સાયકેડોફિલિકેલ્સ
January, 2008
સાયકેડોફિલિકેલ્સ : વનસ્પતિઓના અનાવૃત બીજધારી વિભાગના ટેરિડોસ્પર્મોપ્સિડા વર્ગનું એક ગોત્ર. આ ગોત્રને ટેરિડોસ્પર્મી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આ ગોત્રની વનસ્પતિઓને સાયકેડસમ હંસરાજ (cycad-like ferns) પણ કહે છે. આ ગોત્રનાં બધાં સ્વરૂપો અશ્મીભૂત છે. તેનાં પર્ણો હંસરાજ (ત્રિઅંગી વનસ્પતિઓ) જેવાં હોય છે. તેઓ મહાબીજાણુપર્ણો પર બીજ ધારણ કરે છે. મહાબીજાણુપર્ણો છૂટાંછવાયાં હોય છે. આ ગોત્રમાં શંકુનિર્માણ થતું નથી. બીજાણુધાનીઓ સમૂહમાં વિકાસ પામે છે અને તેમની ફરતે રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે. તેને ધાનીપુંજવલય કહે છે.
આ ગોત્રને પાંચ કુળોમાં વર્ગીકૃત કરવામાં આવે છે : લાઇજિનોપ્ટેરિડેસી, મેડ્યુલોઝેસી, કૅલેમોપિટિયેસી, પૅલ્ટેસ્પર્મેસી અને કોરિસ્ટોસ્પર્મેસી. પ્રથમ ત્રણ કુળ પુરાજીવી કલ્પ (Paleozoic era) અને છેલ્લાં બે કુળ મધ્યજીવી કલ્પ(Mesozoic era)નાં છે. અનાવૃત બીજધારી વનસ્પતિઓનો ઉદભવ પુરાજીવ કલ્પમાં 25.5 કરોડ વર્ષ પૂર્વે થયો હતો. તે સમયે સાયકેડોફિલિકેલ્સની વનસ્પતિઓ સૌપ્રથમ અસ્તિત્વમાં આવી હતી. અંગારયુગ(Carboniferous period)માં તેઓનાં ગાઢ જંગલો હતાં. તે યુગ મહાકાય લાયકોપોક, ઇક્વિસેટમ અને સાયકેડોફિલિકેલ્સનો યુગ ગણાય છે.
પુરાજીવી સાયકેડોફિલિકેલ્સ :
કુળ 1 : લાઇજિનોપ્ટેરિડેસી : આ કુળમાં પ્રકાંડ અને પર્ણનાં અશ્મીઓનો સમાવેશ થાય છે. પ્રકાંડમાં એક જ મધ્યરંભ જોવા મળે છે. પર્ણદંડમાં એક જ વાહકપટ્ટી આવેલી હોય છે. તેનાં બીજ નાના કદનાં હોય છે. આ કુળનાં પ્રકાંડ, પર્ણ, પર્ણદંડ, મૂળ અને બીજ વિવિધ નામથી ઓળખાય છે પ્રકાંડ : Lyginopteris oldhamia અને Lyginodedron oldhamium; પર્ણ : Sphenopteris hoeninghausi; પર્ણદંડ : Rachiopteris aspera; મૂળ : Kaloxylon hookerii; પુંકેસર : Crossotheca spp. અને Telangium spp.; બીજ-પ્યાલો (seed cupule) : Calymmtotheca hoeninghausi અને બીજ (seed) : Lagenostoma lomaxi.
