સામૂહિક સંરક્ષણ (સુરક્ષા) (collective defence)
January, 2008
સામૂહિક સંરક્ષણ (સુરક્ષા) (collective defence) : કોઈ પણ એક દેશ પર બીજા દેશનું આક્રમણ થાય તો આવા આક્રમણનો ભોગ બનેલો દેશ માત્ર પોતાની લશ્કરી અથવા રાજદ્વારી તાકાત પર પોતાનું રક્ષણ કરે તેના બદલે તેનાં મિત્રરાષ્ટ્રો ભેગાં મળીને અથવા રાષ્ટ્રસંઘ જેવી આંતરરાષ્ટ્રીય શાંતિ માટે સ્થાપવામાં આવેલી સંસ્થા તેની વહારે જાય અને તેનું રક્ષણ કરે તેવી વ્યવસ્થા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સહકાર વધે તે હેતુથી 1919માં સ્થપાયેલ લીગ ઑવ્ નૅશન્સના અનુગામી તરીકે 1945માં રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી અને સ્થાપના વખતે વિશ્વના 50 દેશોએ તેના ખતપત્ર પર સ્વીકૃતિની મહોર મારી. વર્ષ 2006માં તેના સભ્યોની સંખ્યા 180નો આંકડો વટાવી ગઈ છે. વિશ્વશાંતિને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે રાષ્ટ્રસંઘ હસ્તક બે પેટા ઘટકોની સ્થાપના કરવામાં આવી છે : (1) સલામતી સમિતિ (security council), જેના સભ્યોની સંખ્યા સ્થાપનાકાળથી ચૌદ જેટલી છે અને જેમાંના પાંચ કાયમી સભ્યો અમેરિકા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, રશિયા અને ચીનના છે. તે દરેક કાયમી સભ્યને વિશેષાધિકાર (Veto) આપવામાં આવ્યો છે, જેનો અર્થ એ થાય કે સલામતી સમિતિના પાંચેય કાયમી સભ્યો જ્યાં સુધી કોઈ ઠરાવ સાથે સંમત ન થાય ત્યાં સુધી કોઈ પણ ઠરાવ પસાર થયેલો ગણાય નહિ અને તેથી તેના પર અમલ પણ થાય નહિ; (2) ઇન્ટરનૅશનલ કોર્ટ ઑવ્ જસ્ટિસ (આંતરરાષ્ટ્રીય અદાલત), જેનું મુખ્યાલય નેધરલૅન્ડના હેગ ખાતે રાખવામાં આવ્યું છે અને જેમાં 15 ન્યાયાધીશો છે તે આંતરરાષ્ટ્રીય વિવાદોનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરે છે. તેણે આપેલો ચુકાદો સંબંધિત પક્ષમાંથી કોઈ પક્ષ અમાન્ય કરે તો તે બાબત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે. વળી, રાષ્ટ્રસંઘની 14 જેટલી વિશિષ્ટ હેતુ માટે રચવામાં આવેલી સંસ્થાઓ છે, જેમાં ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO), આંતરરાષ્ટ્રીય અણુશક્તિ એજન્સી (AEA), આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF), આંતરરાષ્ટ્રીય શ્રમિક સંગઠન (ILO), યુનાઇટેડ નૅશન્સ એજ્યુકેશનલ સાઇન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન (UNESCO), વિશ્વ બૅંક (WB), વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) વગેરેનો સમાવેશ થાય છે. રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિ બે પ્રકારની સમસ્યાઓ પર વિચારણા કરે છે : (1) એવા વિવાદો (disputes) જેમનું નિરાકરણ તાત્કાલિક ન કરવામાં આવે તો વિશ્વશાંતિ ભયમાં મુકાય; (2) વિશ્વશાંતિ જોખમાય, વિશ્વશાંતિ માટે ભય ઊભો થાય એવા બનાવો બને અથવા કોઈ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર પર આક્રમણ કરે ત્યારે સલામતી સમિતિ તેના નિરાકરણ માટેનાં પગલાંઓ સૂચવે છે અને તેણે સૂચવેલ પગલાંઓનું પાલન કરવાના આદેશ સંબંધિત રાષ્ટ્રોને આપી શકે છે (enforcement measures).
સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ટાણે તે વિશ્વશાંતિની એક રખેવાળ સંસ્થા થશે અને તે ભવિષ્યમાં આક્રમણો અટકાવવાનો પ્રયાસ કરશે એવો તેના સ્થાપકોનો ખ્યાલ હતો. સભ્ય દેશો એકબીજા સાથે સહકાર કરશે તથા સલામતી સમિતિ સર્વાનુમતે કાર્ય કરશે એવો પણ સ્થાપના ટાણે તેના વિશેનો ખ્યાલ હતો; પરંતુ વિશ્વના બે રાજકીય જૂથો – એક જૂથ તે પશ્ચિમના અમેરિકાના નેતૃત્વ હેઠળના દેશો તથા બીજું જૂથ તે સોવિયત સંઘના નેતૃત્વ હેઠળ કામ કરતા સામ્યવાદી દેશો – વચ્ચે ‘શીત યુદ્ધ’ ફાટી નીકળતાં સંયુક્ત રાષ્ટ્રસંઘ પાસેથી જે અપેક્ષાઓ હતી તે પરિપૂર્ણ થઈ શકી નહિ. સંયુક્ત રાષ્ટ્રસંઘ પાસે પોતાનું કોઈ લશ્કર ન હોવાથી તેના નિર્ણયોનું અમલીકરણ કરાવવામાં તે બિનઅસરકારક સાબિત થવા લાગ્યો. સમય જતાં પશ્ચિમના દેશોના જૂથે રાષ્ટ્રસંઘની ઉપરવટ જઈને ‘નાટો’ (નૉર્થ આટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન), ‘સીઆટો’ (સાઉથ ઇસ્ટ એશિયા ટ્રીટી ઑર્ગેનાઇઝેશન), ધી ઑર્ગેનાઇઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ (OAS) જેવાં પ્રાદેશિક સંગઠનો રચ્યાં. તેવી જ રીતે સોવિયેત સંઘ હસ્તકના સામ્યવાદી દેશોએ પશ્ચિમના દેશોનાં સંગઠનોને ટક્કર આપવાના ઇરાદાથી ‘વૉર્સો ટ્રીટી ઑર્ગેનાઇઝેશન’ નામનું સંગઠન રચ્યું. એપ્રિલ, 1949માં ‘નાટો’ની સ્થાપના કરવામાં આવી. સ્થાપનાકાળે તેમાં 12 સભ્યો જોડાયા હતા, જેમાં પાછળથી 3 વધારાના સભ્યો જોડાયા. આટલાન્ટિક વિસ્તારના પશ્ચિમની વિચારસરણીવાળા દેશોની સ્વાધીનતાનું સામૂહિક રીતે રક્ષણ કરવાનો આ સંગઠનનો મુખ્ય હેતુ હતો. તેના ખતપત્રમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલું કે સંગઠનના કોઈ એક સભ્ય દેશ પર આક્રમણ થાય તો તે બધા સભ્ય દેશો પર થયેલું આક્રમણ ગણવામાં આવશે અને તેનો સામૂહિક રીતે સામનો કરવામાં આવશે, જેમાં બધા સભ્ય દેશો જોડાશે. રાષ્ટ્રસંઘના ખતપત્રની કલમ 51માં સામૂહિક સુરક્ષાનો જે ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે તે મુજબ ‘નાટો’નું ખતપત્ર ઘડવામાં આવ્યું હતું. તેવી જ રીતે દક્ષિણ પૂર્વના દેશોની સામૂહિક સુરક્ષા માટે 1954માં ‘સીઆટો’ (SEATO) નામનું સંગઠન પશ્ચિમ-પરસ્ત દેશોએ સ્થાપ્યું; જેમાં આઠ દેશો જોડાયા હતા. આ સંગઠનનો ઉદ્દેશ પણ સામૂહિક સુરક્ષાનો હતો. તે પૂર્વે 1948માં ઑર્ગેનાઇઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ(OAS)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનો એક મહત્ત્વનો ઉદ્દેશ એ છે કે તે સંયુક્ત રાષ્ટ્રસંઘના સહકારથી તેના સભ્યદેશોની સાર્વભૌમિકતા તથા પ્રાદેશિક અખંડતાનું સામૂહિક રીતે રક્ષણ કરશે. પશ્ચિમનાં રાષ્ટ્રોએ પોતાની સામૂહિક સુરક્ષા માટે ‘નાટો’ જેવાં કેટલાંક સંગઠનો ઊભા કર્યાં. લગભગ તે જ આશયથી સોવિયેત સંઘના નેજા હેઠળ 1955માં આઠ રાષ્ટ્રોએ ભેગાં મળીને વૉર્સો કરાર પર સહીસિક્કા કર્યા હતા. 1954ના પૅરિસ કરાર હેઠળ પશ્ચિમ જર્મનીનું ફરી લશ્કરીકરણ કરવાની પ્રક્રિયાના જવાબમાં સામ્યવાદી દેશોએ વીસ વર્ષના ગાળા માટે વૉર્સો કરાર કર્યો હતો; જેમાં એક કલમ એવી પણ ઉમેરવામાં આવી હતી કે ઉપર્યુક્ત વીસ વર્ષ દરમિયાન યુરોપની સામૂહિક સુરક્ષા માટે જો કોઈ કરાર કરવામાં આવે તો 1954નો વૉર્સો કરાર આપોઆપ નિરસ્ત (lapse) થયેલો ગણાશે.
આમ ‘નાટો’, ‘સીઆટો’, ‘અમેરિકન ઑર્ગેનાઇઝેશન ઑવ્ સ્ટેટ્સ’ તથા ‘વૉર્સો કરાર’ – આ બધાં જ સામૂહિક સુરક્ષા માટે બીજા વિશ્વયુદ્ધ પછી ઊભાં કરવામાં આવેલાં સંગઠનો છે. 1991માં સોવિયેત સંઘનું વિઘટન થતાં ‘શીતયુદ્ધ’માં ઓટ આવી, જેને કારણે હવે સામૂહિક સુરક્ષાનાં આ સંગઠનોનું સ્વતંત્ર અસ્તિત્વ પ્રસ્તુત રહેલું નથી. હવે રાષ્ટ્રસંઘ એ જ તે માટેનો ઉપાય ગણાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે