સાયકિયા, નગેન (જ. 11 ફેબ્રુઆરી 1941, હાટિયા, ખોવા, જિ. ગોલઘાટ, આસામ) : આસામના નવલકથાકાર અને કવિ. ગુવાહાટીની દેવરાજ કૉલેજમાંથી બી.એ. થયા પછી ગુવાહાટી યુનિવર્સિટીમાંથી આસામી ભાષા સાહિત્યમાં એમ.એ.ની અને પછી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી.
તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : પ્રાદેશિક ભાષાઓમાં પાઠ્ય-પુસ્તકોના નિર્માણ માટેના બોર્ડના સચિવ; રાજ્યસભાના સભ્ય; આસામ સાહિત્ય સભાના સામાન્ય મંત્રી (7 વર્ષ સુધી) અને તેના પ્રમુખ (1997-98). તેમણે દિબ્રુગઢ યુનિવર્સિટીના આસામી ભાષા-સાહિત્ય વિભાગના અધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યભાર પણ સંભાળ્યો.
તેમને મળેલાં માન-સન્માનોમાં આસામ સાહિત્ય સભા તરફથી મોહનચંદ્ર શર્મા ઍવૉર્ડ (1980) તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ (1997) મુખ્ય છે.
તેમની માતૃભાષા આસામી છે, પણ અંગ્રેજીમાં છતાં તેઓ લખે છે.
તેમનાં મુખ્ય પ્રકાશનો આ પ્રમાણે છે : ‘કુબેર હાની બરુઆ’ (1967), ‘છબી અરુ ફ્રેમ’ (1969), ‘બંધ કોથાત ધુમુહા’ (1979), ‘અસ્તિત્વેર સિકલી’ (1976), ‘અપાર્થિવ-પાર્થિવ’ (1982), ‘અંધરાત નિજર મુખ’ (1991) – એ તમામ વાર્તાસંગ્રહો તથા ‘ભગ્ન ઉપકુલ’ (1983) – એ લઘુનવલ છે. ‘અસમિયા કવિતા અરુ અનન્ય વિષય’ (1995), ‘ભારતેર સાંસ્કૃતિક ઐતિજ્ય અરુ અનન્ય રચના’ (1993) – એ બંને સાહિત્યિક નિબંધગ્રંથો તથા ‘મહાચિનાર દિનલિપિ’ (1994) એ પ્રવાસકથા ઉપરાંત ‘મિત ભાષ’ (1995), ‘સ્વપ્ન-સ્મૃતિ-વિશાદ’ એ કાવ્યસંગ્રહો છે. તેમણે અંગ્રેજીમાં ‘બૅકગ્રાઉન્ડ ઑવ્ મૉડર્ન આસામીઝ લિટરેચર : 1826-1903’ (1988) ગ્રંથ પણ આપ્યો છે.
મહેશ ચોકસી