સારણગાંઠ, ઉરોદરપટલીય (hiatus hernia) : અન્નનળી અને/અથવા જઠરના ઘુમ્મટ(fundus)ના ભાગનો છાતીના પોલાણમાં સમયાંતરિત (intermittant) અથવા કાયમી પ્રવેશ.
એક અભ્યાસ પ્રમાણે ઉરોદરપટલીય સારણગાંઠનું પ્રમાણ 5 %થી 70 % હોય છે. ટકાવારીમાં વધુ પડતા તફાવતનું કારણ આ પ્રકારના વસ્તીરોગવિદ્યાના અભ્યાસો ઓછા થાય છે તે અને નિદાન ચોક્કસ કરવાના અલગ અલગ માપદંડો છે. આફ્રિકા અને એશિયાના દેશો કરતાં ઉત્તર અમેરિકા અને પશ્ચિમના દેશોમાં આ રોગ 50થી 100 ગણો વધુ જોવા મળે છે. અન્નનળીમાં પ્રવાહી પાછું જવાની તકલીફ સ્ત્રીઓમાં પુરુષના પ્રમાણમાં બમણી હોય છે, જ્યારે અન્નનળીશોથ (oesophagitis) નામની અન્નનળીમાં પીડાકારક સોજાની તકલીફ પુરુષોમાં સ્ત્રીઓના પ્રમાણમાં પાંચ ગણી વધુ જોવા મળે છે.
ઉંમરના વધતા દર દસકે આ વ્યાધિ થવાની શક્યતામાં પ્રમાણસર વધારો જોવા મળે છે. કોઈ પણ ઉંમરે થતો આ રોગ જીવનના ત્રીજા અને આઠમા દસકામાં ક્રમાંકે 5 %થી 60 % જેટલો જણાય છે.
ઉરોદરપટલીય સારણગાંઠ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે :
(1) સરકતી (sliding) સારણગાંઠ : તેમાં જઠરનો અન્નનળી તરફનો છેડો મધ્યવક્ષમાં પ્રવેશે છે (75 %).
(2) સંવલિત સારણગાંઠ (rolling hiatus hernia) અથવા પરા–અન્નનલીય (para-oesophagea) સારણગાંઠ : તેમાં અન્નનળી જઠરનું જોડાણ પેટના ભાગમાં જ રહે છે અને જઠરનો ઘુમ્મટ નામનો ભાગ છાતીના પોલાણમાં સરકે છે (20 %).
(3) મિશ્ર પ્રકારની સારણગાંઠ : તેમાં ઉપર્યુક્ત બંને પ્રકારની સારણગાંઠો હોય છે. (પ્રમાણ 5 %).
સરકતી ઉરોદરપટલીય સારણગાંઠ : આ પ્રકારના વિકારમાં અન્નનળીને યથાસ્થાને ચોંટાડી રાખતા તંતુબંધ(ligament)ની સ્થિતિસ્થાપકતા અને લંબાઈ વધે છે. નવજાત શિશુમાં આ તંતુબંધ ઘટ્ટ અને અન્નનળીને બરાબર ચોંટેલા હોય છે. વધતી વયની સાથે આ તંતુબંધ પાતળા થાય છે અને નબળા પડે છે. તેથી અન્નનળી ઉપરથી પોતાની પકડ ગુમાવે છે. પેટની અંદર જમા થતી ચરબીવાળી પેશી અન્નનળીને આ તંતુબંધ સાથે છાતીના પોલાણમાં ધકેલે છે. આના પરિણામસ્વરૂપ અન્નનળી છાતીના પોલાણમાં ધકેલાય છે. તેને લીધે અન્નનળીના નીચલા છેડાનો દ્વારરક્ષક (sphincter) તેનું કાર્ય બરાબર કરી શકતો નથી અને તેથી છાતીમાં બળતરા થાય છે.
