદીમાં વૈજ્ઞાનિકો તેમનાં સંશોધનોનાં પરિણામોનું સારસંક્ષેપન કરીને અન્યને આપતા હતા. તેના ઉપરથી સંપૂર્ણ પાઠ જેઓ માગે તેઓને મોકલતા હતા. અહીં મૂળ ધ્યેય માહિતી-વિનિમયનું હતું.
પહેલાં વાચકો, સંશોધકો વગેરે જાતે જ સંપૂર્ણ લેખો વાંચવાનો આગ્રહ રાખતા હતા અને પોતે વાંચેલા લેખો કે પુસ્તકોનો સારસંક્ષેપ પોતાની નોંધવહીમાં ટપકાવતા રહેતા હતા. ત્યારબાદ વિદ્યાસંસ્થાની અમુક વ્યક્તિઓ કે ગ્રંથાલયો પોતાની સંસ્થાઓમાં આવતાં સામયિકોમાંથી જરૂરી પસંદગીયુક્ત લેખો કે પુસ્તકોનો સારસંક્ષેપ તૈયાર કરતાં હતાં. આ કાર્ય ઘણું અગત્યનું ગણાતું હતું. તા. 5-1-1665ના દિવસે ‘લા જર્નલ દ સ્કેવાં’નું પ્રકાશન પૅરિસમાં થયું. આ સામયિક દર અઠવાડિયે સાહિત્ય, વિજ્ઞાન, રાજકારણ વગેરે વિષયના લેખોનો સારસંક્ષેપ તૈયાર કરીને પ્રસિદ્ધ કરતું હતું.
શુદ્ધ સારસંક્ષેપસેવાની શરૂઆત ઈ. સ. 1830માં ‘ફાર્માસ્યુટિશ ઝેન્ટ્રલ બ્લાસ્ટ’ નામના સામયિકથી થઈ હતી. આજે આ સામયિક ‘કેમિશર ઝેન્ટ્રલ બ્લાસ્ટ’ના નામથી પ્રસિદ્ધ થાય છે. વિશ્વવિખ્યાત ‘કેમિકલ ઍબ્સ્ટ્રૅક્ટ્સ’ અમેરિકન કેમિકલ સોસાયટી દ્વારા ઈ. સ. 1907થી પ્રસિદ્ધ થાય છે. આજે પણ આ સામયિક વિશ્વમાં મોટામાં મોટું અને મોંઘામાં મોંઘું સારસંક્ષેપસેવા આપતું સામયિક છે.
ભારતમાં વિજ્ઞાનના ક્ષેત્રે આ સેવાની શરૂઆત ઈ. સ. 1935માં ‘ઇન્ડિયન સાયન્સ ઍબ્સ્ટ્રૅક્ટ્સ’ના પ્રકાશનથી થઈ હતી. કમનસીબે આ સેવા ઈ. સ. 1940થી ઈ. સ. 1965 દરમિયાન પડી ભાંગી હતી. ત્યારબાદ ઈ. સ. 1965માં ઇન્સર્ડાક (હાલ નિસકેર – નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ કૉમ્યુનિકેશન ઍન્ડ ઇન્ફૉર્મેશન રિસૉર્સિસ), ન્યૂ દિલ્હી દ્વારા આ સેવા એ જ નામ હેઠળ ફરીથી શરૂ થઈ, જે આજે પણ પ્રાપ્ય છે. ઈ. સ. 1967થી ઇયાસ્લિક કોલકાતા દ્વારા ‘ઇન્ડિયન લાઇબ્રેરી સાયન્સ ઍબ્સ્ટ્રૅક્ટ્સ’ શરૂ થયું. આજે વિશ્વમાં અને ભારતમાં 150 જેટલી વિદ્યાશાખાઓમાં સારસંક્ષેપસેવા આપતાં અંદાજે એક હજાર ઉપરાંત સામયિકો પ્રસિદ્ધ થાય છે.
સારસંક્ષેપસેવાની અગત્ય : (1) સારસંક્ષેપસેવા વાચકનો સમય બચાવે છે : આજના સ્પર્ધાત્મક જમાનામાં દરેક વ્યાવસાયિક વ્યક્તિઓને પોતાના ક્ષેત્રમાં પ્રસિદ્ધ થતા સાહિત્યની જાણકારી હોવી અનિવાર્ય છે; પરંતુ માહિતી-વિસ્ફોટને કારણે જે તે વ્યક્તિને પોતાને ઉપયોગી કે રસનાં બધાં જ લેખો કે પુસ્તકો વાંચવાનો કે જોઈ જવાનો સમય હોતો નથી. આ ઉપરાંત આ બધા જ માહિતીસ્રોતો વ્યક્તિ માટે વસાવવા ઘણા જ મોંઘા થઈ પડે છે. વળી ખર્ચેલાં નાણાં જેટલું વળતર ન મળે એમ પણ બની શકે. આનો ઉપાય છે સારસંક્ષેપો અને સૂચિઓ તૈયાર કરવી તે. સારસંક્ષેપો વાંચવાથી જે તે વિષયની બધી માહિતી વાચકને ત્વરિત મળી જાય છે. વધુ સઘન માહિતી માટે વાચક મૂળ પ્રલેખ મેળવીને વાંચી શકે છે.
(2) સારસંક્ષેપ સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે : સારસંક્ષેપ જે તે વિષયમાં કેવી પ્રગતિ થઈ રહી છે તેની માહિતી વાચકને આપે છે અને તે દ્વારા સંપૂર્ણ મૂળ પાઠ જોઈ વાચક વધુ માહિતી મેળવી શકે છે. સંશોધકો માટે આ અત્યંત જરૂરી છે; કારણ કે સંશોધનો નૂતન માહિતીને જન્મ આપે છે. અન્ય પ્રકારના વાચકને તેમના વ્યવસાયની પ્રગતિ માટે સારસંક્ષેપસેવા ઉપયોગી થાય છે.
(3) સારસંક્ષેપસેવા અદ્યતન અવબોધનસેવાને ઉત્તેજન આપે છે. સારસંક્ષેપસેવા જો ઇન્ટરનેટ દ્વારા ઑનલાઇન પ્રાપ્ય હોય તો ઘણી જ ઝડપી રીતે વાચકને ઘેર બેઠાં એ સેવા મળી રહે છે; દા.ત., કેમિકલ ઍબ્સ્ટ્રૅક્ટ્સ.
(4) સારસંક્ષેપ ભાષાના અવરોધને દૂર કરે છે : મૂળ લેખ વિશ્વની કોઈ પણ ભાષામાં હોય પણ તેનો સારસંક્ષેપ વાચકની ભાષામાં પ્રાપ્ય હોય તો તે ઉપયોગી થાય છે. સારસંક્ષેપ વાંચ્યા પછી વાચક જરૂર પડ્યે મૂળ લેખને પણ સહેલાઈથી મેળવી શકે છે અને તેનું ભાષાંતર ઇચ્છે તો તે ભાષામાં કરાવી શકે છે.
(5) પૂર્વકાલીન શોધોની જાણકારી માટે અજોડ સાધન : જે તે વિષયમાં થયેલી પૂર્વકાલીન શોધોની જાણકારી માટે સારસંક્ષેપસેવા ઘણી ઉપયોગી છે. સારસંક્ષેપસેવા આપતાં સામયિકો વર્ષને અંતે સારસંક્ષેપ કરેલા લેખોની નિર્દેશિકાઓ પણ પ્રસિદ્ધ કરતા હોય છે. આ નિર્દેશિકાઓ બૃહત સાહિત્યશોધમાં (વાઙ્મયસૂચિ બનાવવામાં) અતિઉપયોગી થાય છે; દા.ત., વર્લ્ડ ટૅક્સ્ટાઇલ ઍબ્સ્ટ્રૅક્ટ્સ, કેમિકલ ઍબ્સ્ટ્રૅક્ટ્સ વગેરે.
