સાયકિયા, ભવેન્દ્રનાથ (જ. 1 એપ્રિલ 1932, નગાંવ, આસામ) : આસામના કથાલેખક, નાટ્યલેખક અને ફિલ્મનિર્દેશક. કોલકાતા યુનિવર્સિટીમાંથી પદાર્થવિજ્ઞાનમાં એમ.એસસી. તથા લંડન યુનિવર્સિટીમાંથી પદાર્થવિજ્ઞાનમાં પીએચ.ડી.. તેમની કારકિર્દીમાં તેઓ ગુવાહાટી યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિભાગમાં પદાર્થવિજ્ઞાનના રીડર રહ્યા; એ જ યુનિવર્સિટીમાં પ્રાદેશિક ભાષાઓમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની સંકલન સમિતિમાં તેમણે સચિવ તરીકે સેવા આપી. વળી રેલવે સર્વિસ કમિશનના તેઓ પ્રમુખ રહ્યા હતા. તેઓ કેન્દ્રીય સંગીત નાટક અકાદમીના સભ્ય; કેન્દ્રીય સાહિત્ય અકાદમીના કાર્યવાહક બોર્ડ તથા સામાન્ય સભાના પણ સભ્ય રહેલા (199397). તે પછી પણ તેઓ પત્રકાર તરીકે સક્રિય રહ્યા અને ‘પ્રાંતિક’ તથા ‘સોફુરા’ના મુખ્ય સંપાદક પણ થયા.

તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1976ના વર્ષનો પુરસ્કાર ‘શૃંખલ’ નામના વાર્તાસંગ્રહ માટે મળ્યો હતો. આ ઉપરાંત ચલચિત્રો માટે રજત કમલ ઍવૉર્ડ (197881, ’85, ’88, ’92, ’94, ’96) તથા આસામ પ્રકાશન ઍવૉર્ડ (1973) પણ તેમને મળેલા.

તેમનાં પ્રકાશનોમાં ‘પ્રહરી’ (1963), ‘વૃંદાવન’ (1965), ‘ગહબાર’ (1969), ‘સેંદૂર’ (1971), ‘શૃંખલ’ (1975), ‘ઇ બંદારાર અબેલી’ (1988), ‘આકાશ’ (1988) એટલા વાર્તાસંગ્રહોનો તેમજ ‘અંતરીય’ (1986), ‘રમ્યભૂમિ’ (1991), ‘મોરોમોર દેવતા’ (1991) એ નવલકથાઓનો સમાવેશ થાય છે. વળી રંગભૂમિ માટેનાં નાટકો, રેડિયો-નાટકો તથા ફિલ્મ માટેની પટકથાઓ પણ તેમણે લખ્યાં છે. તેમની વાર્તાઓ અંગ્રેજી તથા લગભગ તમામ ભારતીય ભાષાઓમાં અનુવાદ પામી છે. દેશના એક અગ્રણી ફિલ્મ-નિર્દેશક તરીકે પણ તેમની ગણના થાય છે. આસામી નાટક તથા રંગભૂમિના વિકાસમાં તેમનો મૂલ્યવાન ફાળો રહ્યો છે.

મહેશ ચોકસી