લાઇજિનોપ્ટેરિડેસીના અશ્મીભૂત સ્વરૂપો ટુકડાખંડિત રૂપે યુરોપ, અમેરિકાના અધરિક (lower) અને મધ્ય અંગારયુગ(middle carboniferous)માં અંગારપિંડ તરીકે મળી આવે છે. L. oldhamia જાણીતું અશ્મીભૂત પ્રકાંડ છે, જે સંપીડન અને પ્રસ્તરીભવન (compression and petrifaction) તરીકે અંગારયુગમાંથી મળી આવે છે. પ્રકાંડ લાંબું, પાતળું અને તેના ઉપર પર્ણો સર્પિલાકારે ગોઠવાયેલાં હોય છે. શાખાઓ પર્ણકક્ષમાંથી વિકાસ પામે છે. તેનાં પર્ણો Sphenopteris પ્રકારનાં હતાં. આ પર્ણો એક સ્થાને ચીપિયાની જેમ વિભાજિત થતાં હતાં અને પર્ણિકાઓ પિચ્છાકારે ગોઠવાયેલી હતી (આકૃતિ 1). પર્ણો ગ્રંથિઓ વડે આવરિત હતાં. આ ગ્રંથિઓ Lyginopteris-નું ખાસ લક્ષણ છે અને મૂળ સિવાય બધાં અંગોમાં જોવા મળે છે. કેટલાંક બીજાણુપર્ણો (sporophylls) શિરાયુક્ત દંડના અંતિમ ખંડના છેડે લઘુબીજાણુધાનીઓ (microsporangia) અને મહાબીજાણુધાનીઓ ધરાવતાં હતાં. આ અશ્મીની શોધ સ્ટરે (1877) કરી હતી અને પોટોનીએ (1899) નામકરણ કર્યું.
આકૃતિ 1 : Lyginopteris oldhamia : (અ) પ્રરોહના એક ભાગનું પુનર્નિર્માણ (Sphenopteris); (આ) લઘુબીજાણુપર્ણ (Crossotheca) અને (ઇ) મહાબીજાણુપર્ણ (Lagenostoma)
પ્રકાંડની અંત:સ્થ રચનામાં બાહ્ય બાહ્યકમાં દૃઢોતક (sclerenchyma) પેશીના બનેલા અરીય સમૂહો જોવા મળે છે. તેના પર ગ્રંથિઓ આવેલી હોય છે, જે સ્રાવનું કાર્ય કરે છે. અંત:બાહ્યક મૃદુતકીય (parenchymatous) હોય છે. આ પેશી અશ્મીઓમાં ઘણી વાર કચડાયેલી હોય છે. દ્વિતીય કાષ્ઠના જાડા વલયમાં પરિવેશિત ગર્તયુક્ત (bordered pitted) જલવાહિનિકીઓ (tracheids) અરીય રીતે બહુપંક્તિક સ્થિતિમાં ગોઠવાયેલી હોય છે. દ્વિતીય કાષ્ઠની અંદરની તરફ પાંચ અલગ સમૂહોમાં મધ્યારંભી (mesarch) પ્રાથમિક જલવાહક પેશી આવેલી હોય છે; જેમાં આવેલી આદિદારુ (protoxylem) કુંતલાકાર સ્થૂલનો અને અનુદારુ (metaxylem) સોપાનાકાર (scalariform) કે પરિવેશિત ગર્તાકાર સ્થૂલનો ધરાવે છે. કેટલાંક તરુણ પ્રકાંડમાં પ્રાથમિક અને દ્વિતીયક અન્નવાહક પેશી તેમજ એધા (cambium) જોવા મળે છે. ઘરડા પ્રકાંડમાં આ પેશી પરિરક્ષિત હોતી નથી. અન્નવાહક પેશીના કેટલાક કોષોનું સુબેરીભવન (suberization) થયેલું હોય છે. મધ્યરંભની બહાર પ્રાથમિક જલવાહક પેશીમાંથી ઉદભવતા પર્ણગત અંશ (leaf traces) જોવા મળે છે. તે મધ્યારંભી જલવાહક પેશી અને તેની બહાર ફરતે અન્નવાહક પેશી ધરાવે છે. મજ્જા (pith) વિપુલ પ્રમાણમાં હોય છે. તે મૃદુતકીય હોય છે, જેમાં અનેક દૃઢોતકીય સમૂહો વીખરાયેલા હોય છે.
આરોહી જાતિઓનાં મૂળ (Kaloxylon) અસ્થાનિક, હવાઈ અને પ્રમાણમાં લાંબાં હોય છે. મધ્યરંભ અરીય અને બહિરારંભી (exarch) હોય છે. અન્નવાહક અને જલવાહક કિરણો એકાંતરિક હોય છે. મોટાં મૂળમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે.
