સાયકેડેલ્સ : વનસ્પતિઓના અનાવૃતબીજધારી વિભાગમાં આવેલા સાયકેડોપ્સીડા વર્ગનું એક જીવંત અને અશ્મીભૂત વનસ્પતિઓ ધરાવતું ગોત્ર. એવું માનવામાં આવે છે કે સાયકેડેલ્સની ઉત્પત્તિ સંભવત: સાયકેડોફિલિકેસમાંથી કાર્બનિફેરસ (Carboniferous) ભૂસ્તરીય યુગમાં થઈ છે. જોકે કેટલાક અશ્મીવિજ્ઞાનીઓ આ વિચાર સાથે સંમત થતા નથી. તેનાં અશ્મીભૂત સ્વરૂપો 20 કરોડ વર્ષ પહેલાં મધ્યજીવી કલ્પ(Mesozoic Era)માં પ્રભાવી હતાં અને એટલી મોટી સંખ્યામાં અસ્તિત્વમાં હતાં, જેથી મધ્યજીવી કલ્પને ‘સાયકેડેલ્સનો યુગ’ કહેવામાં આવે છે. આ વનસ્પતિઓમાં ઢોતક પેશી વિપુલ પ્રમાણમાં મળી આવતી હોવાથી અશ્મીઓ સારી રીતે જળવાયાં છે. આ અશ્મીઓ સંપીડન, સંવપન અને પ્રસ્તરીભવન સ્વરૂપે મળી આવે છે. તેનાં સૌથી પ્રાચીન અશ્મીઓ પુરાજીવ (Paleozoic) કલ્પના અંતભાગમાં મળી આવ્યાં છે. તેઓનાં વિકસિત સ્વરૂપો રક્તાશ્મયુગ(Triassic Period)માંથી પ્રાપ્ત થયાં છે. મહાસરટ (Jurassic) યુગમાં આ સ્વરૂપો વિપુલ પ્રમાણમાં હતાં અને અંતે ખટી યુગ(Cretaceous Period)ના અંત સુધી મળી આવતાં હતાં; પરંતુ પછીથી તેઓ ક્રમશ: ઘટતાં ગયાં છે અને નૂતન કલ્પ(Cenozoic Era)માં તેઓ અલ્પ સંખ્યામાં જળવાઈ રહ્યાં છે. આ ગોત્રમાં 10 પ્રજાતિઓ અને લગભગ 107થી 117 જેટલી જાતિઓ જીવંત મળી આવે છે. મોટાભાગની જાતિઓનું ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, મધ્ય અમેરિકા, પૂર્વ એશિયા અને ભારતમાં નૈસર્ગિક વિતરણ થયેલું છે. કેટલીક જાતિઓને ઉદ્યાનોમાં શોભાનાં વૃક્ષ તરીકે ઉગાડવામાં આવે છે.

આ ગોત્રની વનસ્પતિઓ બહુવર્ષાયુ અને કાષ્ઠમય હોય છે. પ્રકાંડ નળાકાર, અશાખિત અને તાડના વૃક્ષની જેમ અગ્ર ભાગે પર્ણમુકુટ ધરાવે છે. પ્રકાંડની અંત:સ્થરચનામાં બાહ્યક વિપુલ પ્રમાણમાં અને કાષ્ઠ અલ્પ હોય છે. પર્ણો એક-પિચ્છાકાર સંયુક્ત; પર્ણિકાઓ અસંખ્ય; ચર્મિલ, પત્રાક્ષ પર સંમુખ કે ઉપસંમુખ (sub-opposite) ગોઠવાયેલી હોય છે. તેઓ દ્વિગ્રહી (dioecious) હોય છે. લઘુબીજાણુપર્ણો સમૂહમાં ગોઠવાઈ પુંશંકુ બનાવે છે. મહાબીજાણુપર્ણો સાયકસ પ્રજાતિ સિવાય સમૂહમાં ગોઠવાઈ માદા શંકુ બનાવે છે. સાયકેડેલ્સ ગોત્રમાં નરજન્યુકોષો બહુપક્ષ્મલ (multiciliate) હોય છે. અનાવૃત બીજધારીઓમાં માત્ર સાયકેડેલ્સ અને જિંકોએલ્સ ગોત્રમાં નરજન્યુકોષો બહુપક્ષ્મલ હોય છે. આ લક્ષણ ત્રિઅંગીઓને મળતું આવે છે. મહાબીજાણુપર્ણની કિનારી પર અંડકો ખુલ્લાં વિકાસ પામે છે.

આકૃતિ 1 : સાયકસનું જીવનચક્ર

પ્રકાંડની સપાટી ખરબચડી હોવાથી અને વનસ્પતિઓ વિશિષ્ટ પ્રકારનાં ઝેરી દ્રવ્યોનો સ્રાવ કરતી હોવાથી મહાસરટ યુગનાં મહાકાય પ્રાણીઓથી તે રક્ષણ પામી હશે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ વનસ્પતિઓ અસ્તિત્વ ધરાવતી હતી; કારણ કે તેઓમાં ચર્મિલ પર્ણિકા નિમગ્ન વાયુરંધ્ર, જાડી રક્ષક-ત્વચા (cuticle) વગેરે મરુનિવાસી (xerophytic) અનુકૂલનો જોવા મળે છે. આવાં લક્ષણો હાલમાં મળી આવતાં જીવંત સ્વરૂપોમાં પણ જોવા મળે છે.