(6) જે તે વિષયની આલોચના તૈયાર કરવામાં સારસંક્ષેપસેવા અતિઉપયોગી થાય છે.
સારસંક્ષેપનાં લક્ષણો : સારસંક્ષેપ લાઘવયુક્ત, સચોટ, ચોકસાઈવાળો અને સ્પષ્ટ હોય એ જરૂરી છે.
(1) લાઘવ : સારસંક્ષેપનું હાર્દ એનું લાઘવ છે. સારસંક્ષેપ અમુક ચોક્કસ પ્રકારના ઉપભોક્તાઓ માટે તૈયાર થતો હોવાથી મૂળ લેખમાંથી આવશ્યક કથાવસ્તુને જ સારસંક્ષેપમાં સમાવવામાં આવે છે. મૂળ લેખની અગત્યની વિષયવસ્તુ રહી ન જાય તેની દરકાર રાખવી જરૂરી છે. આ ઉપરાંત મૂળ લેખમાં જે નવીન છે તેના તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવે છે. મૂળ લેખમાંથી પ્રતીકો તથા શબ્દસંક્ષેપોનો ઉપયોગ સારસંક્ષેપમાં કરવામાં આવે છે. આધારસામગ્રી, લાંબાં વર્ણનો તથા કોઠાઓ વગેરેને સારસંક્ષેપમાં સ્થાન આપવામાં આવતું નથી. સારસંક્ષેપના લાઘવ કે ટૂંકાણમાં સર્વસામાન્ય ધોરણો અપનાવાય છે. અંતે તો સારસંક્ષેપની લંબાઈ મૂળ લખાણ ઉપર જ આધાર રાખે છે. આ માટે કોઈ પૂર્વનિશ્ચિત ધોરણો નથી.
(2) સચોટતા તથા ચોકસાઈ : સારસંક્ષેપ તૈયાર કરવામાં અત્યંત ચોકસાઈ રાખવી જરૂરી છે. કોઈ પણ જાતની નાનામાં નાની ભૂલ (કોઈ પણ કારણે) અક્ષમ્ય છે; કારણ કે જરૂર પડ્યે સારસંક્ષેપનો ઉપયોગ મૂળ લેખ ઉપરાંત તેના વસ્તુનું હાર્દ પ્રાપ્ત કરવામાં થાય છે. સંક્ષેપકારે મૂળ લેખની સૂચિગત માહિતી પણ અતિચોકસાઈપૂર્વક લખવી જરૂરી છે, અન્યથા મૂળ લેખ પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓ આવે છે.
ઉપભોક્તા ભૂલ વગરના સારસંક્ષેપને આવકારે છે.
(3) સ્પષ્ટતા : સારસંક્ષેપ સ્પષ્ટ હોવો જરૂરી છે. તેની લેખનશૈલી યોગ્ય અને વાંચવામાં સરળતા રહે તેવી હોવી જોઈએ. સારસંક્ષેપમાં, શક્ય હોય ત્યાં સુધી, મૂળ લેખકના શબ્દોનો ઉપયોગ કરવો હિતાવહ છે.
સારસંક્ષેપના પ્રકારો : સારસંક્ષેપના પ્રકારો નીચે પ્રમાણે છે :
(1) માહિતીપ્રદ સારસંક્ષેપ (ઇન્ફર્મેટિવ) : આવા પ્રકારનો સારસંક્ષેપ એક જ વિષય ધરાવતા લેખો, અહેવાલો, પ્રયોગો વગેરે માટે હિતાવહ છે. સામાન્ય રીતે સારસંક્ષેપ વાચક્ને મૂળ લેખ વાંચી જવાની જરૂર ન રહે તેવી રીતે મૂળ પ્રલેખની અગત્યની બધી જ માહિતી આપીને તથા તેના અગત્યના મુદ્દાઓ અને તારણોનો ટૂંકમાં સમાવેશ કરીને તૈયાર કરવામાં આવે છે.