પર્ણની અંત:સ્થ રચના સામાન્ય હોય છે. તેનું ઉપરિ અધિસ્તર જાડી રક્ષક ત્વચા ધરાવે છે. મધ્યપર્ણ (mesophyll); પેશી લંબોતક (palisade) અને શિથિલોતક (spongy) પેશીઓમાં વિભેદન પામેલી હોય છે.
આકૃતિ 2 : Lyginopteris પ્રકાંડનો આડો છેદ
લઘુબીજાણુપર્ણો અને મહાબીજાણુપર્ણો Sphenopteris hoeninghausiનાં પર્ણો અને ગ્રંથિઓ સાથે મળી આવ્યાં છે. લઘુબીજાણુપર્ણોને ‘Crossotheca’ પ્રજાતિ તરીકે ઓળખાવવામાં આવે છે (આકૃતિ 1 આ). ફળાઉ પર્ણિકાઓ પૃથુપર્ણી (spathulate) કે ભાલાકાર (hastate) હોય છે. પ્રત્યેક પર્ણિકા 6 કે 7 (C. hastataમાં 30), લટકતી, દ્વિકોટરીય લઘુબીજાણુધાનીઓ ધરાવે છે. તે Araucariaના લઘુબીજાણુપર્ણ સાથે સામ્ય દર્શાવે છે. લઘુબીજાણુધાની 3 મિમી. જેટલી લાંબી અને લગભગ 1.5 મિમી. પહોળી હોય છે. લઘુબીજાણુ(43-58 માઇક્રૉન, કદ)માં બહુકોષીય જન્યુજનક વિકાસ પામે છે.
મહાબીજાણુપર્ણોને ‘Lagenostoma’ પ્રજાતિ તરીકે ઓળખાવવામાં આવે છે. ઑલિવર અને સ્કૉટે (1903) સૌપ્રથમ વાર L. lomaxiiનું વર્ણન કર્યું. બીજ લગભગ 5 મિમી. લાંબાં હોય છે અને પર્ણના અંતિમ ખંડની ટોચ ઉપર આવેલાં હોય છે. પ્રત્યેક બીજ પ્યાલી (cupule) વડે આવરિત હોય છે અને તે પરિપક્વતાએ ઊભા છ ચર્મિલ (coriaceous) ખંડોમાં વિભાજિત થાય છે. પ્યાલીની સપાટી પર ગોળાકાર ગ્રંથિઓ આવેલી હોય છે. અંડક (મહાબીજાણુધાની) ઊર્ધ્વમુખી (orthotropus) અને સમમિત (symmetrical) હોય છે. અંડક અંડાવરણ (integument) વડે આવરિત હોય છે. અંડકના મુખ્ય દેહને પ્રદેહ (nucellus) કહે છે. તેની ટોચ પર પરાગવેશ્મ આવેલું હોય છે. તલસ્થ ભાગે આવેલી એક વાહક પટ્ટી પ્યાલીમાં વિભાજિત થઈ અંડાવરણમાં પ્રવેશે છે. સાયકસનું બાહ્ય અંડાવરણ સખત અને અંત: અંડાવરણ માંસલ અને વાહક પુરવઠાયુક્ત હોય છે. પ્રદેહ મુક્ત હોય છે અને ટોચ પર જતાં અણીદાર બને છે અને નળાકાર પરાગવેશ્મની રચના કરે છે. પ્રદેહમાંથી ચંબુ આકારના દૃઢીકૃત (sclerotic) કોલરના વિકાસથી પરાગવેશ્મ વધારે જટિલ બને છે. તેનાથી બનતા પોલાણને ‘લાઇજીનોસ્ટોમ’ કહે છે; જ્યાં પરાગરજ જોવા મળે છે. આ રચનાની મધ્યમાં પ્રદેહની ટોચ અક્ષીય સ્તંભની જેમ લંબાયેલી હોય છે.
