સારસ્વત વ્યાકરણ : સંસ્કૃત ભાષા વિશેનો વ્યાકરણગ્રંથ. સરસ્વતીદેવીએ આનાં સૂત્રો આપેલાં માટે તેનું નામ ‘સારસ્વત’ પડ્યું એવી એક દંતકથા પ્રચલિત છે. તેની પ્રક્રિયા કે વૃત્તિ લખનારા પરમહંસ પરિવ્રાજક અનુભૂતિસ્વરૂપાચાર્ય નામના સંન્યાસીએ પંડિતો સાથે ચર્ચામાં ‘पुंसु’ શબ્દને બદલે દાંત પડી ગયા હોવાથી ‘पुंक्षु’ એવો ઉચ્ચાર કર્યો. આથી પ્રતિપક્ષીઓએ ‘पुंक्षु’ શબ્દ ખોટો છે અને તેની પ્રક્રિયા કરી આપવા કહ્યું તેથી દેવી સરસ્વતીએ પહેરાવેલી સાતસો ફૂલોની માળામાંથી સાતસો સૂત્રો આપ્યાં અને તેમણે એ સૂત્રો પર પ્રક્રિયા કે વૃત્તિ રચી અને ‘पुंक्षु’ એ શબ્દ સિદ્ધ કરી બતાવ્યો. એક મત મુજબ નરેન્દ્ર નામના પ્રાચીન વૈયાકરણે ફક્ત 700 સૂત્રો રચ્યાં છે. તેમાં સરસ્વતીની પ્રેરણા મુખ્ય હતી.

સાતસો સૂત્રો અને વીસ પ્રત્યાહારો વડે રચાયેલો આ સૌથી સંક્ષિપ્ત વ્યાકરણગ્રંથ છે. પોતાની વૃત્તિમાં અનુભૂતિસ્વરૂપાચાર્યે કાશીના પદ્માકર ભટ્ટ વગેરે વિદ્વાનોને યાદ કર્યા છે તથા ગણપતિ, હયગ્રીવ અને લક્ષ્મી-નૃસિંહને વંદના કરી છે.

સાતસો સૂત્રોને પ્રક્રિયા મુજબ રજૂ કર્યાં છે. આખો ગ્રંથ ત્રણ વૃત્તિઓમાં વહેંચેલો છે. પ્રથમા વૃત્તિમાં 17 પ્રક્રિયાઓ છે અને તેમાં સંજ્ઞા, સંધિ, સુબન્ત, સ્ત્રીપ્રત્યય, કારક, સમાસ અને તદ્ધિતનાં સૂત્રો આપ્યાં છે. દ્વિતીયા વૃત્તિમાં દશગણી, દસ લકારો, નામધાતુ, કર્તરિ, કર્મણિ અને ભાવેપ્રયોગ વગેરેનાં સૂત્રો 34 પ્રક્રિયાઓમાં રજૂ થયાં છે. તૃતીયા વૃત્તિમાં 9 પ્રક્રિયાઓમાં કૃદંત, ઉણાદિ અને કૃત્ પ્રત્યયો વગેરે રજૂ થયાં છે.

અનુભૂતિસ્વરૂપાચાર્ય પાણિનિને અનુસરે છે, છતાં પાણિનિ કરતાં તેમના પ્રત્યાહારો ભિન્ન છે. પાણિનિના નિયમો આપવા છતાં ‘पुंक्षु’ એ રૂપ માનવામાં તે પાણિનિથી જુદા પડે છે. 13મી સદીમાં રચાયેલું આ વ્યાકરણ સંક્ષિપ્ત હોવાથી લોકપ્રિય બન્યું હતું. ગુજરાતમાં પણ થોડો વખત લોકપ્રિય હોવાથી પ્રચલિત રહ્યું હતું.

‘સારસ્વત વ્યાકરણ’ પર રામનારાયણ, સત્યપ્રબોધ, ક્ષેમંકર, જગન્નાથ અને મહીધરની ટીકાઓ રચાયેલી છે. તેની પરિભાષાઓ પર દયારત્ન નામના લેખકે ‘सारस्वतपरिभाषा’ નામનો ગ્રંથ લખ્યો છે. કાશીનાથ નામના લેખકે પ્રસ્તુત વ્યાકરણ પર ‘सारस्वतभाष्य’ નામની વિદ્વત્તાપૂર્ણ ટીકા લખી છે. હરિદેવ નામના લેખકે આટલા સંક્ષિપ્ત ‘સારસ્વત વ્યાકરણ’નો ‘सारस्वतसार’ નામનો સંક્ષેપ આપ્યો છે. રામાશ્રમ નામના લેખકે ‘सारस्वतसिद्धान्तचंद्रिका’ નામનો ગ્રંથ લખ્યો છે. પ્રસ્તુત ગ્રંથ મૂળ સંસ્કૃતમાં વિઠ્ઠલ નારાયણ ગોરેએ 1886માં નિર્ણયસાગર પ્રેસ, મુંબઈથી સંપાદિત કરીને આપ્યો છે. ગુજરાતી અનુવાદ સાથે લીંબડી-સૌરાષ્ટ્રમાંથી વૈદ્યનાથ મોતીરામ ભટ્ટે 1899માં તેની આવૃત્તિ તૈયાર કરી જે પછી જીવરામ પંડ્યાએ લીંબડીથી જ પ્રકાશિત કરી છે. આમ ‘સારસ્વત વ્યાકરણ’ એક અલગ પરંપરાનો વ્યાકરણગ્રંથ છે.

પ્ર. ઉ. શાસ્ત્રી