સારથી, . પી. શર્મા (. 1 એપ્રિલ 1933, જમ્મુ) : ડોગરીના લેખક. તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો છે. તેમણે કલાકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને 1962 અને 1964માં વૈયક્તિક ચિત્રપ્રદર્શનો યોજ્યાં. સીએસઆઇઆરના સિનિયર આર્ટ ઑફિસર તરીકે નિવૃત્ત થયા પછી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિમાં વ્યસ્ત.

તેમને મળેલાં સન્માન આ પ્રમાણે છે : રાજ્યની અકાદમીનો ઍવૉર્ડ (5 વાર); ‘નંગા રુખ’ (1978) નામક લઘુનવલ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1979); ગાંધી સ્મારક નિધિ ઍવૉર્ડ (1980); ભારતીય દલિત સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1992).

તેમની માતૃભાષા ડોગરી છે અને હિંદી તથા ઉર્દૂમાં લખે છે. તેમનાં મુખ્ય પ્રકાશનો આ પ્રમાણે છે : ‘સક્કા બાસૂદ’ (1970), ‘લોક ગાય લોક’ (1971) અને ‘પાગલ દા તાજમહલ’ (1979)  એ તમામ વાર્તાસંગ્રહો; ‘નંગા રુખ’ (1978), ‘મકાન’ (1979), ‘પથર તે રંગ’ (1981), ‘રેશમ દે કીરે’ (1984) અને ‘ત્રેહ સમદર્દી’ (1978)  એ તમામ નવલકથાઓ; ‘બિન પાની કે દરિયા’ (1993) એ હિંદીમાં લખાયેલ નવલકથા; ‘ઉમ્રેં’ (1965) એ ઉર્દૂમાં લખાયેલી ટૂંકી વાર્તાઓ. ‘નંગા રુખ’ નામક પુરસ્કૃત નવલકથાનું ભારતીય ભાષાઓમાં અને અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. તેમણે રેડિયો અને રંગભૂમિ માટે પણ ઘણાં નાટકો લખ્યાં છે.

મહેશ ચોકસી