(2) વિષયનિર્દેશક (ઇન્ડિકેટિવ) સારસંક્ષેપ : આ પ્રકારનો સાર-સંક્ષેપ મૂળ લેખ વાંચવો જરૂરી છે કે નહિ તેનો નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. આ પ્રકારના સારસંક્ષેપમાં મૂળ લેખનું મુખ્ય ધ્યેય શું છે તે સ્પષ્ટ કરવામાં આવે છે. જ્યારે મૂળ લેખ ઘણો જ લાંબો અને વર્ણનાત્મક હોય ત્યારે આ પ્રકારનો સારસંક્ષેપ તૈયાર કરવો ઉપભોક્તાઓ માટે જરૂરી બને છે.
(3) આલોચનાત્મક સારસંક્ષેપ (ક્રિટિકલ) : આ પ્રકારના સાર-સંક્ષેપની અગત્ય ઘણી છે. આમાં મૂળ લેખના સંક્ષેપ ઉપરાંત લેખના વિષયવસ્તુનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. આ પ્રકારના સારસંક્ષેપમાં સંક્ષેપકાર પોતાનું મંતવ્ય રજૂ કરતો હોય છે. તેથી સારસંક્ષેપની ક્ષમતાનો આધાર સંક્ષેપકારના જે તે વિષયના જ્ઞાનની ક્ષમતા પર અવલંબે છે. આથી કેટલીક વખત આ પ્રકારનો સારસંક્ષેપ ટીકાપાત્ર પણ બને છે. આવા સારસંક્ષેપોમાં કોઈ એક નિશ્ચિત વાચક-વર્ગની જરૂરિયાતને સંતોષવાનો પ્રયત્ન હોય છે.
(4) આલેખરૂપ (ગ્રાફિક) સારસંક્ષેપ : જે લેખોમાં ચિત્રો વગેરેનો ઉપયોગ વધુ થતો હોય અને તેની અગત્ય પણ વધુ હોય તેવા લેખોનો સારસંક્ષેપ આ રીતે તૈયાર કરવામાં આવે છે; દા. ત., કેમિસ્ટ્રીમાં રસાયણશાસ્ત્રની ફૉર્મ્યુલા, પ્રતીકો, ફૅશન, વાસ્તુશાસ્ત્ર વગેરે.
(5) સાંકેતિક (ટેલિગ્રાફિક) સારસંક્ષેપ : આ પ્રકારનો સારસંક્ષેપ મૂળ લેખમાંથી અતિઅગત્યના શબ્દો, સાંકેતિક પ્રતીકો, વિરામચિહ્નો વગેરેનો ઉપયોગ કરીને, તાર મોકલવાનો હોય તે રીતે, અતિટૂંકી ભાષામાં તૈયાર કરવામાં આવે છે.
સારસંક્ષેપ તૈયાર કરવાની પાત્રતા : સારસંક્ષેપ તૈયાર કરવા માટે યોગ્ય આવડતની આવશ્યકતા છે. સારસંક્ષેપનું લેખનકાર્ય નૈસર્ગિક નથી. એની આગવી શૈલી હોય છે. આથી સારસંક્ષેપ કરનારમાં ભાષાની, વિષયને સમજવાની, ઉપભોક્તાના સંદર્ભમાં પ્રલેખને સમજવાની તથા ઉપભોક્તાને લક્ષ્યમાં રાખીને તેનો સારસંક્ષેપ તૈયાર કરવાની આવડત, કળા અને સૂઝ હોવી જોઈએ. જરૂર પડ્યે આવા પ્રકારની તાલીમ લેવી પણ અતિઆવશ્યક બને છે.
સારસંક્ષેપ મૂળ લેખક, વિષયનિષ્ણાત, વ્યાવસાયિક કે કમ્પ્યૂટર દ્વારા તૈયાર થાય છે.
(1) લેખક દ્વારા તૈયાર કરાતો સારસંક્ષેપ : લેખક પોતે જ સાર-સંક્ષેપ કરે એમ બની શકે. હાલમાં ઘણાં સામયિકો લેખના લેખક પાસેથી જ લેખની સાથે તેનો સારસંક્ષેપ પણ મળે તેવો આગ્રહ રાખે છે. આવો સારસંક્ષેપ સામાન્ય રીતે મૂળ લેખની શરૂઆતમાં જ છાપવામાં આવે છે. આવા સારસંક્ષેપમાં લેખક સામાન્ય રીતે પોતાના દૃષ્ટિબિંદુને મહત્ત્વ આપતો હોય છે. વળી લેખક સારસંક્ષેપ તૈયાર કરવાનો નિષ્ણાત ન હોવાને કારણે કેટલીક વખત સારસંક્ષેપ ખામીયુક્ત પણ રહી જાય છે. લેખક તટસ્થ રહીને સારસંક્ષેપ તૈયાર કરે તો તે સારસંક્ષેપ સારો હોઈ શકે છે.
(2) વિષયનિષ્ણાત દ્વારા તૈયાર કરાતો સારસંક્ષેપ : વિષયનિષ્ણાતને સારસંક્ષેપ તૈયાર કરવાની તાલીમ કે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય છે. વિષયનિષ્ણાતની ભાષા ઉપર પકડ હોય તો તેણે તૈયાર કરેલા સારસંક્ષેપનું સ્તર ઘણું જ ઊંચું રહે છે. વિષયનિષ્ણાત દ્વારા તાલીમ કે યોગ્ય માર્ગદર્શન મેળવ્યા બાદ તૈયાર કરાયેલા સારસંક્ષેપ શ્રદ્ધેય બની રહે છે; દા. ત., કેમિકલ ઍબ્સ્ટ્રૅક્ટ્સ માટેના સારસંક્ષેપોએ વિષયના નિષ્ણાતોને યોગ્ય તાલીમ આપીને તૈયાર કરાવવામાં આવે છે.
(3) વ્યાવસાયિક દ્વારા તૈયાર કરાતો સારસંક્ષેપ : ગ્રંથાલયના કર્મચારી સારસંક્ષેપ તૈયાર કરવાની ખાસ તાલીમ લઈને આ કાર્ય સફળતાપૂર્વક કરી શકે છે. તેમાં પણ જો તે જે તે વિષયનો અભ્યાસુ હોય તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય છે. વળી કેટલાક લોકો સામાન્ય વિષયની આવડત કે ભાષાકીય પકડને કારણે સારસંક્ષેપકાર તરીકે સારું કાર્ય કરી શકે છે. વિવિધ ભાષાઓમાં પ્રસિદ્ધ થયેલા લેખોના સંક્ષેપનકાર્ય માટે આવી વ્યક્તિઓની મદદ અતિઆવશ્યક હોય છે.
મોટાભાગના વિષયનિષ્ણાતો કે વ્યાવસાયિકો નાનામોટા પુરસ્કાર સાથે સારસંક્ષેપનું કાર્ય પોતાના ફાજલ સમયમાં કરતા હોય છે.
(4) સ્વયં–સારસંક્ષેપ (ઑટો–ઍબ્સ્ટ્રૅક્ટ્સ) : આ સારસંક્ષેપ કમ્પ્યૂટરની મદદથી તૈયાર કરવામાં આવે છે. શબ્દોના નિયંત્રણ દ્વારા કમ્પ્યૂટર સ્વયં તેમાંના પ્રોગ્રામ પ્રમાણે મૂળ લેખમાંથી શબ્દો પસંદ કરીને સારસંક્ષેપ તૈયાર કરે છે. આ પ્રકારનો સારસંક્ષેપ સંપાદકે તપાસી લેવો અત્યંત જરૂરી હોય છે. વળી વાક્યરચનાની અને ભાષાના વ્યાકરણની ભૂલોને સુધારવી પણ અત્યંત જરૂરી હોય છે, અન્યથા કેટલીક વખત અર્થનો અનર્થ થઈ જવાની સંભાવના રહે છે.
