સાયપ્રસ (Cyprus) : ભૂમધ્ય સમુદ્રના ઈશાનકોણમાં આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 00´ ઉ. અ. અને 33° 00´ પૂ. રે.ની આજુબાજુનો 9,251 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ટર્કીથી આશરે 64 કિમી. દક્ષિણ તરફ તથા સીરિયાથી આશરે 100 કિમી. પશ્ચિમ તરફ આવેલો છે. ભૌગોલિક રીતે તે એશિયામાં છે, પરંતુ ત્યાંના લોકોની જીવનશૈલી યુરોપના લોકોને વધુ મળતી આવે છે.

સાયપ્રસ

તેમનું જીવનધોરણ ઊંચું છે. આ ટાપુદેશ તેનાં રમણીય દૃશ્યો માટે જાણીતો છે; એટલું જ નહિ, ત્યાંની ટેકરીઓને મથાળે બાંધેલા કિલ્લા, જૂનાં દેવળો, સમુદ્રકંઠારપટ તેમજ ખાબડખૂબડ પહાડીપ્રદેશ પણ જોવાલાયક છે. નિકોસિયા તેનું પાટનગર તથા મોટામાં મોટું શહેર છે. નિકોસિયાનો ઘણોખરો ભાગ ગ્રીક વિસ્તારમાં રહેલો છે, જ્યારે તેનો થોડો ભાગ ટર્કી વિસ્તારમાં ગણાય છે.

ભૂપૃષ્ઠ : આ ટાપુદેશની ભૂમિ રમણીય દૃશ્યોથી ભરપૂર છે. તેને કાંઠે કાંઠે સોનેરી રેતીવાળા સમુદ્રકંઠારપટ તથા તેની નજીકમાં ખાબડખૂબડ ખડકાળ રચનાઓ પથરાયેલી છે. અહીંની ટ્રુડોસ ગિરિમાળા અને કાયરેનિયા ગિરિમાળા પહોળા ફળદ્રૂપ મેસોરિયા મેદાનથી અલગ પડે છે. નૈર્ઋત્ય સાયપ્રસની ટ્રુડોસ ગિરિમાળા પ્રમાણમાં મોટી છે. તેનો કેટલોક ભાગ ગીચ જંગલોથી આચ્છાદિત છે. 1,952 મીટરની ઊંચાઈ ધરાવતું માઉન્ટ ઑલિમ્પસ તેનું સર્વોચ્ચ સ્થળ છે. કાયરેનિયા ગિરિમાળા સાયપ્રસને ઉત્તર કાંઠે વિસ્તરેલી છે.

આબોહવા : આ દેશની આબોહવા આખુંય વર્ષ સૂર્યતાપવાળી ખુશનુમા રહે છે. શિયાળાની ઋતુમાં ટ્રુડોસના ઊંચાઈવાળા ભાગો પર હિમવર્ષા થાય છે, મેસોરિયા મેદાનમાં શિયાળો નરમ રહે છે. ઉનાળા દરમિયાન અહીં ક્યારેક તાપમાન 38° સે. સુધી પણ પહોંચે છે. મેદાની ભાગોમાં સરેરાશ વાર્ષિક વરસાદ 300થી 400 મિમી. જેટલો પડે છે. ટ્રુડોસ પર્વતો પર 1,000 મિમી. જેટલો વરસાદ પડે છે.

અર્થતંત્ર : પ્રવાસન આ દેશનો મહત્ત્વનો ઉદ્યોગ છે. ઘણા લોકો અહીંનાં રમણીય દૃશ્યો, ઐતિહાસિક સ્થળો અને ખુશનુમા આબોહવાની મોજ માણવા મુલાકાત લે છે. દેશની મુખ્ય પેદાશોમાં સિમેન્ટ, સિગારેટ, પગરખાં, ઑલિવ ઑઇલ, કાપડ અને દારૂનો સમાવેશ થાય છે. ખેડૂતો જવ, ગ્રેપફ્રૂટ, દ્રાક્ષ, લીંબુ, ઑલિવ, નારંગી, બટાટા અને ઘઉંનું વાવેતર કરે છે. ટાપુમાં મળતાં ખનિજોમાં ઍસ્બેસ્ટૉસ અને ક્રોમાઇટ મુખ્ય છે. પ્રાચીન સમયમાં અહીંથી મોટા પ્રમાણમાં તાંબાની ખનિજોનું ખનન થતું હતું, પરંતુ હવે તે ખલાસ થઈ ગઈ છે.

સાયપ્રસમાં રેલમાર્ગો નથી, પરંતુ રસ્તાઓની ગૂંથણી સારી છે. લિમાસોલ અને લાર્નેકા અહીંનાં મુખ્ય બંદરો છે. દેશનું મુખ્ય હવાઈ મથક લાર્નેકા ખાતે આવેલું છે.

વસ્તીલોકો : આ દેશની વસ્તી 2000 મુજબ આશરે 7,57,000 જેટલી છે. અહીંની 70 % વસ્તી શહેરી છે. દેશનાં મુખ્ય શહેરોમાં નિકોસિયા (પાટનગર : વસ્તી : 1,97,800), લિમાસોલ (વસ્તી : 1,57,600), લાર્નેકા (વસ્તી : 67,700) અને પાફોસ (વસ્તી : 40,000)નો સમાવેશ થાય છે. ગ્રીક અને ટર્કિશ અહીંની સત્તાવાર ભાષાઓ છે, તેમ છતાં અંગ્રેજી ભાષાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. શહેરી નિવાસીઓ પશ્ચિમી ઢબના આવાસોમાં રહે છે. મોટાભાગની ગ્રામીણ પ્રજા ચારે બાજુ ખુલ્લાં આંગણાંવાળાં, ઈંટ કે પથ્થરથી બનાવેલાં નાનાં મકાનોમાં રહે છે. ગામડાંમાં હજી કેટલીક જૂની વિચારસરણી ધરાવતા પુરુષો ભરતગૂંથણવાળાં સુશોભનીય બાંડિયાં અને પહોળાં, કાળાં પાટલૂન (વ્રૅક્સ) પહેરે છે, જ્યારે સ્ત્રીઓ લાંબાં સ્કર્ટ અને ટૂંકા કબજા (સાર્કસ) પહેરે છે. આશરે 90 % નિવાસીઓ લખી-વાંચી જાણે છે. 6થી 12 વર્ષ સુધીનાં બાળકો માટે શાળાશિક્ષણ ફરજિયાત છે. તક્નીકી શાળાઓ અને શિક્ષકો માટે તાલીમી અકાદમીની સગવડ છે. દેશ ગ્રીક અને ટર્કી વહીવટ હેઠળ વહેંચાયેલો હોવાથી મોટાભાગના ગ્રીક-સાયપ્રસ નિવાસીઓ ખ્રિસ્તી છે, તેઓ સાયપ્રસના સનાતની ચર્ચમાં માનનારા છે; જ્યારે ટર્કી-સાયપ્રસ નિવાસીઓ મુસ્લિમ છે.

દેશના 80 % નિવાસીઓ મૂળ ગ્રીક વંશના છે, બાકીના ટર્કી છે. આ કારણે અહીંના લોકો પોતાને સાયપ્રસ રાષ્ટ્રના નિવાસીઓ કહેવરાવવા કરતાં ગ્રીક કે ટર્કિશ કહેવરાવવાનું વધુ પસંદ કરે છે. આથી આ બે જૂથો વચ્ચે સંઘર્ષની સમસ્યા રહ્યાં કરે છે. વળી દેશના વહીવટમાં પણ બહારના દેશોની દખલ થયાં કરે છે.

સરકાર : સાયપ્રસ પ્રજાસત્તાક દેશ છે. 1960ના સાયપ્રસના બંધારણ મુજબ, પ્રમુખ સરકારના અને રાજ્યના વડા ગણાય છે. પ્રમુખ ગ્રીક-સાયપ્રસ-નિવાસી હોવા જોઈએ, તેઓ ગ્રીક-સાયપ્રસ-નિવાસીઓ દ્વારા ચૂંટાઈ આવે છે. ઉપપ્રમુખ ટર્કી-સાયપ્રસ-નિવાસી હોવા જોઈએ, તેઓ ટર્કી-સાયપ્રસ-નિવાસીઓ દ્વારા ચૂંટાઈ આવે છે. બંધારણની રૂએ ધારાસભા અને અન્ય સરકારી સંસ્થાઓમાં સત્તાવહેંચણી પણ ગ્રીક/ટર્કી સાયપ્રસ-નિવાસીઓ વચ્ચે માફકસરની રહે તે જોવાય છે.

સાયપ્રસનું વાણિજ્યિક મહાબંદર કાયરેનિયા

1974ના ટર્કી આક્રમણને કારણે સરકારી તંત્રમાં આ પ્રમાણેનું સત્તાવિભાજન થયેલું છે. આક્રમણ બાદ, તુર્કોએ અલગ સરકારની સ્થાપના તો કરેલી, પરંતુ ગ્રીક-સાયપ્રસ-નિવાસીઓના વર્ચસ્ હેઠળ ટર્કી-સાયપ્રસ-નિવાસીઓ રહે એવી વ્યવસ્થા ગોઠવી દીધી છે.

સાયપ્રસ સ્વતંત્ર દેશ હોવા છતાં સતત તંગદિલીમાં જીવે છે. ચારેક હજાર વર્ષ પૂર્વે તે ગ્રીક સામ્રાજ્યનો ભાગ હતો અને ઘણા ગ્રીકો અહીં સ્થાયી થયા છે. બીજી બાજુ તુર્કી મૂળના મુસ્લિમ સાયપ્રોઇટો પણ અહીં વસે છે. 1571થી 300 વર્ષો સુધી આ ટાપુ પર તુર્કોની હકૂમત હતી. 16મી ઑગસ્ટ, 1960ના રોજ તેને સ્વાતંત્ર્ય મળ્યું; પરંતુ ગ્રીકો અને તુર્કોના કોમી ઝઘડા સતત તંગદિલી સર્જે છે. તુર્કી, સીરિયા, લિબિયા, લેબેનૉન અને મિસરની વચ્ચોવચ્ચ આવેલા આ નાના રાજ્યની હાલત ઘણી કફોડી છે. 1964માં કોમવાદી તંગદિલીને કારણએ ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાયેલી. એ સમયે સંયુક્ત રાષ્ટ્રસંઘના નેતૃત્વ હેઠળ ભારતીય સેનાધ્યક્ષ કે. એસ. થિમૈયાના કુશળ નેતૃત્વ હેઠળ ભારતીય શાંતિ દળોએ બળવો દાબી દઈ શાંતિની સ્થાપના કરી હતી. આ સહાયતાની કદર કરવા તેના ટપાલખાતાએ 1966માં સેનાધ્યક્ષ થિમૈયા અને યુનોના પ્રતીક સાથેની ટપાલ-ટિકિટ બહાર પાડી હતી.

ઇતિહાસ : આશરે ઈ. પૂ. 6000માં સાયપ્રસમાં લોકોનો વસવાટ હતો. આશરે ઈ. પૂ. 1200માં ગ્રીક વસાહતીઓ સાયપ્રસના ટાપુમાં આવ્યા અને પ્રાચીન ગ્રીસ જેવાં નગરરાજ્યો સ્થાપ્યાં. ઈસુના સમય પહેલાં એસિરિયનો, ઇજિપ્શિયનો, પર્શિયનો, ગ્રીકો અને રોમનોએ સાયપ્રસમાં વિજયો મેળવ્યા હતા. ઈ. સ. 45માં સંત બાર્નેબસ અને સંત પૉલે ત્યાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો. ઈ. સ. 330માં સાયપ્રસ બાયઝૅન્ટાઇન સામ્રાજ્યનો ભાગ બન્યું. ઇંગ્લડના રિચાર્ડ ધ લાયન-હાર્ટેડે 1191માં સાયપ્રસ કબજે કર્યું અને પછી તે એક ફ્રેન્ચ ઉમરાવને વેચી દીધું. ઑટોમન તુર્કોએ 1570ના દાયકામાં સાયપ્રસ પર ચડાઈ કરી અને 1878માં તુર્કીના સુલતાન સાથે કરાર કરીને ગ્રેટ બ્રિટને કબજે કર્યું ત્યાં સુધી શાસન કર્યું. આ દરમિયાન અનેક તુર્કો ત્યાં વસ્યા હતા. ગ્રેટ બ્રિટને 1925માં તેને તાજની વસાહત જાહેર કરી. ત્યારબાદ ત્યાં વસતા ગ્રીકો(Greek Cypriots)એ સાયપ્રસને ગ્રીસ સાથે જોડવાની ચળવળ શરૂ કરી. તેનું નેતૃત્વ આર્કબિશપ મકારિયોસે લીધું. ગ્રીકોના ગુપ્ત સંગઠને અંગ્રેજો પર ગેરીલા-પદ્ધતિથી હુમલા કર્યા. બ્રિટને 1955માં સાયપ્રસ ટાપુમાં અસાધારણ સ્થિતિ જાહેર કરી અને 1956માં મકારિયોસને દેશનિકાલ કરીને હિંદ મહાસાગરમાં આવેલા સિકિલિસ ટાપુઓમાં રાખ્યો. ઝ્યુરિક કરાર મુજબ 16 ઑગસ્ટ, 1960ના રોજ સાયપ્રસ સ્વતંત્ર થયું. આર્કબિશપ મકારિયોસ નવા રાજ્યનો પ્રમુખ બન્યો. ગ્રીકો અને તુર્કો વચ્ચે અધિકારો તથા સલામતીની બાબતમાં ઝઘડા થયા અને 1964 તથા 1967માં તેમની વચ્ચે લડાઈ થઈ. તે પછી મંત્રણાઓ કરવામાં આવી, છતાં સંતોષકારક પરિણામ ન આવ્યું. મકારિયોસ 1968 અને 1973માં પ્રમુખપદે ચૂંટાયો. જુલાઈ, 1974માં ગ્રીક અફસરોના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય રક્ષક દળે મકારિયોસને સત્તા પરથી ઉથલાવ્યો અને તે સાયપ્રસમાંથી નાસી ગયો. તે પછી (1974માં) તુર્કીએ સાયપ્રસ પર આક્રમણ કર્યું. સાયપ્રસના તુર્કો અને ગ્રીકો વચ્ચે વ્યાપક લડાઈ થઈ. તુર્કોએ ઈશાન (ઉત્તર-પૂર્વમાં) સાયપ્રસમાં આવેલો વિશાળ પ્રદેશ કબજે કર્યો. હજારો ગ્રીકો નૈર્ઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) સાયપ્રસ તરફ નાસી ગયા. મંત્રણા બાદ ઑગસ્ટમાં લડાઈ બંધ થઈ. 1974ના પાછલા મહિનાઓમાં મકારિયોસ પ્રમુખ તરીકે પાછો ફર્યો. 1977માં તેનું અવસાન થયું. 1975માં, તુર્કોએ કબજે કરેલ ઈશાન સાયપ્રસને સ્વાયત્ત રાજ્ય જાહેર કર્યું. 1983માં સાયપ્રસના તુર્કોએ ‘ટર્કિશ રીપબ્લિક ઑવ્ નૉર્ધર્ન સાયપ્રસ’ તરીકે સ્વતંત્ર રાષ્ટ્રની જાહેરાત કરી. તેમ છતાં સંયુક્ત રાષ્ટ્રો અને તુર્કી સિવાયના બધા દેશો નૈર્ઋત્ય સાયપ્રસમાંની ગ્રીક સરકાર હેઠળ સાયપ્રસને એક રાષ્ટ્ર તરીકે સ્વીકારે છે. સાયપ્રસના બે વિભાગોને જોડવાની મંત્રણા માર્ચ, 2003માં પણ સફળ થઈ નહિ.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ

રક્ષા મ. વ્યાસ