સામાજિક શિક્ષણ (social learning) : અન્ય લોકો પાસેથી મનોવલણો, વર્તનની તરેહો, વર્તનનાં ધોરણો, રિવાજો વગેરે શીખવાની પ્રક્રિયા. અન્ય વ્યક્તિના કે સંચાર-માધ્યમોના સંપર્ક દ્વારા નવી માહિતી, નવાં મનોવલણો કે વર્તનની નવી રીતિઓ પ્રાપ્ત કરીને તે અપનાવવાની પ્રક્રિયા.

બીજાંઓ જોતાં-સાંભળતાં હોય ત્યારે લોકો મુખભાવ દ્વારા, બોલીને કે શરીરનાં કે અંગોનાં હલનચલનો દ્વારા અમુક લાગણી, મનોવલણ કે વિચારો વ્યક્ત કરતા હોય છે. આસપાસના માણસો આ દૃષ્ટાંતનું નિરીક્ષણ કરીને તેનું અનુકરણ કરે છે. આમ તેઓ સામાજિક પરિસ્થિતિમાં વર્તનની રીતો શીખે છે; દા.ત., બાળક જુએ છે કે પિતા અન્ય લોકો સાથે કુનેહથી વર્તી રહ્યા છે. બાળક પણ બીજાંઓ સાથે કુનેહથી વર્તવાનું શીખે છે.

સામાજિક શિક્ષણમાં પુરસ્કાર અને સજાના ભાગ વિશે, સામાજિક શિક્ષણ-સિદ્ધાંતના પ્રવર્તક બેન્ડુરા વિશિષ્ટ અભિગમ ધરાવે છે. તેમના મતે પુરસ્કાર કે સજા સામાજિક શિક્ષણનું એકમાત્ર કે મુખ્ય કારણ નથી. તે વર્તનશિક્ષણ ઉપર સીધી અસર કરતાં નથી, પણ શીખેલા વર્તનને વ્યક્તિ કેટલે અંશે પ્રદર્શિત કરશે તેના ઉપર અસર કરે છે. પુરસ્કારની અપેક્ષા કરવાને લીધે ઊપજતી બોધનક્રિયાઓ શિક્ષણનો આરંભ કરે છે અને ટકાવી રાખે છે; તેથી સામાજિક શિક્ષણમાં ધ્યાન નિર્ણાયક પરિબળ છે.

સામાજિક શિક્ષણના મુખ્ય સિદ્ધાંતો આ પ્રમાણે છે : (1) અન્યોના વર્તનનું અને તેનાં પરિણામોનું નિરીક્ષણ કરીને લોકો શીખે છે. (2) પોતાના વર્તનને બદલ્યા વગર પણ શીખી શકાય છે. શીખવા માટે વર્તનમાં પ્રગટ અને કાયમી ફેરફાર થવો અનિવાર્ય નથી. માત્ર નિરીક્ષણથી શીખી શકાય છે; તેથી શીખેલી બાબતો વર્તનમાં પ્રગટે પણ ખરી, કે ન પણ પ્રગટે. (3) શિક્ષણમાં બોધનનો મોટો ફાળો હોય છે. પોતાને હાલ મળી રહેલા ઇનામ કે સજા વિશે શીખનાર સભાન હોય છે. ઉપરાંત તે ભવિષ્યમાં કેવાં/કેટલાં ઇનામ કે સજા મળશે એ વિશે પણ અપેક્ષા કરતો રહે છે. આ સભાનતા અને અપેક્ષા તેના વર્તન પર ભારે અસર કરે છે.

સામાજિક શિક્ષણ મેળવવાની વિવિધ રીતો છે. જ્યારે મનુષ્ય તદ્દન નવી પરિસ્થિતિમાં કે અજાણ્યા સામાજિક પર્યાવરણમાં જાય ત્યારે ત્યાં શું કરવું અને શું ન કરવું તેની ખબર ન હોવાથી તે એક પછી એક વર્તનની તરેહો અજમાવી જુએ છે. જે વર્તનતરેહ અંગે આસપાસના લોકો સંતોષ દર્શાવે તે વર્તનતરેહ તે અપનાવે છે. કેટલીક વાર પર્યાવરણમાં રહેલી વ્યક્તિઓ અને વસ્તુઓનું પ્રત્યક્ષીકરણ કરી જાતમાહિતીના આધારે મનુષ્ય સામાજિક પ્રતિભાવ નક્કી કરે છે. કેટલીક વાર તે પ્રતિભાવ આપવામાં ઉતાવળ કરતો નથી, પણ બીજા લોકોના વર્તનનું ઝીણવટથી નિરીક્ષણ કરીને તેમના વર્તનનું અનુકરણ કરે છે. જો એવું અનુકરણ કરવાથી કોઈ હાનિ ન થાય કે લાભ થાય તો તેને સંતોષ થાય છે. કેટલીક વાર કોઈ વ્યક્તિએ કે સંસ્થાએ કરેલા અનુરોધને અનુસરીને તે વર્તે છે તો કોઈક વાર પરિસ્થિતિ વિશે તેને અપાયેલી નક્કર વર્ણનાત્મક માહિતીના આધારે તે વર્તે છે.

