સાયરસ, મહાન (જ. ઈ. પૂ. 590-580, મીડિયા; અ. 529) : ઈરાનનો રાજા, પર્શિયન સામ્રાજ્યનો સ્થાપક. તે ઈરાનના અમીર કુટુંબમાં જન્મ્યો હતો. મિડિસના રાજા એસ્ટિયેજિસને તેણે ઈ. પૂ. 559માં હાંકી કાઢ્યો અને એકબતાના અને બીજા પ્રદેશો જીતી લઈને સામ્રાજ્ય સ્થાપ્યું. લિડિયા, બૅબિલોનિયા તથા ઇજિપ્તના શાસકોએ તેની વિરુદ્ધ જોડાણ કર્યું અને તેનો સખત સામનો કર્યો; પરંતુ તેમને સફળતા મળી નહિ. સાયરસે ક્રોસસને હરાવ્યો અને લિડિયા તેની સત્તા હેઠળ આવ્યું. ઈ. પૂ. 538માં બૅબિલોનિયાનું ખાલ્ડિયન (chaldaean) સામ્રાજ્ય સાયરસે જીતી લીધું. ગ્રીક નગરો પણ પાછળથી ઈરાનની સત્તા હેઠળ આવ્યાં. યહૂદીઓ સાયરસની પ્રશંસા કરતા હતા અને સાયરસ યહૂદીઓની તરફેણ કરતો હતો. પૅલેસ્ટાઇનમાં તેણે યહૂદીઓને સત્તા સોંપી હતી. બાઇબલમાં તે જાણીતો થયો છે. તેના વિશાળ સામ્રાજ્યના દરેક પ્રદેશના લોકોના ધર્મો તથા રિવાજોનો તે આદર કરતો. તેથી લોકો તેને વિજેતા નહિ પરંતુ તારણહાર માનતા હતા. બાઇબલમાં ભગવાને નીમેલા પ્રતિનિધિ તરીકે તેને માનવામાં આવ્યો છે. પોતાના પાટનગર તરીકે તે સુસા, એકબતાના અને બૅબિલોન નગરોનો ઉપયોગ કરતો. તેણે પસારગાદી નગરમાં એક ભવ્ય મહેલ બંધાવ્યો હતો. તેને તે મહેલમાં દફનાવવામાં આવ્યો હતો. તેના પછી તેનો પુત્ર કૅમ્બિસિસ ગાદીએ બેઠો.
જયકુમાર ર. શુક્લ