સાયન્ટિફિક અમેરિકન (માસિક) : ન્યૂયૉર્ક(US)થી પ્રકાશિત થતું એક વિજ્ઞાનવિષયક માસિક. સ્થાપના ઈ.સ. 1845માં થઈ હતી. વિજ્ઞાનજગતમાં ઘણા ખ્યાતનામ બનેલ આ માસિકનું હવે તો વિશ્વના ઘણા દેશોમાં સમાંતર પ્રકાશન થાય છે. ભારતમાંથી તેનું પ્રકાશન જૂન, 2005થી Living Media India Ltd. દ્વારા શરૂ કરાયેલ છે. આમ વિજ્ઞાનજગત માટે અત્યંત ઉપયોગી એવું આ માસિક હવે ભારતમાં પણ સરળતાથી અને પ્રમાણમાં કિફાયત ભાવે ઉપલબ્ધ બન્યું છે તેમજ ત્વરિત મેળવી શકાય છે.
આ સામયિકમાં પ્રકટ થતા લેખોમાં, વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં થયેલ આધુનિકતમ સંશોધનોની રજૂઆત આ સંશોધન સાથે સંકળાયેલ વૈજ્ઞાનિકો દ્વારા જ લોકભોગ્ય ભાષામાં થતી હોવાથી સચોટ માહિતી મળે છે તેમજ આ સંશોધનો પાછળ કેવાં પરિબળોએ ભાગ ભજવ્યો તેનો પણ તેની સાથે સંકળાયેલ વૈજ્ઞાનિકની જ ભાષામાં ચિતાર મળે છે. વિજ્ઞાનમાં રુચિ ધરાવતા સામાન્ય માણસો ઉપરાંત વિજ્ઞાનનાં અન્ય ક્ષેત્રોમાં કાર્યરત વૈજ્ઞાનિકોને પણ વિજ્ઞાનનાં અન્ય પાસાંઓની આધુનિક માહિતી પ્રાપ્ત કરવા માટે આ સામયિક અગત્યનું છે.
એમાં પ્રસિદ્ધ થતા લેખોના વિષયોમાં અવકાશવિજ્ઞાન અને અવકાશયાત્રા (astronautics), જીવવિજ્ઞાન અને જીવનતંત્ર (life sciences અને Biotechnology), રસાયણવિજ્ઞાન, ગણિત, સમુદ્ર અને ભૂસ્તર વિજ્ઞાન, નેનોટૅક્નૉલૉજી, માહિતી તંત્ર (information technology) જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ-ચાર માસ દરમિયાન પ્રકાશિત થયેલ કેટલાક લેખોનું વિહંગાવલોકન કરતાં કેવા પ્રકારના અને કેટલો વિશાળ ફલક આવરી લેતા વિષયોનો સમાવેશ થાય છે તેનો ચિતાર મળશે. સૌર પવનોની શોધ કરનારા યુજીન પાર્કર (Eugene Parker) દ્વારા, લાંબી અવધિની અવકાશયાત્રા દરમિયાન શક્તિશાળી બ્રહ્માંડ કિરણોની અવકાશયાત્રી પર થતી પ્રતિકૂળ અસર બાબતે લખાયેલો લેખ મળે છે. આજથી આશરે 2 અબજ વર્ષ પૂર્વે આફ્રિકા ખંડના કેટલાક વિસ્તાર નીચે ભૂગર્ભમાં કુદરતી પરિબળોને કારણે જ લાંબા સમય માટે સ્વયંભૂ ‘પરમાણુ રિએક્ટર’ સર્જાયું હતું, જે Oklo-ઘટના તરીકે પ્રસિદ્ધ થયેલ છે. આ ઘટના પાછળ કયા પ્રકારની ભૂભૌતિક ઘટનાઓ કારણભૂત હતી તે સંદર્ભનો લેખ મિશિક (Mishik) નામના ખ્યાતનામ ભૂભૌતિક વૈજ્ઞાનિકે લખેલ છે તો અન્ય એક લેખ મૂળભૂત વિજ્ઞાનને લગતાં, બ્રહ્માંડનાં રહસ્યોને સમજવા માટે ‘દિક્-કાલ’(space-time)નાં જાણીતાં ચાર પરિમાણો (dimensions) ઉપરાંતનાં ‘પ્રચ્છન્ન પરિમાણો’ (compacted dimensions) અંગેનો (શક્ય એટલી) લોકભોગ્ય ભાષામાં લખાયેલ છે ! લંડનની ઇમ્પીરિયલ કૉલેજ(Imperial College)ના ખ્યાતનામ વૈજ્ઞાનિક ડેવિસના લેખમાં, રોગપ્રતિકારક કોષો પરસ્પર કેવી રીતે જરૂરી માહિતીનું આદાન-પ્રદાન કરે છે તે અંગેના આધુનિક સંશોધનની સમજૂતી અપાઈ છે તો અન્ય એક લેખમાં સુનામિ મોજાંની ઉત્પત્તિની પ્રક્રિયા સમજાવાઈ છે. આ ઉપરાંત વૈજ્ઞાનિક પ્રગતિને કારણે સર્જાતા નવા પ્રશ્નો[જેવા કે, પરમાણુ-ભઠ્ઠી(nuclear reactor)ના બળતણના અવશેષોના યોગ્ય નિકાલની ચર્ચા પણ આવરી લેવાઈ છે.
આ સામયિકનો પ્રારંભ ઈ. સ. 1845માં થયો હોવાથી, એક રસપ્રદ કૉલમમાં, આજથી 50 વર્ષ, 100 વર્ષ અને 150 વર્ષ પહેલાં આ સામયિકના આ જ મહિનામાં પ્રસિદ્ધ થયેલ અગત્યના સંશોધન પરત્વેના લેખનો સારાંશ પણ જોવા મળે છે, જેથી વૈજ્ઞાનિક પ્રગતિના ઇતિહાસનો ચિતાર મળે !
આમ, વૈજ્ઞાનિકો ઉપરાંત વિજ્ઞાનરસિયાઓ માટે પણ આ માસિક લાંબા સમયથી ઘણું મહત્ત્વનું બની ગયું છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