બેન્ડુરા કહે છે કે આ બધી રીતોમાંથી, અન્ય વ્યક્તિના વર્તનને દૃષ્ટાંત રૂપે ગણીને તેનું નિરીક્ષણ અને પછી અનુકરણ કરવાની રીત એ સામાજિક શિક્ષણની એક સૌથી અસરકારક રીત હોવાથી તેનો લોકો વ્યાપક ઉપયોગ કરે છે. મનુષ્યો લાક્ષણિક રીતે અવેજીરૂપ (vicarious) અનુભવો વડે પોતાના વર્તનમાં સુધારો કરે છે. જાતઅનુભવનો મનુષ્યના વર્તન ઉપર જેટલો પ્રભાવ પડે છે એટલો જ પ્રભાવ ષ્ટાંત(model)રૂપ અન્ય વ્યક્તિના અનુકરણનો પડે છે.

જે વર્તનને મનુષ્ય જુએ છે અને જેનું ઘણી વાર તે અનુકરણ કરે છે તે વર્તનને દૃષ્ટાંત કે નમૂનો (model) કહે છે. આ દૃષ્ટાંત કે નમૂનારૂપ વર્તન કાં તો જીવંત, કાં તો પ્રતીકરૂપ નમૂનો હોય. માતાપિતા, શિક્ષક, ચલચિત્ર/ટીવીના અભિનેતાઓ કે ખેલાડીઓને મનુષ્ય પ્રત્યક્ષ જોઈને અનુકરણ કરે તો તે જીવંત નમૂનો કહેવાય; પણ તે મોટેભાગે અભિનેતાઓ કે ખેલાડીઓને પ્રત્યક્ષ નહિ પણ છબીમાં કે ચલચિત્રમાં કે વીડિયોટેપના દૃશ્યમાં પ્રતીકો વડે જુએ છે.

વર્તનનો નમૂનો જોઈને મનુષ્ય તેની માનસિક પ્રતિમાનો મગજમાં સંગ્રહ કરે છે. સ્મરણમાં સંઘરાયેલી એ વિવિધ પ્રતિમાઓમાંથી સંજોગો સાથે બંધ બેસે એવી વર્તનપ્રતિમાને તેનું મગજ પસંદ કરે છે. એનું સભાન સ્મરણ થવાથી મનુષ્ય એ વર્તનનો અમલ કરે છે. મનુષ્ય બીજાંઓના (પોતાને યોગ્ય લાગે તેવાં) ઘણાં વર્તનનું અનુકરણ કરે છે; પણ બીજાંઓનું જે વર્તન પોતાને અયોગ્ય લાગે (દા.ત., જ્યાં-ત્યાં થૂંકવું) તેનું ઝીણવટથી નિરીક્ષણ કરવા છતાં તે અનુકરણ કરતો નથી. સામાજિક યોગ્યતાની પોતાની સમજ પ્રમાણે મનુષ્ય માત્ર સારા વર્તનનું જ અનુકરણ કરીને જે તે શીખે છે; બીજાંઓનાં ખરાબ વર્તનનો દાખલો લેતો નથી.

સામાજિક શિક્ષણમાં બોધનતા અને બીજા કેટલાક ઘટકો ભાગ ભજવે છે : (1) શરૂઆતમાં મનુષ્ય દૃષ્ટાંતનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવે છે. (2) એ માટે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દૃષ્ટાંત સીધું અને સ્પષ્ટ હોય, એને સચોટ રીતે રજૂ કરવામાં આવ્યું હોય, એ પાર્શ્ર્વભૂમિથી અલગ તરી આવતું હોય, વારંવાર રજૂ થતું હોય, આકર્ષક હોય, નવીનતાભર્યું હોય અને જીવનમાં ઉપયોગી જણાય, તો તે તરત ધ્યાનમાં આવે. પછી દૃષ્ટાંતમાં દર્શાવેલું વર્તન યાદ રાખવાનું હોય છે. એ માટે એની અસરકારક વિગતો ભારપૂર્વક દર્શાવવી જરૂરી છે (બને તો શબ્દો અને દૃશ્યો બંને દ્વારા). શીખનારે એ વિગતોનું મનમાં પુનરાવર્તન કરવું જરૂરી છે. વળી વર્તનના મુખ્ય મુદ્દા કે પાસાંને સૂત્ર રૂપે યાદ રાખવાં અને એ સમગ્ર વર્તનને મનમાં ને મનમાં ભજવવું જરૂરી છે.

નમૂનાના અનુકરણ વડે સામાજિક શિક્ષણ મેળવવામાં અપેક્ષા અને આત્મશ્રદ્ધા મહત્વની બને છે. મહાવરો શરૂ કરતી વખતે ‘હું સાચી રીતે જ અનુકરણ કરીશ અને તેનું સારું પરિણામ જ આવશે’ એવી અપેક્ષા કરવાથી શિક્ષણ ઝડપી બને છે. જો નમૂનારૂપ વ્યક્તિના વર્તનને હાજર રહેલા બીજા પ્રેક્ષકો વખાણે કે પુરસ્કાર આપે તો એ વર્તનનું અનુકરણ દ્વારા શિક્ષણ ઓર ઝડપી બને છે. જો અનુકરણ વડે શીખનાર વ્યક્તિ કલ્પનાશીલ કે સૂચનો સહેલાઈથી ઝીલી શકે તેવા હોય તો શિક્ષણ ખૂબ ઝડપી બને છે.

દૃષ્ટાંતના અનુકરણ વડે મેળવેલું શિક્ષણ, વ્યક્તિએ પૂર્વે શીખેલા વર્તન ઉપર અસર કરે છે તેમજ વ્યક્તિમાં નવી વર્તનતરેહો અને કૌશલ્યો વિકસાવે છે. સામાજિક શિક્ષણમાં સ્વનિયંત્રણ પણ ભાગ ભજવે છે. કયું વર્તન યોગ્ય અને કયું અયોગ્ય છે તેનો વિવેક કરીને, અન્ય લોકોના અથવા સંચારમાધ્યમોમાં દર્શાવાતા માત્ર યોગ્ય વર્તનનું જ અનુકરણ કરવું તે સ્વનિયંત્રણ છે. એ માટે શીખનાર વ્યક્તિ પોતાનાં ધોરણો અને લક્ષ્યો નક્કી કરે છે અને પોતે જે કાંઈ દૃષ્ટાંત વડે શીખે છે તેના પર દેખરેખ રાખીને તેનું મૂલ્યાંકન કરતી રહે છે. પોતાની જાતને પ્રગટ રીતે કે મનમાં ને મનમાં સૂચના આપતો રહેનાર માણસ વધારે અસરકારક સામાજિક શિક્ષણ મેળવે છે.

મનુષ્ય અન્ય લોકોના વર્તનના નિરીક્ષણ દ્વારા ઘણુંબધું શીખી લે છે. દૃષ્ટાંતના અનુકરણથી મળેલું સામાજિક શિક્ષણ પ્રયત્ન અને ભૂલથી કે અભિસંધાનથી મળેલા શિક્ષણ કરતાં વધારે ઝડપી અને વધારે કાર્યક્ષમ હોય છે. સામાજિક શિક્ષણમાં સામાજિક યોગ્યતા કે અયોગ્યતાને આધારે શીખવાતા વર્તનની પસંદગી થાય છે. (અન્ય પ્રકારના શિક્ષણમાં વર્તનની સામાજિક યોગ્યતાને ભાગ્યે જ મહત્વ અપાય છે.) સામાન્ય રીતે મનુષ્યને પોતે પસંદ કરેલી નમૂનારૂપ વ્યક્તિ માટે માન હોય છે. તેથી તેના વર્તનના દૃષ્ટાંતનું સહેલાઈથી અનુકરણ કરી તે શીખે છે.

જો શીખનાર સમક્ષ સારા વર્તનનો માત્ર એક નહિ પણ તેના શક્ય એટલા વિવિધ દાખલા રજૂ કરવામાં આવે તો સામાજિક શિક્ષણ વધુ અસરકારક બને છે. વળી, સામાજિક શિક્ષણ મેળવવા માટે વ્યક્તિની અપેક્ષાઓ વાસ્તવિક હોવી જરૂરી છે  બહુ નીચી પણ નહિ, ને બહુ ઊંચી પણ નહિ. સામાજિક શિક્ષણ અપનાવતી વખતે વ્યક્તિત્વના માનવ-પાસાની ઉપેક્ષા કરવી જોઈએ નહિ. સામાજિક શિક્ષણ સિદ્ધિલક્ષી, સર્જનશીલ, સ્વયંસ્ફૂર્ત (spontaneous) અને આનંદજનક બનવું જરૂરી છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે