સારંગદેવ (ઈ. સ. 1275–1296) : અણહિલવાડ પાટણની ગાદીએ આવનાર વાઘેલા-સોલંકી વંશના અર્જુનદેવ(1262-1275)નો પુત્ર. તે પરાક્રમી હતો અને તેણે પોતાના શાસનકાલ દરમિયાન લડાઈઓ કરીને ગુર્જરભૂમિને ભયમુક્ત કરી હતી. ઈ. સ. 1277ના લેખમાં તેને ‘માલવધરા-ધૂમકેતુ’ કહ્યો છે. ઈ. સ. 1287ની ‘ત્રિપુરાંતક પ્રશસ્તિ’માં તેણે માલવ-નરેશને હંફાવ્યાનું જણાવ્યું છે. તેથી સ્પષ્ટ થાય છે કે તેણે માળવા પર ચડાઈ કરી વિજય મેળવ્યો હતો. તેના સમયમાં મુસલમાનો આબુ સુધી ધસી આવ્યા હતા. તે વખતે આબુમાં પરમાર રાજા પ્રતાપસિંહ સત્તા પર હતો. તેના ઉપર સારંગદેવના મંડલેશ્વર (સામંત) વીસલદેવની સત્તા હતી. આ બધાએ વીરતાથી સામનો કરી મુસ્લિમોને હાંકી કાઢ્યા હતા. સારંગદેવના મહામંડલેશ્વર વિજયાનંદે ભૂભૃત્પલ્લી (ઘૂમલી) પર ચડાઈ કરી હતી.
સારંગદેવે ‘નારાયણાવતાર’, ‘લક્ષ્મીસ્વયંવર’, ‘માલવધરા-ધૂમકેતુ’, ‘અભિનવ સિદ્ધરાજ’, ‘ભુજબલમલ્લ’, ‘સપ્તમચક્રવર્તી’ વગેરે ખિતાબો ધારણ કર્યા હતા.
તેણે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેના સમયમાં સોમનાથમાં ગંડ બૃહસ્પતિએ નીમેલા છઠ્ઠા મહંત ત્રિપુરાંતકે ભગવાન શંકરનાં પાંચ મંદિર બંધાવ્યાં હતાં. તેના સમયમાં અર્જુનદેવના સમયનો માલદેવ મહામાત્ય હતો. તે પછી કાન્હ, મધુસૂદન અને વાધૂય મહામાત્યપદે હતા. તેના આખરના સમયે માધવ મહામાત્ય હતો.
જયકુમાર ર. શુક્લ