(2 અને 3) પરા–અન્નનલીય તથા મિશ્ર પ્રકારની સારણગાંઠો : સરકતી સારણગાંઠ કરતાં સંવલિત અથવા પરા-અન્નનલીય મિશ્ર સારણગાંઠોનું મુખ્ય કારણ ઉરોદરપટલમાંનું છિદ્ર વધુ પ્રમાણમાં પહોળું અને મોટું થાય છે તે છે. તે સાથે અન્નનળીને આધાર આપતા તંતુબંધોની વધુ પડતી શિથિલતાના લીધે જઠરનો ઉપરનો ભાગ છાતીના પોલાણમાં પ્રવેશી શકે છે અને તેના પરિણામે ક્યારેક ઉરોદર-પટલીય છિદ્રમાં સારણગાંઠ ફસાઈ જાય છે અને તેનું રુધિરાભિસરણ બંધ થાય તેવી રીતે ગંઠાઈ જાય છે.
ઉરોદરપટલીય સારણગાંઠ થવાનાં ચોક્કસ કારણો જાણી શકાયાં નથી; પરંતુ નીચે દર્શાવેલી પરિસ્થિતિમાં તેનાં થવાનાં જોખમો વધી જાય છે :
50 કરતાં ઉપરની ઉંમર, ધૂમ્રપાન, વધુ પડતું શરીરનું વજન અને સગર્ભા અવસ્થા. ક્યારેક નવજાત શિશુમાં ઉદરપટલ અથવા જઠરનો વિકાસ બરાબર ન થયો હોય ત્યારે પણ તે થાય છે.
લક્ષણો, ચિહ્નો અને નિદાન : સામાન્ય સંજોગોમાં કોઈ તકલીફ થતી નથી. છાતીમાં બળતરા થાય તો તેને વક્ષદાહ (heart burn) કહે છે. ક્યારેક જઠરમાંનું અમ્લીય (acidic) પ્રવાહી અન્નનળી તરફ પાછું વળે છે ત્યારે છાતીમાં બળતરા થાય છે. જો તે તકલીફ સતત ચાલુ રહે તો તેને અન્નનળી-જઠર નિવર્તની રોગ (gastro-intestinal reflux disease, GORD) કહે છે.
ક્યારેક છાતીમાં સખત દુખાવો થાય છે. તે ક્યારેક હૃદયરોગના હુમલા જેવો હોય છે. વધુ જમ્યા પછી, જમીને તુરત જ સૂઈ ગયા પછી અથવા કમરથી આગળ વળતી વખતે વધુ તકલીફ થાય છે. તદુપરાંત, ખોરાક ઉતારવામાં તકલીફ, ઓડકાર સાથે હૃદયના વધુ તીવ્ર ધબકારા અને શ્વાસ ચઢવા જેવી તકલીફ વગેરે લક્ષણો પણ થઈ આવે છે.
નિદાન માટે બેરિયમનું પ્રવાહી પિવડાવીને જઠર અને અન્નનળીનાં ઍક્સ-રે-ચિત્રણો લેવાય છે. અન્નનળી અને જઠરમાં અંત:દર્શક (endoscopy) વડે નિદાન કરાય છે. બર્નસ્ટેઇનની કસોટી, અંત:દાબમાપન (menometry) તથા અન્નનળીમાંના પ્રવાહીના pH મૂલ્યની જાણકારી જેવા ક્રિયાશીલ અભ્યાસો(functional studies)ની નિદાન કરવામાં મદદ મેળવાય છે.
આનુષંગિક તકલીફો : જઠરની જેમ અન્નનળીનો નીચેનો ભાગ ઍસિડનો ભાર સહી શકતો નથી અને ત્યાં કાયમી નુકસાન જોવા મળે છે. ક્યારેક અન્નનળીના નીચેના ભાગમાં ચાંદું (ulcer) થાય છે. તેમાંથી ક્યારેક લોહી વહેવા માંડે છે અને તાત્કાલિક સારવાર લેવી પડે છે. લોહી વહેવાને લીધે લોહીનું હીમોગ્લોબિન ઘટે છે અને પાંડુતા (anaemia) થાય છે. લાંબા ગાળે આ ચાંદીઓમાં રૂઝ આવતાં અન્નનળીનો એ ભાગ સાંકડો થઈ જાય છે, જેથી ખોરાક ઉતારવામાં દુખાવો, રુકાવટ આવે છે. અન્નનળીમાંનાં ચાંદાંને બેરેટનો વ્રણ કહે છે અને તેમાંથી લાંબે ગાળે કૅન્સર થવાની શક્યતા રહે છે. શરૂઆતના જ ગાળામાં બરાબર સારવાર કરાવવાથી કૅન્સર થતું અટકાવી શકાય છે. છાતીના પોલાણમાં પ્રવેશ્યા પછી જો સારણગાંઠ ફસાઈ જાય તો ક્યારેક તેનો પેશીનાશ (gangrene) થાય છે.
