સાયનોવાઇરસ (cyanophage) : નીલહરિત લીલ(cyano-bacteria)ને ચેપ લગાડતો વાઇરસ. સાફરમેન અને મોરિસે (1963) સૌપ્રથમ વાર સાયનોબૅક્ટેરિયાને ચેપ લગાડતા વાઇરસોનો અભ્યાસ કર્યો હતો. તે પછી સાયનોબૅક્ટેરિયાનું ભક્ષણ કરતા અનેક વાkg’gઇરસ ઝડપભેર શોધાયા. દરિયાઈ એકકોષી સાયનોબૅક્ટેરિયાને થતા વાઇરસના ચેપની સૌપ્રથમ માહિતી 1990માં પ્રાપ્ત થઈ અને વિષાણુના પૃથક્કૃતો(isolates)નાં લક્ષણોનો અહેવાલ 1993માં આપવામાં આવ્યો. બાહ્યાકારવિદ્યાની દૃષ્ટિએ આ વાઇરસ અન્ય વાઇરસના જેવા જ હોય છે અને જલજ ફૂગના વાઇરસ સાથે ઘનિષ્ઠ સામ્ય ધરાવે છે.

નિવસન : દરિયાઈ જલજ પર્યાવરણમાં પ્રચુર માત્રામાં રહેતાં એકકોષી સાયનોબૅક્ટેરિયા Synechococcus અને Prochlorococcusનો શિકાર કરતા વાઇરસ કુદરતમાં મોટી માત્રામાં જોવા મળે છે. આ વાઇરસ દરિયાની સપાટી પર પડતાં સૂર્યકિરણો વડે નાશ પામે છે; પરંતુ તળિયા ઉપર 100 વર્ષ સુધી સલામત રહી શકે છે. Synechococcus અને Prochlorococcus પ્રજાતિઓના વિભેદો (strains) મહાસાગરોના પીકોવનસ્પતિ પ્લવક(picophytoplankton)નું આદિકોષકેન્દ્રી (prokaryotic) ઘટક રચે છે. પ્રકાશસંશ્લેષી બૅક્ટેરિયા સાથે તેઓ મહાસાગરોના અલ્પપોષી (Oligotropic) પ્રદેશોના પ્રાથમિક ઉત્પાદનમાં નોંધપાત્ર ફાળો આપે છે. તેઓ વિવિધ પારિસ્થિતિક નિકેતો(ecological niches)માં સરળતાથી અનુકૂલિત થયેલા હોય છે. કેટલાક સાયનોવાઇરસનો અને તેમનાં યજમાન સાયનોબૅક્ટેરિયાની માહિતી સારણીમાં આપવામાં આવેલ છે.

સારણી : કેટલાક સાયનોવાઇરસ અને તેમનાં યજમાન સાયનોબૅક્ટેરિયા

સાયનોવાઇરસ

યજમાન સાયનોબૅક્ટેરિયા
P­­­­­­­60, SYN-M-3, 5-PAV-12

S-PM1

Synechococcus sp.
AS-1 Anacystis nidulens,

Synechococcus cedroum

AM-1, mS-1 Anacystis nidulens
A-1, A-4 (L) Anabaena variabilis
N-1 Nostoc muscorum
LPP-1-G, LPP2-SP1 Plectonema boryanum
AC-1 એકકોષી અને વસાહતી, નીલહરિત લીલ

જનીનસંકુલ : સાયનોવાઇરસ તેના અંતર્ભાગ(core)માં દ્વિસૂત્રી DNA ધરાવે છે; જેનો નાઇટ્રોજન બેઝ ક્રમ મોટાભાગના વાઇરસમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. S-PMz સાયનોવાઇરસ 196, 280 બેઝ જોડ ધરાવે છે. તેના જનીનસંકુલમાં 37.8 % G + C (ગ્વાનિન + સાયટોસિન) અવશેષો (residues) હોય છે. તે 239 ખુલ્લી પઠન-શૃંખલાઓ(open reading frames, ORF)નું અને 25 tRNAનું સંકેતન કરે છે. તે પૈકી 19 ORF આવરણ સાથે સંબંધિત પ્રોટીનોનું સંકેતન કરે છે. 20 વધારાની ORF તેમના સાયનોબૅક્ટેરિયલ યજમાનના જનીનસંકુલમાં રહેલ શૃંખલાઓ સાથે સમજાત (homologous) હોય છે.

AS-1 વાઇરસનો DNA 91,000 બેઝ જોડ ધરાવે છે. G + C બેઝનું પ્રમાણ 53 %થી 54 % જેટલું હોય છે. P60 વાઇરસનો DNA 46,000 બેઝ જોડ ધરાવે છે; જેમાં 80 જેટલી ORF હોય છે. તેનાં ન્યૂક્લિઇક-ઍસિડ સંબંધી જનીનો સાયનોબૅક્ટેરિયાનાં જનીનો સાથે સામ્ય ધરાવે છે. LPP-3 વાઇરસના DNAમાં Eco I અને Hind III સમેત 11 જેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે 14થી વધારે સ્થાન હોય છે. S-PM2 અને E. collના T4 વાઇરસના જનીન 8થી 13માં અક્ષરશ: સામ્ય છે.

યજમાન કોષમાં વાઇરસના જનીનસંકુલનું ગુણન પ્રાઇમેઝ, હેલિકેઝ અને પૉલિમરેઝ ઉત્સેચકો દ્વારા થાય છે. સાયનોવાઇરસની લયજનક (lysogenic) ક્ષમતાને કારણે કોષના જનીનસંકુલ સાથે વિપુલ પ્રમાણમાં સંમિલિત થઈ રહેતા હોય છે.

કવચ (capsid) : S-PMz વાઇરસ સમમિતીય (isometric) વિંશફલકી (icosahedral) શીર્ષ અને સંકુચનશીલ (contractile) પુચ્છ ધરાવે છે. સાયનોવાઇરસ As-1 અને Ms-1 ટી બેકી શ્રેણીના કોલીવાઇરસની જેમ બહુકોણીય કવચ અને સંકુચનશીલ પુચ્છ ધરાવે છે. બાહ્યાકારવિદ્યાની દૃષ્ટિએ વાઇરસમાં જોવા મળતી ભિન્નતાઓ તેમના કવચીય નત્રલોમાં અડધાથી વધારે માત્રામાં રહેલા ભેદને આભારી છે. બાહ્યાકાર ભિન્નતાને આધારે વાઇરસને નીચે મુજબના ત્રણ કુળમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે :

(1) માયોવિરિડી (Myoviridiae) – સંકુચનશીલ પૃચ્છ ધરાવે છે; (2) સ્ટાયલોવિરિડી (Styloviridiae) – લાંબી અસંકુચનશીલ પુચ્છ ધરાવે છે અને (3) પોડોવિરિડી (Podoviridiae) -­ આ કુળમાં ટૂંકી પુચ્છ ધરાવતા વાઇરસનો સમાવેશ કરવામાં આવે છે.

અગત્ય : નૈસર્ગિક પર્યાવરણમાં સાયનોબૅક્ટેરિયાના જૈવિક જથ્થાને નિયંત્રિત કરવાનું કાર્ય સાયનોવાઇરસ કરે છે. સાયનોબૅક્ટેરિયાની વિવિધ પ્રજાતિઓના પ્રમાણમાં યોગ્ય નિયમન દ્વારા જૈવભૂ-રાસાયણિક સંતુલન જાળવવામાં તે મદદ કરે છે. જલજ પર્યાવરણમાં વસતાં સૂક્ષ્મજીવો વચ્ચે જનીનોના વિનિમયમાં સાયનોવાઇરસ મહત્ત્વનાં કારકો ગણાય છે.

ભૂપેશ યાજ્ઞિક