સારસંક્ષેપનાં આવશ્યક અંગો : પ્રત્યેક સારસંક્ષેપ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાય છે : સંદર્ભ, વિષયવસ્તુ તથા સંક્ષેપકારની ટૂંકી સહી. સારસંક્ષેપ પ્રસિદ્ધ કરતાં સામયિકો સારસંક્ષેપની પહેલાં કે પછી સારસંક્ષેપનો ક્રમાંક અને કેટલીક વખત વર્ષ પણ આપતાં હોય છે. સંદર્ભમાં પ્રલેખનું શીર્ષક, લેખકનું નામ, વાઙ્મયસૂચિગત પૂર્ણ માહિતી, પ્રકાશનનું નામ અને સ્થળ આપવામાં આવે છે; જ્યારે વિષયવસ્તુમાં પ્રલેખનો સારસંક્ષેપ આપવામાં આવે છે. અંતે સંક્ષેપકારની ટૂંકી સહી, સારસંક્ષેપ-ક્રમાંક અને વર્ષ આપવામાં આવે છે. સારસંક્ષેપક્રમાંક અને વર્ષને કારણે જે તે સારસંક્ષેપ મેળવવાનું સુગમ થાય છે.
સારસંક્ષેપ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા :
(1) મૂળ પ્રલેખમાં આપેલી માહિતીને વફાદાર રહેવું.
(2) પૂરાં વાક્યોનો ઉપયોગ કરવો.
(3) અતિશયતા કે પ્રલેખનો નકામો ભાગ દૂર કરવો.
(4) માન્ય સંક્ષેપો, પ્રતીકો અને સંજ્ઞાઓનો જ ઉપયોગ કરવો.
(5) મૂળ ચિત્રો, ડ્રૉઇંગ, સારણી, આલેખો (ગ્રાફિક્સ) વગેરેનો ઉલ્લેખ સારસંક્ષેપમાં કરવો હિતાવહ છે.
(6) બીજા સંદર્ભોનો ઉલ્લેખ ન કરવો હિતાવહ છે.
(7) સારસંક્ષેપ સ્પષ્ટ હોવો જરૂરી છે.
(8) સારસંક્ષેપ તૈયાર કરવામાં અત્યંત ચોકસાઈ રાખવી અનિવાર્ય છે.
સારસંક્ષેપ તૈયાર કરવાની પ્રક્રિયા : સારસંક્ષેપ તૈયાર કરનારે આખો પ્રલેખ ધ્યાનપૂર્વક વાંચી જવાનો હોય છે. આ વાચન વખતે ચાવીરૂપ શબ્દો કે વાક્યો, લેખના ઉદ્દેશો, લેખવસ્તુ અને નિષ્કર્ષની નોંધ કરવી જરૂરી છે. ત્યારબાદ સારસંક્ષેપકારે બધા વિચારોને તર્કબદ્ધ રીતે ગોઠવવાના હોય છે. ટૂંકમાં, તેનું સહેલાઈથી વાંચી શકાય તેમ નિરૂપણ કરવાનું હોય છે. આ કાર્ય આંતરિક કૌશલ્ય, વિષયની અને ભાષાની પકડ, અનુભવ અને સૂઝ માંગી લે છે. સારસંક્ષેપ સ્પષ્ટ હોય એ અપેક્ષિત છે. દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ ટાળવો જરૂરી છે. દરેક સારસંક્ષેપ જે તે વિષયમાં આધુનિક જ્ઞાન આપતો હોય એ ઇચ્છનીય છે.
સારસંક્ષેપ સમયસર તૈયાર કરીને પ્રસિદ્ધ કરાય તે આવશ્યક છે. સમયનું પરિબળ પણ અગત્યનું છે.