સારવાર : એકસાથે વધુ જમવા કરતાં થોડા થોડા અંતરે ઓછું જમવાની સલાહ અપાય છે. કમરથી આગળ વળવાનું અને જમ્યા પછી આડા પડવાનું ટાળવું જરૂરી છે. તીવ્ર મસાલેદાર વ્યંજનો, કૉફી અને દારૂથી તકલીફમાં વધારો થાય છે, તેથી તેમનું સેવન નિવારવું જરૂરી છે. વળી, ચરબીજન્ય અને શર્કરાજન્ય ખોરાકમાં કમી કરવાનું સૂચવાય છે. ધૂમ્રપાન ન કરવાની તથા તમાકુ-ગુટકા ખાવાનું બંધ કરવાની હિમાયત કરવામાં આવે છે. વધુ પડતું વજન હોય તો તે ઘટાડવું પણ સલાહભર્યું છે. સૂતી વખતે ઓશીકા કે ખાટલાના શિરાણાનો ભાગ (headend) 10 c.m. જેટલો ઊંચો રાખવાનું સૂચવાય છે.
પ્રવાહી અથવા ગોળીના સ્વરૂપમાં ઍલ્યુમિનિયમ હાઇડ્રૉક્સાઇડ જેવા પ્રત્યામ્લોના ઉપયોગથી જઠરમાં ઉત્પન્ન થતા અમ્લને તટસ્થિત (neutralised) કરી શકાય છે. એલ્જિનેટ જેવા કેટલાક પદાર્થો જઠરના પ્રવાહી પર એક પડ બનાવી તરતા રહે છે, જેથી કરીને જઠરનાં અમ્લીય દ્રવ્યો અન્નનળી ઉપર સંક્ષોભન કરી શકતાં નથી; તેથી છાતીમાં બળતરા સામે તથા અન્નનળીમાં પાછા ફરતા પ્રવાહી સામે રાહત રહે છે. બિસ્મથ, સુક્રાલફેટ તથા કાર્બનૉક્સોલોન નામની દવાઓ જઠરની દીવાલો ઉપર એક આવરણ ચઢાવે છે અને તેની રક્ષા કરે છે.
જો પ્રત્યામ્લો (antacids) ધાર્યું કામ ન કરે તો જઠરમાં ઝરતા અમ્લ(acid)નું ઉત્પાદન ઘટાડવા હિસ્ટામિન-2-રોધકો અને પ્રોટોન-પમ્પ-અવદાબકો જેવી દવાઓનો ઉપયોગ લાભકારક રહે છે. આ દવાઓમાં રેનિટિડિન, ફેમોટિડિન, ઓમ્નાપ્રેઝોલ, પેન્ટોપ્રેઝોલ, રેબિપ્રેઝોલનો સમાવેશ થાય છે.
દર્દ વધી જતાં શસ્ત્રક્રિયાનો સહારો લેવો પડે છે. એની સાથે જરૂર પડ્યે જઠરમાં ઍસિડ ઓછું પેદા થાય તે માટે બહુ વિસ્તારીચેતા(vagus nerve)ને કાપવાની શસ્ત્રક્રિયા કરાય છે. જઠરની સંરચના યોગ્ય કરવાની શસ્ત્રક્રિયા હવે ઉદરાંત:દર્શક (laparoscope) વડે પણ કરાય છે.
અન્નનળીના નીચેના ભાગમાં લાંબા ગાળાની ચાંદીઓના કારણે રૂઝ આવતાં અન્નનળીનો તે ભાગ બરડ અને સાંકડો થઈ જાય છે. તેને પહોળો કરાય છે અને પછી તેટલો ભાગ કાપી જઠર અથવા આંતરડા સાથે સીવી દેવામાં આવે છે. કદી કદી અન્નનળીની ચાંદીઓમાં રક્તસ્રાવ થતાં તે ભાગને કાપી જઠર સાથે સીવી લેવામાં આવે છે.
કાઝિમ મોમિન