સાયલા : ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 25´ ઉ. અ. અને 71° 29´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. સાયલા સુરેન્દ્રનગરથી આશરે 30 કિમી. અંતરે નૈર્ઋત્ય તરફ આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ આશરે 973 ચોકિમી. જેટલું છે. તેની ઉત્તરે મૂળી તાલુકો, પૂર્વમાં વઢવાણ અને લીંબડી તાલુકા, દક્ષિણે ભાવનગર અને રાજકોટ જિલ્લા તથા પશ્ચિમે ચોટીલા તાલુકો આવેલા છે. આ તાલુકામાં સાયલા નગર અને 75 ગામો આવેલાં છે. સાયલા તાલુકાના ઈશાન ભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : સાયલા તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ સપાટ તથા જમીનો મધ્યમ પ્રકારની કાળી છે. તાલુકાના કેટલાક ભાગોમાં ડેક્કન ટ્રેપના ખડકો જોવા મળે છે. તે કપચી માટે ઉપયોગમાં લેવાય છે. તાલુકામાંથી પસાર થતી મુખ્ય નદીઓમાં વઢવાણ-ભોગાવો, લીંબડી-ભોગાવો અને સુકભાદરનો સમાવેશ થાય છે.
આબોહવા : સાયલા તાલુકો દરિયાથી દૂર આવેલો હોઈ વિષમ પ્રકારની આબોહવા ધરાવે છે. અહીંનાં મે અને જાન્યુઆરીનાં મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 42° સે. અને 26° સે. તથા 28° સે. અને 12° સે. જેટલાં રહે છે. ઉનાળામાં ક્યારેક તે વધીને 45°થી 46° સે. સુધી પણ પહોંચે છે. વરસાદની સરેરાશ અંદાજે 450થી 500 મિમી. જેટલી રહે છે.
વનસ્પતિ–પ્રાણીજીવન–ખેતી : સાયલા તાલુકામાં બાવળ, ગાંડો બાવળ અને છૂટાંછવાયાં ઘાસનાં બીડ જોવા મળે છે. અહીંનાં મુખ્ય પાલતુ પશુઓમાં ગાય, બળદ, ભેંસ, ઘેટાં-બકરાં, ઘોડા, ગધેડાં અને ઊંટનો સમાવેશ થાય છે; અહીં ખાસ કોઈ જંગલી પ્રાણીઓ નથી, ક્યાંક ક્યાંક શિયાળ, નોળિયા અને સાપ દેખાય છે. અહીંનાં ગાય-બળદ ગીર ઓલાદનાં છે, જ્યારે ભેંસો દેશી તેમજ જાફરાબાદી ઓલાદની છે. ઘેટાં-બકરાંની સંખ્યા વધુ છે, તેમનાંમાંથી ઊન મેળવાય છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. મુખ્ય કૃષિપાકોમાં અહીં થોડા પ્રમાણમાં કપાસ, ઘઉં, કઠોળ કે તેલીબિયાં થાય છે. તાલુકાના વાગડિયા ખાતે પૉટરી આવેલી છે.
વસ્તી–લોકો : 2001 મુજબ આ તાલુકાની વસ્તી 1,01,168 છે. પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા અનુક્રમે 52 % અને 48 % છે. અહીંના 50 % લોકો ખેતીમાં ખેડૂતો અને ખેતમજૂરો તરીકે કામ કરે છે, કેટલાક સરકારી કે અન્ય નોકરીઓમાં તો બીજા વેપાર, ગૃહઉદ્યોગ, કુટિર-ઉદ્યોગોમાં રોકાયેલા છે. અહીં વણાટકામ, લુહારીકામ, માટીકામ, મકાનબાંધકામ જેવાં પરંપરાગત કામ પણ ચાલે છે.
સાયલા (નગર) : સાયલા નગર 22° 33´ ઉ. અ. અને 71° 29´ પૂ. રે. પર સુરેન્દ્રનગરથી નૈર્ઋત્યકોણમાં આશરે 30 કિમી. અંતરે આવેલું છે. તે ભૂતપૂર્વ સાયલાના દેશી રજવાડાનું વહીવટી મથક હતું. આ નગર ‘ભગતના ગામ’ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળ જોરાવર-સાયલા નૅરોગેજ રેલમાર્ગનું રેલમથક છે. તે અમદાવાદ-રાજકોટ ધોરી માર્ગ પર લીંબડી મારફતે જોડાયેલું છે. નગરનો ઔદ્યોગિક વિકાસ ખાસ થયેલો નથી. અહીં આજુબાજુના વિસ્તારમાં કપાસ થતો હોવાથી જિન આવેલું છે. અહીં ખાદીકાર્યાલય અને અંબર ચરખાનું સૂતર-ઉત્પાદન કેન્દ્ર પણ છે. બૅન્ક ઑવ્ સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બૅન્કની શાખાઓ પણ છે.
લાલજી મહારાજનું મંદિર, સાયલા
આ નગરમાં એક બાલમંદિર, એક કુમારશાળા, એક કન્યાશાળા, બે પ્રાથમિક શાળાઓ, એક માધ્યમિક શાળા, બે પુસ્તકાલયો, પ્રાથમિક આરોગ્યકેન્દ્ર, એક દવાખાનું, એક પશુદવાખાનું, સરકારી ખાતાંઓની કેટલીક કચેરીઓ, પોસ્ટ અને તાર-ઑફિસ જેવી શૈક્ષણિક અને જાહેર સુવિધાઓ ઉપલબ્ધ છે.
સાયલામાં લાલા કે લાલજી ભગતનું ધાર્મિક સ્થાનક, રણછોડરાયનું મંદિર, છાત્રાલય, નિ:શુલ્ક ભોજનાલય અને ભગતની ગૌશાળા આવેલાં છે. શીતળાસાતમ અને ગોકુલઆઠમે અહીં મેળો ભરાય છે. આ ઉપરાંત અહીં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર, રામજીમંદિર, હનુમાનનું મંદિર, બે આર્યસમાજી વેદમંદિરો, અજિતનાથ જૈન મંદિર, વીસભુજેશ્વરી માતાજીનું મંદિર જેવાં ધાર્મિક સ્થાનો પણ છે.
સાયલા જૈન મુનિ નાનચંદજી મહારાજની જન્મભૂમિ છે. તેમની પ્રેરણાથી અહીં સાધના-કુટિર, અતિથિગૃહ, પુસ્તકાલય વગેરે સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. અર્ધમાગધી, પાલી, પ્રાકૃત અને જૈન તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી દલસુખભાઈ માલવણિયા; ધાર્મિક પુસ્તકોના અભ્યાસી ‘જયભિખ્ખુ’ બાલાભાઈ વીરચંદ દેસાઈ અને સામાજિક કાર્યકર અને છ પુસ્તકોના લેખક બબલભાઈ પ્રાણજીવન મહેતા સાયલાના હતા. આ રીતે સાયલાના નગરવાસીઓનું ધાર્મિક તેમજ શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન રહ્યું છે.
શિવપ્રસાદ રાજગોર