સામાજિક સમસ્યા : સમાજના સભ્યો માટે સર્જાતી એવી અનિચ્છનીય સ્થિતિ, જેને સુધારી શકાય તેમ છે એવું લોકો માનતા હોય છે. સામાન્ય લોકોમાં સામાજિક સમસ્યાઓ અંગે ‘સમાજજીવનની વણઊકલી તથા અવગણી પણ ન શકાય તેવી સહિયારી મુશ્કેલીઓ’ તેવા અર્થધ્વનિવાળી સમજ પ્રવર્તતી જોવા મળે છે. આધુનિક સામાજિક વિજ્ઞાનોમાં, ખાસ કરીને સમાજશાસ્ત્રમાં, સામાજિક સમસ્યાની વિભાવના તથા તેના વૈજ્ઞાનિક અભ્યાસો નોંધપાત્ર મહત્વ ધરાવતા થયા છે; તેથી સામાજિક સમસ્યાની વિભાવનાને કંઈક વધુ સ્પષ્ટતાપૂર્વક સમજવાના પ્રયત્નો થયા છે. તેના ફળસ્વરૂપે સમાજશાસ્ત્રમાં વ્યાપક પ્રમાણમાં સ્વીકારાતી થયેલી સમજ મુજબ, જે સામાજિક પરિસ્થિતિ સંબંધિત સમાજ/સમુદાયના સભ્યોની નોંધપાત્ર સંખ્યાને પોતાનાં કોઈક મહત્વનાં સામાજિક મૂલ્યો અને/અથવા ધોરણોની ષ્ટિએ સમાજજીવન માટે અસહ્ય અનિષ્ટ કે ભયજનક લાગે, જેને સુધારવી કે બદલવી જરૂરી તથા શક્ય જણાય તેમજ તે માટે તેઓ કોઈક સહિયારાં પગલાંના સ્વરૂપે ઓછાવત્તા સક્રિય બને; તેને સામાજિક સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. તેના ઉદાહરણ તરીકે ગુનાખોરી, બેકારી, નશાખોરી, કેફી-ઔષધ-બંધાણ(drug-addiction), અસ્પૃશ્યતા વગેરેને દર્શાવી શકાય.

આ સાથે નોંધવું જોઈએ કે એક સમાજની સમસ્યાત્મક પરિસ્થિતિ અન્ય સમાજ/સમુદાયમાં સામાન્ય અને બિનસમસ્યાત્મક હોઈ શકે છે. એક જ સમાજમાં પણ એક સમયે જે પરિસ્થિતિ સામાન્ય હોય તે જ પરિસ્થિતિ મૂલ્યો, ધોરણો, જરૂરિયાતો જેવા સંદર્ભો બદલાતાં બીજા સમયે સામાજિક સમસ્યારૂપ પણ બની શકે. આ રીતે, સામાજિક સમસ્યાની વિભાવના સાપેક્ષ અને સંબંધિત સમાજની આત્મલક્ષી બાબત છે. વળી, સામાજિક સમસ્યામાં અનેક સામાજિક અને/અથવા બિનસામાજિક પરિબળો તથા પરિસ્થિતિઓ પણ કાર્યકારણ રૂપે સંકળાયેલાં હોવાથી તે જટિલ બાબત છે. તેથી જુદા જુદા સમાજો/સમુદાયોની સમાન જણાતી સામાજિક સમસ્યા(ઓ)નાં પણ કોઈ સાર્વત્રિક અને સર્વસામાન્ય (common) કારણો તેમજ તેના કોઈ ગુરુચાવીરૂપ સર્વસામાન્ય ઉપાયો શોધવા શક્ય બનતા નથી.

હસમુખ હ. પટેલ