સામો : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echinocloa frumentacea Link syn. Panicum frumentaceum Roxb. (સં. શ્યામાક; હિં. સાંવા, સમા; બં. શમુલા, શ્યામાવાસ; ગુ. સામો; મ. જંગલી સામો, સામુલ; તે. શ્યામાલુ, બોન્ટા શામા; ત. કુદ્રૈવાલી પીલ્લુ; ક. સામાઈ; ફા. શામાખ; અં. જાપાની બાર્નયાર્ડ મિલેટ, જંગલ રાઈસ) છે. તે એક ખડતલ, ગુચ્છિત, એકવર્ષાયુ, 60 સેમી.થી 120 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ છે. તેનાં પર્ણો સાદાં, એકાંતરિક, દ્વિપંક્તિક (distichous) અને પહોળાં હોય છે. શુકીકા (spikelet) મોટી હોય છે અને નાનાં, લીસાં ચળકતાં, ટોચે અને તલસ્થ ભાગેથી અણીદાર બીજ ધરાવે છે. ભારતના ઘણાખરા ભાગોમાં અને હિમાલયમાં 1950 મી.ની ઊંચાઈ સુધી વાવવામાં આવે છે.

સામાનો ઉદભવ કાં તો E. coronum અથવા E. crus-galliમાંથી થયો હોવાનું મનાય છે; અને તે બંનેનાં વચગાળાનાં લક્ષણો ધરાવે છે. તેને ઘણી વાર E. crusgalli કે E. colonumની જાત (variety) ગણવામાં આવે છે.

સામો

આ વનસ્પતિ તૃણકુળમાં નીંદામણ તરીકે જાણીતી છે. ભારતના બહુ ઓછા વિસ્તારો બાદ કરતાં જુવાર-બાજરી કરતાં ઓછો અગત્યનો પાક છે. તેનું ખાદ્ય પાક તરીકે મહત્ત્વ મર્યાદિત છે. તે ખાસ કરીને ચોમાસામાં વધારે પ્રમાણમાં થાય છે. કાયમી પિયતવાળા કે ભેજવાળા વિસ્તારમાં ઉનાળામાં અને શિયાળામાં પણ તે થાય છે.

તે સૌથી ઝડપથી ઊગતું ધાન્ય છે અને અનુકૂળ સંજોગો હેઠળ વાવણી પછી છ અઠવાડિયાંમાં પરિપક્વ બને છે. ભારતનાં લગભગ બધાં રાજ્યોમાં તે વરસાદ-આધારિત પાક તરીકે વવાય છે. તે પંજાબમાં ગુરુદાસપુર અને હોશિયારપુર જિલ્લાઓમાં, ગુજરાતમાં અમદાવાદ અને પંચમહાલમાં અને સમગ્ર ડેક્કનમાં નાના સમૂહોમાં કે સીમાવર્તી પાક તરીકે વાવવામાં આવે છે. તે હલકી રેતાળ મૃદામાં પૂરતા વરસાદવાળા વિસ્તારોમાં અથવા જલાક્રાન્ત (water-logged) વિસ્તારોમાં થાય છે. વનની રુક્ષભૂમિમાં પણ તેની વાવણી કરી શકાય છે. તે જુવાર કે મકાઈના ગૌણ પાક તરીકે વધારે શુષ્ક જિલ્લાઓમાં ઉગાડવામાં આવે છે. કેટલીક વાર તે ચારાના કે લીલા ખાતરના પાક તરીકે પણ વાવવામાં આવે છે. ચીન અને જાપાનમાં ડાંગરનો પાક નિષ્ફળ જાય ત્યારે તેની અવેજીમાં સામો ઉગાડાય છે. ઇજિપ્તમાં ખૂબ લવણયુક્ત ભૂમિ પર ભૂમિ-ઉદ્ધાર (reclamation) પાક તરીકે સામો ઉછેરવામાં આવે છે.

સામાન્યત : જૂન-જુલાઈમાં 8.96 કિગ્રા.થી 11.2 કિગ્રા./હે. બીજ છૂટાં વેરીને વાવવામાં આવે છે. ચાસ પાડીને હરોળમાં 30 સેમી.ના અંતરે 6.72 કિગ્રા.થી 8.96 કિગ્રા./હે. બીજ વાવી શકાય છે. ખેતરમાંથી અપતૃણોનો નાશ કરવામાં આવે છે અને જુવાર-બાજરીની જેમ તેનો આંતર-ઉછેર (inter culture) કરવામાં આવે છે. પિયત અને ખાતર આપવાં જરૂરી છે. સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં પાક લણણી માટે તૈયાર થાય છે. દાણાનું ઉત્પાદન 728 કિગ્રા.  896 કિગ્રા./હે. થાય છે અને 896 કિગ્રા.થી 1680 કિગ્રા./હે. પરાળ(straw)નું ઉત્પાદન થાય છે. કેટલીક વાર આ પાક લીલા ખાતર માટે ઉગાડવામાં આવે છે.

