સામાજિક માળખું (સામાજિક રચના) (social structure)

January, 2008

સામાજિક માળખું (સામાજિક રચના) (social structure) : સામાજિક વ્યવસ્થાના જુદા જુદા સામાજિક એકમો કે ભાગોની વ્યવસ્થિત ગોઠવણી. આ ગોઠવણને સામાજિક રચના પણ કહેવામાં આવે છે. આ રચના જુદા જુદા સામાજિક એકમોની વ્યવસ્થિત ક્રમબદ્ધતા સૂચવે છે અને મહદ્અંશે એ સ્થિર અને કાર્યલક્ષી ગોઠવણી હોય છે. દરેક જૈવકીય કે ભૌતિક વસ્તુને પણ તેની રચના (માળખું) હોય છે. આ રચના તેનાં કેટલાંક એકમોથી કે તત્ત્વોથી બને છે; દા.ત., માનવશરીરની રચના. હાથ, પગ, હૃદય, ફેફસાં, માથું, મોઢું વગેરે જેવાં અંગો કે એકમોથી તે બને છે તો મકાનની રચના ઈંટ, ચૂનો, પથ્થર, લોખંડ, સિમેન્ટ જેવા એકમોથી થાય છે. આ એકમોનો માત્ર ઢગલો કરી દેવાથી રચના (માળખું) ન બને. આ એકમો પોતાના સ્થાન પર સ્થાયી પણ હોય છે અને એકબીજાની સાથે જોડાયેલા પણ હોય છે. વળી એથી કોઈ ને કોઈ કાર્યની પૂર્તિ પણ થાય છે; જેમ કે, શરીર સક્રિય રહી શકે છે અને મકાનનો રહેવા માટે કે અન્ય હેતુથી ઉપયોગ થઈ શકે છે. જે રીતે શરીર, મકાન કે અન્ય ભૌતિક વસ્તુની તે રીતે સમાજની કે સામાજિક વ્યવસ્થાની રચના હોય છે. આવી રચના સામાજિક સંસ્થાઓ, મંડળો, વિવિધ પ્રકારના સંબંધો, દરજ્જો-ભૂમિકા, મૂલ્યો વગેરે જેવા સામાજિક એકમોની સ્થાયી અને કાર્યસાધક ગોઠવણીથી બને છે. આ બધા એકમો પરસ્પરાવલંબી હોય છે. સમાજશાસ્ત્રીઓ સામાજિક વ્યવસ્થાની રચનાને અનુલક્ષીને મુખ્ય ચાર આવશ્યક પાસાં કે એકમો દર્શાવે છે. ઉપજૂથ (subgroup), ભૂમિકા (role), સામાજિક ધોરણો (social norms) અને સાંસ્કૃતિક મૂલ્યો (cultural values).

સમાજની નાનીમોટી કોઈ પણ સામાજિક વ્યવસ્થામાં આ ચાર સામાજિક એકમો નિશ્ચિત રૂપે હોય છે. તે નક્કી થયેલી ઢબે ગોઠવાયેલા હોય છે, અન્યોન્ય સંબંધિત હોય છે અને આ ગોઠવણી કાર્યસાધક હોય છે.

ઉપજૂથ એ દરેક સમાજમાં અને મુખ્ય સામાજિક વ્યવસ્થામાં એક પેટાવિભાગ તરીકે વિકસેલું હોય છે. જોકે જૂથ અને ઉપજૂથ એ સાપેક્ષ બાબત બની રહે છે; દા. ત., જો ભારતને મુખ્ય જૂથ ગણવામાં આવે તો તેમાં સમાવિષ્ટ પ્રાન્તો કે રાજ્યો તેનાં ઉપજૂથો બને છે. જો કોઈક રાજ્યને મુખ્ય જૂથ ગણવામાં આવે તો તેમાં સમાવિષ્ટ તમામ જિલ્લા ઉપજૂથ બને છે અને જો જિલ્લા મુખ્ય જૂથ હોય તો તેમાંના તાલુકાઓ ઉપજૂથ બને છે. વાસ્તવમાં જૂથ અને ઉપજૂથ જુદા જુદા દરજ્જાઓનું બને છે; અર્થાત્ ઉપજૂથના સભ્યોને નિશ્ચિત દરજ્જાઓ મળે છે. આ દરજ્જાઓ આંતરક્રિયાથી તેમજ સંબંધિત ધોરણોથી સંકળાયેલા હોય છે અને ચડતા-ઊતરતા ક્રમમાં ગોઠવાયેલા હોય છે.

દરજ્જા સાથે ભૂમિકા સંકળાયેલી હોય છે. ભૂમિકા દરજ્જાને અનુરૂપ ફરજનું સૂચન કરે છે. આવી અનેક ભૂમિકાઓ હોય છે અને તે પરસ્પર સંબંધિત હોય છે. દરજ્જો તેના ધારક કરતાં અને ભૂમિકા તેના ભજવનાર કરતાં વધારે સ્થાયી પાસું છે.

જે તે સામાજિક વ્યવસ્થાનાં કે જૂથ-ઉપજૂથનાં સામાજિક ધોરણો હોય છે. આ ધોરણો દરજ્જાઓ અને ભૂમિકાઓ નિશ્ચિત કરે છે. સામાજિક ધોરણો પારસ્પરિક વર્તન-તરેહ પણ સૂચવે છે અને જરૂર પડ્યે સામાજિક નિયંત્રણનું કામ પણ કરે છે. દરેક સમાજમાં કે સામાજિક વ્યવસ્થામાં ધોરણની આવી ઢબ વિકસેલી હોય છે.