આકૃતિ 3 : Lagenostoma lomaxii : (અ) ગ્રંથિમય પ્યાલી વડે આવરિત બીજ; (આ) બીજનો મધ્યવર્તી (median) ઊભો છેદ; (ઇ) પરાગવેશ્મ (pollen chamber) દર્શાવતો બીજનો ટોચ ઉપરનો ભાગ
Heterangium આ કુળની બીજી પ્રજાતિ છે અને તે પણ Sphenopteris પર્ણો સાથે સ્કૉટલૅંડમાં અધરિક અંગારયુગમાં મળી આવે છે. બીજનાં અશ્મી ‘Sphaerostoma’ પ્રજાતિ તરીકે ઓળખાય છે. પ્રકાંડ આદિ મધ્યરંભ ધરાવે છે અને તેનો મધ્યારંભી જલવાહકનો મધ્યસ્થ અંતર્ભાગ (core) પાતળી દીવાલવાળા મૃદુતકો વડે સમૂહોમાં વિભાજિત થાય છે. દ્વિતીય કાષ્ઠ પાતળું હોવા છતાં Lyginopteris-ની જેમ પરિવેશિત ગર્તાકાર જલવાહિનીકીઓ ધરાવે છે.
કુળ 2 : મેડ્યુલોઝેસી : આ કુળમાં પ્રકાંડ બહુરંભીય (polystelic) હોય છે. પર્ણદંડો મોટા હોય છે અને તેમાં વિકીર્ણ વાહીપુલો જોવા મળે છે. બીજ ઘણુંખરું મોટાં હોય છે. Medullosa પર્મો-કાર્બનિફેરસ (permo-carboniferus) યુગમાં બહોળા પ્રમાણમાં મળી આવતી પ્રજાતિ છે. આ કુળની Neuropteris, Sphenopteris અને Pecopteris ભારતીય ગોંડવાના વનસ્પતિ-સમૂહમાં મળી આવે છે. આ વનસ્પતિઓ ઉન્નત (erect) હતી અને ટોચ ઉપર પર્ણમુકુટ ધરાવતી હતી. Neuropteris અને Altheopteris-નાં પર્ણો સાથે Medullosa-નાં પ્રકાંડ પ્રાપ્ત થયાં છે. પર્ણદંડને Myeloxylon તરીકે ઓળખાવાય છે. પ્રકાંડ બે કે તેથી વધારે મધ્યરંભ ધરાવે છે. પ્રત્યેક પ્રાથમિક મધ્યરંભ દ્વિતીયક કાષ્ઠ વડે આવરિત હોય છે. કેટલીક જાતિઓ બહારની બાજુએ નલીરંભીય (solenostelic) પૂર્ણ કે અપૂર્ણ વલય ધરાવે છે. નાના મધ્યરંભો કેન્દ્રમાં હોય છે. બાહ્યકમાં અંદરની તરફ બાહ્યવલ્ક (periderm) આવેલું હોય છે. Whittleseya અને Codonothecaની લઘુબીજાણુધાનીઓ વિશિષ્ટ સંબીજાણુધાનીય (synangial) રચના સ્વરૂપે જોવા મળે છે. Medullosa સાથે મળી આવતાં બીજ ઘણાં મોટાં હોય છે. આ બીજ પર્ણ પર અગ્રસ્થ કે પાર્શ્વીય હોય છે. Neuropteris અને Sphenopteris-નાં વિવિધ પર્ણો અને અન્ય અશ્મી-પ્રજાતિઓ જેવી કે Emplectopteris, Trigonocarpus, Spherostoma અને Pecopteris જાણીતાં છે. Neuropteris decipiens-નાં બીજ 6 સેમી. લાંબાં હોય છે. Trigonocarpus-નાં બીજ મોટાં હોય છે અને તે ઘણાં લાંબાં બીજછિદ્ર ધરાવે છે.
આકૃતિ 4 : (અ) Heterangium-ના પ્રકાંડનો આડો છેદ, (આ) Medullosa-ના પ્રકાંડનો આડો છેદ, (ઇ) Neuropteris પર્ણ, (ઈ) Neuropteris, બીજસહિત પર્ણ, (ઉ) Emplectopteris-નાં પર્ણો અને બીજ
કુળ 3 : કૅલેમોપિટિયેસી : કૅલેમોપિટિયેસીના ઉપરિ મત્સ્ય યુગ(Upper Devonian)થી અધરિક અંગારયુગ સુધી પ્રકાંડનાં અશ્મીઓ જ માત્ર મળી આવ્યાં છે. તે એક કૃત્રિમ સમૂહ ગણાય છે. પર્ણો અને પ્રજનનાંગો મળી આવ્યાં નથી. તેમનાં પ્રકાંડ સઘન દ્વિતીય કાષ્ઠયુક્ત એકરંભીય હોય છે. તેની સાથે સંકળાયેલા પર્ણદંડોમાં અનેક વાહીપુલો હોય છે.