આ પાકને Ustilago crus-galli દ્વારા પીલાના અંગારિયાનો અને U. panici-frumentacei દ્વારા અંગારિયાનો રોગ થાય છે. સામો અને આ પ્રજાતિ(Echinocloa)ની અન્ય જાતિઓ ડાંગરની જીવાત-(Leptocorisa varicornis)ના વૈકલ્પિક યજમાન તરીકે વર્તે છે.

ગરીબ પ્રજા ચોખાની જેમ પાણીમાં રાંધીને કે ભૂંજીને અથવા દૂધ અને ખાંડ સાથે ઉકાળીને સામાનો ખાવામાં ઉપયોગ કરે છે. કેટલીક વાર ચોખા સાથે મિશ્ર કરી આથવણ કરી તેનો બિયર બનાવવામાં ઉપયોગ થાય છે. પિંજરનાં પક્ષીઓના ખોરાક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. દાણાનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 11.9 %, પ્રોટીન 6.2 %, ઈથર-નિષ્કર્ષ 2.2 %, ખનિજદ્રવ્ય 4.4 %, અશુદ્ધ રેસો 9.8 %, કાર્બોદિતો 65.5 %, Ca 0.02 મિગ્રા., P 0.28 મિગ્રા., Fe 2.9 મિગ્રા./100 ગ્રા., અને કૅરોટિન અત્યંત અલ્પ માત્રામાં હોય છે. મુખ્ય પ્રોટીન પ્રોલેમાઇન છે; જેમાં લાયસિન, સિસ્ટિન અને હિસ્ટિડિન નામના ઍમિનોઍસિડ હોય છે. પૉલિશ ચોખા કરતાં તેનું પોષણમૂલ્ય ઘણું વધારે છે. 7 ભાગ પૉલિશ ચોખા અને 3 ભાગ સામાનું મિશ્રણ અનુકૂળ પોષણ-સંતુલન ધરાવે છે. વિટામિન ‘બી1’ પૂરતા પ્રમાણમાં હોય છે. આ વિટામિનની ઊણપ પૂરી કરવા સામાનો ઉપયોગ થઈ શકે છે. ભૂસાનાં મુખ્ય પ્રોટીન ગ્લુટેલિન અને આલ્બ્યુમિન છે.

ચારા તરીકે સામાએ યુ.એસ.માં ખૂબ આકર્ષણ જમાવ્યું છે. તે ઋતુનિષ્ઠ (seasonal) ખોરાક તરીકે ઉપયોગી ગણાય છે અને જ્યાં મકાઈ ન ઉગાડાતી હોય તેવા વિસ્તારોમાં તે મકાઈનું સ્થાન લે છે. જાપાનમાં તે ડેરીની ગાયોના ચારા તરીકે ઉપયોગી છે; જ્યારે ખાંડેલા કે ભરડેલા કુશકાની જરૂરિયાત હોય ત્યારે તેને બીજ બને ત્યાં સુધી ઊગવા દેવામાં આવે છે. સૂકા કુશકાનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : શુષ્ક દ્રવ્ય 88.9 %, પ્રોટીન 5.6 %, મેદ 1.1 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 38.7 %, રેસો 36.3 %, ખનિજદ્રવ્ય 7.2 %, CaO 0.30 %, P2O5 0.19 % અને K2O 1.73 %. ઢોરોના ચારા તરીકે તેની પરાળ રાગી અને ડાંગરની પરાળ કરતાં ઓછી ગુણવત્તા ધરાવે છે.

આયુર્વેદ અનુસાર સામો મધુર, શીતળ, શોષક, રુક્ષ, તૂરો, લઘુ, વાતકર અને ગ્રાહક છે અને કફ, પિત્ત, રક્તપિત્ત અને વિષદોષનો નાશ કરે છે. અન્નદ્રવ શૂળ પર સામાની ખીર હિતકારક છે.

હિંદુઓના પંચાંગ પ્રમાણે ભાદરવા સુદ પાંચમને ઋષિ પાંચમ કે સામા પાંચમ ગણવામાં આવે છે. તે દિવસે સામાના ચોખા એકલા અથવા દૂધમાં ખીર બનાવી ખાવામાં આવે છે.

­ડૉ. બી. વી. પઢિયાર

શ્રી આર. બી. પટેલ

બળદેવભાઈ પટેલ