આ ધોરણો કે ધોરણાત્મક ઢબ સાંસ્કૃતિક મૂલ્યોને આધારે ઘડાય છે. દરેક સમાજમાં યોગ્યાયોગ્યતા સૂચવતી મૂલ્યાંકનની રીત હોય છે. સાંસ્કૃતિક મૂલ્યો સામાજિક વ્યવસ્થાને વધારે સુગ્રથિત બનાવે છે. સામાજિક રચનાનું તે સૌથી વધારે સ્થાયી પાસું છે. મૂલ્યો અને ધોરણો ગાઢ રીતે સંબંધિત છે, ક્યારેક ભેદ પણ મુશ્કેલ બને છે; છતાં ધોરણો અપેક્ષિત વર્તનની ચોક્કસ રીત સૂચવે છે, જ્યારે મૂલ્યો એ સામાન્ય પ્રમાણો (general standards) છે. મૂલ્યોને ઉચ્ચ કક્ષાનાં સામાજિક ધોરણો તરીકે પણ ગણાવવામાં આવે છે.

સામાજિક રચનાના આ ચારેય પાસાંઓ – ઉપજૂથ, ભૂમિકા, ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યો – પરસ્પર સંબંધિત અને અવલંબિત છે. તેમની વચ્ચેના આંતરસંબંધોની ઢબ એ સામાજિક રચના છે. તેનું દરેક પાસું બાકીનાં બધાં પાસાં સાથે સંબંધ ધરાવે છે. કોઈ એક પાસાનું પરિવર્તન અન્ય પાસાંઓમાં પરિવર્તન સર્જે છે.

ટૂંકમાં, સામાજિક રચનાનાં આ બધાં પાસાંઓ કે ભાગો પરસ્પરાવલંબિત છે; જેમ કે, જુદાં જુદાં ઉપજૂથો; તેમાં કુટુંબ, આર્થિક જૂથ, ધાર્મિક જૂથ, રાજકીય જૂથ, શૈક્ષણિક જૂથ વગેરે અન્યોન્ય પર આધારિત છે. આ જૂથોમાં જોવા મળતો દરજ્જાનો કોટિક્રમ પરસ્પરાવલંબિતા સૂચવે છે. આ ઉપરાંત સામાજિક ધોરણો અને મૂલ્યોનું સર્જન ઉપજૂથ અને તેના સભ્યો દ્વારા થાય છે અને તેને ટકાવવાનું તેમજ તેનાં ધ્યેયો નિશ્ચિત કરવાનું કામ પણ ઉપજૂથ કરે છે.

ઉપજૂથમાંના દરજ્જા સાથે ભૂમિકા સંકળાયેલી હોય છે. દરજ્જા સાથે ભૂમિકાનો સંબંધ અવિચ્છેદ્ય હોય છે. જુદી જુદી ભૂમિકાઓ પણ એકબીજી સાથે સંબંધિત હોય છે. આ ભૂમિકાઓ સામાજિક ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યોથી નિશ્ચિત તેમજ સંબંધિત ધોરણોથી પ્રભાવિત થાય છે.

સામાજિક ધોરણોનો અન્ય રચનાકીય પાસાંઓ સાથેનો સંબંધ પણ સ્પષ્ટ છે. ઉપજૂથોમાં સભ્યોનાં વર્તનો, પારસ્પરિક સંબંધો, જુદાં જુદાં ઉપજૂથો વચ્ચેના સંબંધો અને વ્યવહારો વગેરે ધોરણો દ્વારા નિશ્ચિત થાય છે. ભૂમિકા-ભજવણીમાં નિષ્ફળતા માટે શિક્ષાત્મક ધોરણો પણ હોય છે. સામાન્ય રીતે સાંસ્કૃતિક મૂલ્યોને લક્ષમાં લઈને જ ધોરણો બને છે અને એ જ ધોરણો જૂથના સભ્યોનાં વર્તન-વ્યવહાર અને ભૂમિકા પર નિયંત્રણ મૂકે છે.

સાંસ્કૃતિક મૂલ્યો પણ અન્ય રચનાકીય પાસાંઓ સાથે ગાઢ રીતે સંબંધિત હોય છે; કેમ કે, એમના દ્વારા જ મૂલ્યાંકન થાય છે. તે ઉપજૂથોમાં જોવા મળતાં દરજ્જા-ભૂમિકા, ધોરણો વગેરેની યોગ્યાયોગ્યતાનો નિર્દેશ કરે છે. આમ સાંસ્કૃતિક મૂલ્યો સામાજિક વ્યવસ્થાની રચનાનાં અન્ય પાસાંઓ સાથે સંબંધિત હોય છે.

આ બધાં જ પાસાંઓને અલગ અલગ ઓળખાવી શકાય છે; પરંતુ તેમના આંતરસંબંધોની ઢબ એ સામાજિક રચના (માળખું) છે. આ ચારેય પાસાંઓ  ઉપજૂથ, ભૂમિકા, ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યો  ની ગોઠવણીથી સામાજિક વ્યવસ્થાનાં કે સમાજનાં ધ્યેયો હાંસલ થાય છે. તેમાં સામાજિક રચનાની જાળવણી અને તંગદિલીનું નિવારણ, અનુકૂલન, ખાસ ધ્યેયોની પૂર્તિ અને સુગ્રથન વગેરેનો સમાવેશ થાય છે. બીજી રીતે કહેતાં ઉપર્યુક્ત ઉદ્દેશોની પ્રાપ્તિ માટે સામાજિક વ્યવસ્થાનાં ચારેય પાસાંઓ કામગીરી બજાવે છે. આથી જ સામાજિક માળખું (રચના) ટકી રહે છે અને સમાજના સભ્યોની જરૂરિયાતો સંતોષાતી રહે છે. સમગ્ર સામાજિક માળખાને આ રીતે સમજી શકાય :

નલિની કિશોર ત્રિવેદી