આકૃતિ 2 : સાયકેડેલ્સનાં લઘુ અને મહાબીજાણુપર્ણો

આકૃતિ 3 : Bjuvia simplex : (અ) વૃક્ષ, (આ) મહાબીજાણુપર્ણ

પીલ્જર અને મેલચ્યોર પ્રમાણે આ ગોત્રને એક જ કુળ સાયકેડેસી અને તેને પાંચ ઉપકુળો સાયકેડોઇડી, સ્ટેન્જેરિયોઇડી, બાઉનિયોઇડી, ડિયોનિયોઇડી અને ઝેમિયોઇડીમાં વર્ગીકૃત કરવામાં આવેલાં છે; જ્યારે સ્પોર્ને (1956) સાયકેડેલ્સને બે કુળમાં વર્ગીકૃત કર્યાં છે : (1) નિલ્સોનિયેસી, તે તમામ અશ્મીભૂત સ્વરૂપો ધરાવે છે; અને (2) સાયકેડેસીમાં ફક્ત એક પ્રજાતિ પેલિયોસાયકસ અશ્મીભૂત સ્વરૂપ છે; જ્યારે સાયકસ, ઝેમિયા, ડિઊન, બાઉનિયા, સ્ટેન્જેરિયા વગેરે જીવંત પ્રજાતિઓનો આ કુળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ બધી પ્રજાતિઓ વિષુવવૃત્તીય અને ઉપવિષુવવૃત્તીય પ્રદેશોમાં આવેલા પર્વતના ઢોળાવ ઉપર નૈસર્ગિક રીતે ઊગતી હોવાથી શુષ્કોદ્ભિ અનુકૂલનો ધરાવે છે. તેની વૃદ્ધિ અત્યંત ધીમી હોય છે. ડીઉન એક હજાર વર્ષ પછી ફક્ત બેથી અઢી મીટર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે.

સાયકેડેલ્સનાં અશ્મીભૂત સ્વરૂપોમાં Paleocycas integer અને તેનું અંડક ધરાવતા મહાબીજાણુપર્ણ(P. niger)નો સમાવેશ થાય છે. પર્ણોને Bjuvia simplex તરીકે ઓળખાવાય છે (ફ્લોરિન, 1933). આ ઉપરાંત, મધ્યજીવી કલ્પમાં મળી આવતાં અશ્મીઓમાં Cycadospadix hannoequei અને જર્મનીમાંથી પ્રાપ્ત થયેલ Diooniticarpidium pennaeforme મુખ્ય છે.

લઘુબીજાણુપર્ણોના અશ્મીઓ મળ્યા નથી. Taeniopterisનાં પર્ણોની 56 જાતિઓ ભારતીય અધ: ગોંડવાના (પર્મિયન ભૂસ્તરીય યુગ) અને ઉપરિ ગોંડવાના(મહાસરટ ભૂસ્તરીય યુગ)ના ખડકોમાંથી પ્રાપ્ત થઈ છે. Doonites-નાં પર્ણો ચીનમાંથી પર્મિયન ભૂસ્તરીય યુગમાં મળી આવ્યાં છે. ઉત્તર રક્તાશ્મ ભૂસ્તરીય યુગમાંથી પ્રાપ્ત થયેલ Cycadospadix સાયકસના મહાબીજાણુપર્ણ સાથે સામ્ય ધરાવે છે; પરંતુ રંધ્ર સાયકેડિયોઇડેલ્સ સાથે સામ્ય ધરાવે છે.

આકૃતિ 4 : સાયકેડેલ્સ : (અ) Stangeria, (આ) Bowenia, (ઇ) Zamia.

સાયકસની 15 જેટલી જાતિઓ થાય છે. આ જાતિઓનું વિતરણ દક્ષિણ-પૂર્વ એશિયા, દક્ષિણ જાપાન, દક્ષિણ ચીન, માડાગાસ્કર અને પૂર્વ આફ્રિકા, ઑસ્ટ્રેલિયાના ઉત્તરના પ્રદેશો અને પૅસિફિકના કેટલાક ટાપુઓમાં થયેલું છે. ભારતમાં થતી જાતિઓ Cycas circinalis, C. pectinata, C. ramphii, C. beddomei અને C. revoluta છે.

Stangeria paradoxa દક્ષિણ આફ્રિકામાં, Bowenia-ની બે જાતિઓ ઑસ્ટ્રેલિયામાં, Dioon-ની 4થી 6 જાતિઓ મધ્ય અમેરિકામાં, Macrozamia-ની 12થી 16 જાતિઓ ઑસ્ટ્રેલિયામાં, Encephalartos-ની 15થી 20 જાતિઓ ઉષ્ણકટિબંધ અને દક્ષિણ આફ્રિકામાં, Ceratozamia-ની લગભગ 6 જેટલી જાતિઓ મધ્ય-અમેરિકામાં, Microcycas-ની એક જાતિ (M. calocama) ક્યૂબામાં, Zamia-ની 30 જેટલી જાતિઓ ફ્લૉરિડાથી ઉષ્ણકટિબંધીય મધ્ય અને દક્ષિણ અમેરિકામાં મળી આવે છે.

જૈમિન વિ. જોશી