Calamopitys americana, C. annularis, C. foerstes, Diichania kentakinesis આ કુળનાં અશ્મીભૂત સ્વરૂપો છે.
કૅલેમોપિટિસ એક સૌથી સામાન્ય પ્રજાતિ છે. પ્રકાંડમાં બાહ્યક મોટું હોય છે; જેમાં પર્ણપ્રદાયો આવેલા હોય છે. તે નલીરંભ ધરાવે છે. દ્વિતીયક કાષ્ઠ પહોળાં મજ્જાકિરણો ધરાવે છે, તેથી પ્રકાંડ પોચું વાદળી જેવું હોય છે. મજ્જા જલવાહિનીકી અને મૃદુતક દ્વારા મિશ્ર થયેલી હોય છે.
મધ્યજીવી સાયકેડોફિલિકેલ્સ :
કુળ 4 : પૅલ્ટેસ્પર્મેસી : Lepidopteris મધ્યજીવી પૅલ્ટેસ્પર્મેસીનું પ્રતિનિધિત્વ ધરાવતી પ્રજાતિ છે. તે ઉપરિ રક્તાશ્મ (triassic) યુગમાં ગ્રીનલૅન્ડ અને દક્ષિણ આફ્રિકામાંથી પ્રાપ્ત થયેલ છે. ગોળ છત્રાકાર (peltate) બિંબની નીચેથી લટકતાં પ્યાલીયુક્ત (cupulate) બીજ તેની ખાસ લાક્ષણિકતા છે.
આકૃતિ 5 : (અ) Calamopitys americanaના પ્રકાંડ-નો આડો છેદ, (આ) Lepidopteris ottonis-નું ત્રણ બીજ ધરાવતું બિંબ, (ઇ) Thinnfeldia(Dicrodiam)-નું પર્ણ, (ઈ) Umkomasia macleani-નો માદા પુષ્પવિન્યાસ
કુળ 5 : કોરિસ્ટોસ્પર્મેસી : આ કુળ મધ્યજીવી કલ્પના રક્તાશ્મ અને મહાસરટ (Jurassic) યુગમાં મળી આવે છે. પર્ણસમૂહનું નામકરણ Stenopteris અને Thinnfeldia (= Dicrodium) તરીકે થયેલું છે. ભારતીય ઉપરિ ગોંડવાના વનસ્પતિ-સમૂહમાં Thinnfeldia મુખ્ય ઘટક હોવાથી Thinnfeldia Ptilophyllum વનસ્પતિસમૂહ તરીકે ઓળખાવાય છે. Thinnfeldia hughesi, T. odontopteroides અને T. sahnii મહાસરટ રાજમહાલ અને જબલપુરમાંથી પ્રાપ્ત થયેલી જાતિઓ છે. લઘુ અને મહાબીજાણુપર્ણો ધરાવતી પ્રજાતિઓમાં Umkomasia, Pilophosperma અને Petruchus-નો સમાવેશ થાય છે. માદા પુષ્પવિન્યાસ નિપત્ર(bract)ની કક્ષમાંથી ઉદભવે છે. તેની પ્રત્યેક શાખા બે નિપત્રિકાઓ (bracteoles) ધરાવે છે; જેના ઉપરના ભાગમાં કેટલાંક પ્યાલીયુક્ત બીજ આવેલાં હોય છે. પ્યાલી હેલ્મેટ આકારની (corytosperm હેલ્મેટ આકારનું બીજ) હોય છે અને તે દ્વિકપાટીય (bivalved) હોય છે. બીજછિદ્ર વક્ર અને દ્વિશાખી હોય છે. ચપટી પર્ણિકાઓની ધાર પરથી લઘુબીજાણુધાનીઓ લટકતી હોય છે. પરાગરજ બે પાર્શ્વીય પાંખ ધરાવે છે.
જૈમિન વિ. જોશી
બળદેવભાઈ પટેલ