સારસંક્ષેપ–સામયિકનું સંપાદનકાર્ય અને મૂલ્યાંકન : સારસંક્ષેપ પ્રસિદ્ધ કરતાં સામયિકોના સંપાદનનું કાર્ય ભાષાશુદ્ધિ કરવાનું, વાઙ્મયસૂચિગત માહિતીની તથા અન્ય ક્ષતિઓને કાળજીપૂર્વક નિવારવાનું અને જરૂર પડ્યે યોગ્ય ફેરફારો કરવાનું રહે છે. સંપાદકમાં પ્રથમ નજરે જ ભૂલ પકડવાની આવડત હોવી જરૂરી છે. આ બાબતમાં માન્ય માનકોનું અનુસરણ થાય એ ઇષ્ટ છે. આઇ. એસ. ઓ. : 214-1961 અને ભારતીય માનક આઇ. એસ. : 795-1998 છે, તેનો ઉપયોગ કરી શકાય. માનકોનો ઉપયોગ સારસંક્ષેપમાં એકસૂત્રતા લાવે છે.
‘સારસંક્ષેપ સામયિક’ના મૂલ્યાંકનનું કાર્ય મુશ્કેલ છે. મૂલ્યાંકન માટે નીચેના માપદંડોનો ઉપયોગ કરી શકાય :
(1) સારસંક્ષેપની ગુણવત્તા અને ઉપયોગિતા અંગેનાં ઉપ-ભોક્તાઓનાં મંતવ્યો/સૂચનો.
(2) માન્ય માનકો અપનાવવામાં આવ્યા છે કે નહિ તેની ચકાસણી
(3) પ્રલેખમાંની બધી જ અગત્યની બાબતોનો સમાવેશ થયો છે કે નહિ તેની તપાસ.
(4) ભૂલોનું પ્રમાણ.
(5) સારસંક્ષેપ વાચનમાં સરળતાનો અનુભવ.
સારસંક્ષેપ આપતાં સામયિકોના પ્રકાર :
(અ) જે તે વિષયમાં આખા વિશ્વમાં પ્રસિદ્ધ થતા પ્રલેખોનો સાર-સંક્ષેપ તૈયાર કરવો અને પ્રસિદ્ધ કરવો; દા.ત., કૅમિકલ ઍબ્સ્ટ્રૅક્ટ્સ.
(આ) રાષ્ટ્રીય : જે તે વિષયમાં પોતાના રાષ્ટ્રમાં પ્રસિદ્ધ થતા પ્રલેખોનો સારસંક્ષેપ તૈયાર કરવો અને પ્રસિદ્ધ કરવો; દા.ત., ઇન્ડિયન સાયન્સ ઍબ્સ્ટ્રૅક્ટ્સ.
(ઇ) સ્થાનિક : જે તે સંસ્થામાં આવતા પ્રલેખોમાંથી પોતાને જરૂરી અને ઉપયોગી થાય એવા પ્રલેખોનો સારસંક્ષેપ તૈયાર કરીને પ્રસિદ્ધ કરવો કે ઑનલાઇન તે પૂરો પાડવો.
(ઈ) વિશિષ્ટ સારસંક્ષેપસેવા : ખાસ – વિશિષ્ટ માહિતીસેવા આપતાં કેન્દ્રો દ્વારા કોઈ એક ખાસ વિષયક્ષેત્રમાં જે તે રાષ્ટ્રના ઉપભોક્તાઓને ત્વરિત માહિતી સેવાઓ આપવાના હેતુથી આવાં સામયિકો પ્રસિદ્ધ કરવામાં આવે છે. પ્રલેખોનો સારસંક્ષેપ નિષ્ણાતો દ્વારા ખાસ હેતુ/ખાસ દૃષ્ટિબિંદુથી તૈયાર કરવામાં આવે છે; દા.ત., ‘ટૅક્સિનકૉન’ (Textile Information Condensed, TEXINCON). આ સારસંક્ષેપ-સામયિકમાં વિષયનિષ્ણાતો સારસંક્ષેપ તે તૈયાર કરવાની ટૂંકી તાલીમ લીધા બાદ તૈયાર કરે છે. આ સારસંક્ષેપ-સામયિકનો હેતુ ભારતમાં કાપડ-ઉદ્યોગના ક્ષેત્રને જે કાંઈ ઉપયોગી થાય તેવા વિશ્વમાં પ્રસિદ્ધ થતા પ્રલેખોમાંથી સારસંક્ષેપ પૂરો પાડવાનો છે.
પ્રવીણ શાહ